Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

આજે ગૂડ ફ્રાઈડે

એક અદ્દભુત અને પવિત્ર તહેવારઃ પ્રભુએ આજનો દિ' પોતે પસંદ કરેલો

આપણે સૌ જાણીએ છીએ તેમ આજે ''ગુડ ફ્રાઈડે'' મતલબ કે ''ભલો શુક્રવાર'' છે. કેમ કે પ્રભુએ આજનો દિવસ પોતે પસંદ કરેલ હતો. આજના દિવસને આપણે કહીએ કે એક અદ્દભુત અને પવિત્ર દિવસ છે. આજના દિવસે પ્રભુ ઈસુએ પોતાનાં પ્રાણનું બલિદાન આપ્યું. આજના દિવસે ઈસુએ કેટલીય પીડા અને વેદના સહન કરી. હંમેશા જેમ કહેવાય છે કે કરે છે કોણ અને ભરે છે કોણ? ઈસુએ આપણા પાપ- ગુનાઓની માફીને ખાતર- પોતાનો જીવ અર્પી દીધો અથવા તો એમ કહી શકાય કે ''તુને મસીહા મેરે લિયે અપની જાન દેહીદી !''

કારણે કે એ સાચું છે કે આપણા પ્રભુ ઈસુ નિર્દોષ- બેકસૂર હતાં. તેમ છતાં તેમને આટલી મોટી સજા કેમ મળી? કેમ કે બાઈબલમાં લખવામાં આવ્યું છે કે ઈસુ આપણા માટે મૃત્યુ પામ્યાં અને મૃત્યુ પર વિજય  મેળવીને જીવી ઉઠયા તે પુરૃં થયું. આટલા જ માટે આ દિવસને પવિત્રતાથી ભરેલ દિવસ અને એક અદ્દભુત પર્વ કહીને સંબોધન કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઉપર કોઈ ખોટા આરોપ મૂકે તો આપણને ખૂબ ગુસ્સો આવી જાય છે અને આપણે તેનો વળતો જવાબ દઈ દઈએ છીએ. પરંતુ આપણા ઈસુમસીહા તો નિર્દોષ હોવા છતાં તેમણે પોતાનું બહુમુલ્ય રકત વહાવ્યું અને જીવ દીધો અને પ્રાણનો ત્યાગ કર્યો. આજના આ પવિત્ર દિવસે વાતાવરણમાં પલ્ટો આવી જાય છે. ગુડ ફ્રાઈડેનાં દિવસે ત્રીજા પહોરે જયારે પ્રભુઈસુનો પ્રાણ વેદના સહન કરી રહ્યો હતો અને અંતિમ ઘડી હતી. ત્યારે ઈસુના મોઢે એક જ વાત હતી કે હે પિતા તું આ લોકોને માફ કર કેમ કે તે લોકો જે કરી રહ્યાં છે તે વિશે તે જાણતાં નથી અને આટલું કહીને ઈસુએ પ્રાણ ત્યાગી દીધો.

આ જ કારણ છે કે આજનો દિવસે ખ્રિસ્તી લોકો પ્રભુ ઈસુની વેદનાને યાદ કરી ઉપવાસ રાખે છે, પ્રાર્થના કરે છે અને પોતાનાં પાપોનું  પ્રાયશ્ચિત કરે છે. પરંતુ શું આટલું બસ છે? પ્રભુ ઈસુનાં બલિદાન માટે ? ના! આપણે કોઈની સાથે આ પ્રકારની પ્રેમ કર્યો છે! શું કયારેય આપણે કોઈને માફ કર્યા છે અથવા આપણું કોઈથી માફી માંગી છે?  કારણ કે માફી માંગવીએ સૌથી મોટું કાર્ય છે જે સઘળાં લોકો નથી કરી શકતાં. ઈસુએ આપણને સાચી રાહ દેખાડી જેમાં આપણે ચાલી ન શકયાં. ઈસુએ આપણને બીજાની મદદ કરવાનું પડોશીથી પ્રેમ કરવાનું શીખવ્યુંને આપણાં દુશ્મનોને ગળે લગાડવાનું શીખવ્યું. દરેક પર દયા, ભાવના રાખવાનું શીખવ્યું અને કહયું કે કોઈની ઉપર દોષ ન લગાડવો. આજ છે આ પવિત્ર દિવસનો સંદેશ.

બીજું શું આપણે કોઈની મદદ કરીએ છીએ? કોઈના આંસુ લૂછીએ છીએ? તો આજના દિવસથી આપણને એ પ્રેરણા મળે છે કે આપણે પ્રેમભાવથી રહીએ. બદલાની અને દુશ્મનાવટની ભાવનાનો ત્યાગ કરીએ. આપણાં પાપોના પશ્ચાતાપ કરીએ.

આપણે સૌ જાણીએ છીએ તેમ આ દિવસોમાં ''કોરોના'' નામની મહામારી આખા વિશ્વમાં ફેલાઈ ગઈ છે. તેમાં કેટલાંય લોકો હોસ્પિટલમાં છે. ભૂખ્યાં છે, બે ઘર થઈ ગયાં છે. આપણે આવા લોકો, દેશ- વિદેશનાં લોકો માટે પ્રાર્થના કરવાની છે. આપણાથી કોઈપણ જાતની સેવા કે મદદ થઈ શકતી હોય તો તે આપણે સાચા હૃદયથી કરવાની છે. સેવા કરવી કે કોઈની મદદ કરવી એજ  આ પર્વનું મહત્વ છે. તો આજે આપણે સૌ મળીને આ પર્વને ખુશીથી મનાવીએ અને પ્રાર્થના કરીએ કે જલ્દીથી આ મહામારી દૂર થાય અને નષ્ટ થઈ જાય. આ પવિત્ર પર્વની સૌને શુભકામના.

''સાચો પ્રમે એ જ બલિદાન'' આ જ છે. ગુડફ્રાઈડે.

મિસિસ આઈલીન રોબિન્સન,મો.૬૩૫૫૦ ૮૪૬૯૮, રાજકોટ

(3:18 pm IST)