Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

શાપર મગફળી અગ્નિકાંડમાં સીઆઇડીને કોઇ કડી મળતી નથીઃ ડીઆઇજી દિપાંકર ત્રિવેદી દોડી આવ્યા

પાંચમાં દિવસે પણ આગના લબકારા ચાલુઃ એફએસએલ સેમ્પલ લ્યે તે બાદ જ તપાસ આગળ ધપશેઃ આગ લગાડી છે તેવા કોઇ તથ્ય મળતા નથી પણ વિજ કનેકશન વગરના ગોડાઉનમાં આગ કેમ લાગી? તે અંગે તપાસ

રાજકોટ, તા., ૧૦: શાપર વેરાવળના ગોડાઉનમાં ગત રવિવારે રાજય સરકાર દ્વારા ખરીદાયેલ  ૪ કરોડની મગફળીનો જથ્થો સળગી ગયાની ઘટનામાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પરંતુ આગ કઇ રીતે લાગી? તે અંગે  કોઇ કડી ન મળતા રહસ્ય હજુ અકબંધ  છે. બીજી બાજુ સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દિપાંકર ત્રિવેદી આજે શાપર-વેરાવળ દોડી આવ્યા છે.

શાપર-વેરાવળના ગોડાઉનમાં રાજય સરકાર દ્વારા ખરીદાયેલ મગફળીના જથ્થામાં આગ લાગ્યાની ભેદી ઘટના અંગે રાજય સરકારે સીઆઇડી ક્રાઇમને તપાસનો હુકમ કરતા રાજકોટ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી ડી.પી.વાઘેલા, પીઆઇ આર.જે.વાઘેલા તથા પીઆઇ કણજારીયાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં સીઆઇડી ક્રાઇમની ટીમે ગોડાઉન માલીક નરેન્દ્ર પટેલ વેરહાઉસીંગ કોર્પોરેશનના અધિકારીઓ તથા સ્ટાફ અને આગની ઘટનાની સૌ પ્રથમ જાણ કરનાર જયેશ સહિત ૧ર થી ૧પ વ્યકિતઓના નિવેદન લેવાયા છે. પરંતુ આગ કેવી રીતે લાગી? તે રહસ્ય હજુ અકબંધ જ છે.

શાપર-વેરાવળ સ્થિત મગફળી ભરેલા ગોડાઉનમાં સીસીટીવી કેમેરાની સુવિધા નથી કે ગોડાઉનમાં વિજ કનેકશનની સુવિધા નથી તેમજ સિકયુરીટીની પણ કોઇ વ્યવસ્થા નથી. વિજ કનેકશન નથી છતાં મગફળી ભરેલા ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી? તે રહસ્ય છે.

દરમિયાન સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દિપાંકર ત્રિવેદી આજે શાપર-વેરાવળ સ્થિત ગોડાઉનમાં જયાં આગ લાગી ત્યાં દોડી આવ્યા છે. આગનું રહસ્ય શોધવા સ્થાનીક અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સીઆઇડીની અત્યાર સુધી તપાસમાં આગ લગાડે તેવા કોઇ તથ્યો મળ્યા નથી પણ વિજ કનેકશન વગરના ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી? તે અંગે તપાસ કરવા સ્થાનીક અધિકારીઓની જરૂરી સુચનાઓ અપાઇ હતી.

બીજી બાજુ આજે પાંચમાં દિવસે પણ શાપર સ્થિત ગોડાઉનમાં આગના લબકારા હજુ ચાલુ જ છે. આગ સંપુર્ણ કાબુમાં આવ્યા બાદ જ એફએસએલ સેમ્પલ લેશે. ત્યાર બાદ જ તપાસ આગળ વધી શકશે.

(11:52 am IST)