Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

માસ્તર સોસાયટીમાં નિવૃત વૃધ્ધ શિક્ષીકા જયશ્રીબેન શુકલની હત્યા

ચારેક દિવસ પહેલાની ઘટનાઃ રહેણાંક મકાનમાંથી કોહવાયેલી લાશ મળીઃ રાત્રે મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીએ તેમના ભાઇને જાણ કરી : ઘણા સમયથી એકલવાયુ જીવન ગાળતા'તાઃ CCTV કેમેરાના આધારે તપાસઃ ચોરી-લૂંટના ઇરાદે આવેલા લુખ્ખાઓનું કૃત્ય કે મિલ્કત ઉપર ડોળો ઠેરવી બેઠેલી કોઇ વ્યકિતનું કૃત્ય ? પોલીસે જુદી-જુદી દિશામાં તપાસ આદરી

સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલી માસ્તર સોસાયટીના મકાનમાં એકલવાયુ જીવન જીવતા જયશ્રીબેન દયાશંકર શુકલા નામના ૭૫ વર્ષીય નિવૃત શિક્ષિકાની ગળુ દબાવી તેમના જ ઘરમાં કોઈએ હત્યા કરી નાખી હતી. આ ઘટનાનો તાગ મેળવવા પોલીસ ડોગ સ્કવોડ સાથે આગળ ધપી રહી છે. તસ્વીરમાં ઘટના સ્થળનુ નિરીક્ષણ કરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારી નજરે પડે છે (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૦ :. સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલી માસ્તર સોસાયટીના ૧૩/એ બ્લોકમાંથી ભયંકર દુર્ગંધ આવ્યા બાદ આ મકાનમાં એકલવાયુ જીવન જીવતા વૃદ્ધા જયશ્રીબેન દયાશંકરભાઈ શુકલ (ઉ.વ. ૭૫)ની હત્યા થયેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે.

વૃદ્ધા જયશ્રીબેનના ઘર પાસે રહેતા પાડોશીઓએ તેમના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ તેમના ભાઈ જયદીપભાઈને કરી હતી. તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા ત્યારે તેમના બહેનનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બેભાન અવસ્થામાં મૃત્યુ થયાનું માનીને પોલીસે એકસીડેન્ટલ ડેથની નોંધ કરી પોસ્ટમોર્ટમ હાથ ધર્યુ હતું. ફોરેન્સીક પોસ્ટમોર્ટમના અંતે વૃદ્ધાનું મૃત્યુ ગળુ દબાવવાના કારણે થયાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ આદરી છે. 

પ્રાથમિક તબક્કે પોલીસ પાસે વૃદ્ધાને કોઈ સાથે અદાવત હોય તેવી બાબત સપાટી પર આવી નથી છતાં લૂંટ-ચોરી માટે હત્યા થઈ છે કે કોઈ મિલ્કત સંબંધી કારણસર (?) તે જાણવા ભકિતનગર પી.આઈ. વી.કે. ગઢવી અને ડી-સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.એમ. ગઢવી અને તેમની ટુકડીઓએ તજવીજ હાથ ધરી છે.

એકલવાયુ જીવન જીવતા જયશ્રીબેન દયાશંકર શુકલ નિવૃત શિક્ષક હતા. તેમના યુવાનીમાં લગ્ન થયા બાદ ૬ માસ પછી જ લગ્નવિચ્છેદ થયા બાદ તેઓ કદી પરણ્યા ન હતા. માનસિક રીતે પણ તેઓ બિમાર હોવાનું આસપાસના લોકોનું કહેવુ છે. તેમના ખખડધજ મકાન પર નહી પણ કિંમતી જમીન પર કોઈનો ડોળો હતો કે કેમ ? તે મુદ્દો પણ ચકાસાઈ રહ્યો છે.

દરમિયાન મળતી માહિતી મુજબ જયશ્રીબેન શુકલા જયરાજપ્લોટ-૫ મા પોતાની માલિકીની સ્કૂલ ધરાવતા હતા. તેઓ ૧૯૮૬થી એકલા રહેતા હતા. જયરાજપ્લોટ-૫માં તેમની સ્કૂલ આવેલી હતી જે ૨૦૧૦માં બંધ કરી દેવામાં આવી હતી. બે ભાઈ અને ૬ બહેનોમાં પાંચમા નંબરના જયશ્રીબેન હતા. તેમના એક ભાઈ વૈષ્ણવભાઈ શુકલ રૈયા રોડ પર જીવનનગર-૧માં રહે છે. છેલ્લા ૩ - ૪ દિવસથી તેમના ઘરમાં હીલચાલ જણાતી ન હતી અને દુર્ગંધ આવતી હોવાથી દવેભાઈ નામના પાડોશીએ વૈષ્ણવભાઈ રાવલને જાણ કરતા ઘટના સપાટી પર આવી હતી.

વૈષ્ણવભાઈએ ઘરમાં તપાસ કરતા મોડી રાત્રે મૃતદેહ મળી આવતા ૧૦૮ને બોલાવી મૃતદેહને પી.એમ. માટે ખસેડાયો હતો. જ્યાં બપોરે આ ઘટના હત્યાની હોવાનું સપાટી પર આવ્યુ હતું.

(3:11 pm IST)