Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઠેબચડાના પ્રૌઢની હત્યાના કેસમાં પકડાયેલ આરોપીની વચગાળાની જામીન અરજી નામંજુર

આરોપીએ ખેતીનો પાક લણવા ૩૦ દિવસના જામીન મળવા અરજી કરી હતી

રાજકોટ તા. ૧૦: રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદમાં ગરાસીયા ખેડુતો પર કરાયેલા હુમલામાં ઘવાયેલા ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં નાથા જેરામે ખેતીના તૈયાર પાક લણવા માટે ૩૦ દિવસની વચગાળાની કરેલી જામીન અરજી અદાલતે નકારી કાઢી ફગાવી દેતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલ ઠેબચડા ગામે ગત તા. ૩૦ના રોજ પોલીસની હાજરીમાં ખેડુતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુભા જાડેજા નામના પ૭ વર્ષના ગરાસીયા પ્રૌઢનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જયારે અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.

આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગનભાઇ રાઠોડ, દેવુબેન મગનભાઇ રાઠોડ, દક્ષાબેને લક્ષમણભાઇ રાઠોડ, કાન્તાબેન રમેશભાઇ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથાભાઇ, ભુપત નાથાભાઇ, રોનક નાથાભાઇ, પોપટ વશરામભાઇ, કશુબેન ગવશરામભાઇ, ચનાભાઇ વશરામભાઇ, સામજી બચુભાઇ, અક્ષીતભાઇ છાયા સામે ગુનો નોંધી ૧પ શખ્સોની ધરપકડ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડુતની પોતાની જમીનનો કેસ સુપ્રિમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમજાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરવા છતાં ત્યારે કોળી જુથ દ્વારા પોલીસની હાજરીમાં બનાવ બનેલ હતો.

આ ગુનામાં નાથા જેરામ નામના શખ્સે રાજકોટ કોર્ટમાં ખેતીના તૈયાર પાક લણવા અને ઘરે કોઇ કામ કરે એમ નથી, બે પુત્ર જેલમાં છે માટે ૩૦ દિવસના વચગાળાની જામીન પર છુટવા અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજુઆત બાદ સરકારી વકીલે લેખીત અને મૌખીક દલીલમાં નાથા જેરામ વાઢેર કાવતરામાં સંડોવણી હતી. પુત્ર સહિત પાંચ શખ્સો ફરાર છે. ચાર્જશીટ થઇ નથી, તપાસ નાજૂક તબકકામાં છે સહ આરોપીની માનવતાના જામીન અરજી રદ્દ થયા છે સહિતના દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા. વચગાળાના જામીન મંજુર કરવામાં આવશે તો પુરાવાનો નાસ અને સાક્ષીઓને ફોડવામાં આવશે. તમામ દલીલથી સહમત થઇ અધિક સેશન્સ જજ વી. વી. પરમારે નાથા જેરામ વાઢેરની વચગાળાની ૩૦ દિવસ જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કામમાં સરકાર પક્ષે ડીજીપી એસ. કે. વોરા અને મુળ ફરિયાદી વતી એડવોકેટ રુપરાજસિંહ પરમાર અને મનીષભાઇ પાટડીયા રોકાયા છે.

(3:59 pm IST)