Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રાજકોટમાં લોકો રસ્‍તા ઉપર ન નીકળે તે માટે પોલીસ જવાનો રસ્‍તા ઉપર રસોઇ બનાવીને જમે છે

રાજકોટ :આમ તો પોલીસને તમામ લોકો શંકાની નજરથી અને નેગેટિવ નજરથી જ જોતા હોય છે. પરંતુ પોલીસ એ પ્રજાના રક્ષક છે એ વાત સાર્થક થતા દ્રશ્યો હાલ લોકડાઉન  દરમિયાન રાજકોટમાં નજરે પડ્યા છે. લોકડાઉનનું યોગ્ય પાલન કરાવવું પોલીસની જવાબદારી છે, ત્યારે કેવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસના જાંબાઝ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યાં છે તે આ દ્રશ્યો બતાવે છે.

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. આ લોકડાઉનનો આજે 17મો દિવસ છે. લોકડાઉનનું યોગ્ય પાલન થાય અને લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તે માટે પોલીસ દ્વારા 24 કલાક સતત ખડેપગે રહી ફરજ બજાવવામાં આવી રહી છે.

શહેર ઉપરાંત હાઇવે ઉપર પણ સતત 24 કલાક પોલીસ ફરજ બજાવી રહી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાજકોટથી 30 કિલોમીટર દૂર બામણબોર ચેકપોસ્ટ ખાતે જોવા મળેલા આ દ્રશ્યો છે. ફરજ પર પોલીસ સતત 24 કલાક જોવા મળે છે. સાથે જ બપોરના જમવા સમયે પોલીસ કર્મચારીઓ પોતાના ઘરે નથી જઇ શકતા અને એ માટે પોલીસ ચેક પોસ્ટ ખાતે જ જમવાનું જાતે બનાવી જમતા હોય છે.

ચેકપોસ્ટ પર પોલીસ 24 કલાક 2 શિફ્ટમાં કામ કરે છે, જેમાં એક PSI સહિત SRP, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ સહિત 25 લોકો ફરજ બજાવે છે, જે તમામ જાતે જમવાનું બનાવી જાતે જ જમે છે. સલામ છે ગુજરાતની આ ખાખીને... પોલીસ પોતે ફરજ પર રહી રાષ્ટ્ર સેવા તો કરી રહી છે, પરંતુ સાથે પોલીસ લોકોને માત્ર ઘરે રહી લોકડાઉનના નિયમનું પાલન કરવા અપીલ કરી હતી.

લોકો રસ્તા પર ન નીકળે, તેથી પોતે રસ્તા પર બેસીને જમવા, રસ્તા પર સૂવા મજબૂર બન્યા છે. આજે તેમની આ કામગીરીનો સતત 17નો દિવસ છે.

(4:52 pm IST)