Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઘર વિહોણાની વ્હારે મનપા

પ્રોજેકટ શાખા દ્વારા આરોગ્ય ચકાસણી તથા ભોજનની વ્યવસ્થા

રાજકોટ તા. ૧૦ : હાલ સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજય સરકારશ્રી દ્વારા તમામ લોકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે. લોકોની જીવનજરૂરીયાતની તમામ સામગ્રી સરકાર દ્વારા ઘરે બેઠા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેકટ શાખા દ્વારા ઘરવિહોણા લોકો માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. સાથોસાથ સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા ઘરવિહોણા લોકો માટે ભોજન સહિતની પ્રાથમિક જરૂરિયાતો નિયમિત મળતી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

કોરોના (COVID-19) વાઈરસ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આશ્રયસ્થાનોમાં તકેદારીના પગલારૂપે દીન દયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY NULM) યોજના હેઠળ રાજકોટ શહેર ખાતે કાર્યરત ડોર્મીટરી/ આશ્રયસ્થાનમાં વસવાટ કરતા ઘરબાર વિહોણા લાભાર્થીઓની આરોગ્યની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગના સહયોગથી પ્રાથમિક આરોગ્ય ચકાસણી મોબાઈલ ડિસ્પેન્સરી મારફત કરવામાં આવેલ હતી.

આ ચકાસણીમાં ભોમેશ્વર ડોર્મીટરી, ભોમેશ્વર વાડી, શેરી નં.૨ - ૫૭,  બેડીનાકા આશ્રયસ્થાન, આજીનદીના કાંઠે - ૩૨, મરચાપીઠ આશ્રયસ્થાન, જુના ઢોર ડબ્બા - ૨૧, આજીડેમ આશ્રયસ્થાન, આજીડેમ ચોકડી, જુના જકાતનાકા - ૫, રામનગર આશ્રયસ્થાન, આજીવસાહત, ૮૦ ફૂટ રોડ - ૪ સહિત કુલ ૧૧૯ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો.

આ આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં એકંદરે ૧૧૯ લાભાર્થીઓને ડો. ઉષાબેન ઝાલા અને ડો. ગીરીરાજ મહેતા તથા તેમની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ હતી, નાયબ કમિશનર સી. કે. નંદાણી અને સહાયક કમિશનર એચ. આર. પટેલનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ શાખાના આસિસ્ટન્ટ મેનેજર ભૂમિબેન એચ પરમાર તથા પ્રોજેકટ શાખાના સીનીયર સમાજ સંગઠકો, NULM મેનેજરો તથા NULM સમાજ સંગઠકોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ વ્યવસ્થા ગોઠવી આરોગ્યની ચકાસણી કરેલ છે. તદુપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કરીને આશ્રયસ્થાનોનાં તમામ લાભાર્થીઓને નિયમિત ભોજન સહીતની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. જયારે શાળા નં.૧૦ ખાતે ડોર્મીટરીમાં પરિસ્થિતિને ધ્યાને લઇ કવોરેન્ટાઇન સેન્ટર તરીકે રીઝર્વ રાખવામાં આવેલ છે.

(3:13 pm IST)