Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉનમાં કારમાં ગરબા વગાડી રાસડા રમનારા ધવલ ગોહેલ અને જયરાજ દેવડા સામે વિધીવત ગુનો

અમીન માર્ગ પર ફુલવાળાની દૂકાનની આગળ વિડીયો ઉતરાયાનું ખુલ્યું: માલવીયાનગર પોલીસે ફરિયાદ દાખલ કરી

રાજકોટ તા. ૧૦: કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પરમ દિવસે રાત્રીના અમીન માર્ગ પર બે શખ્સોએ કારના દરવાજા ખુલ્લા રાખી તેમાં ગરબા વગાડી રોડ પર રાસડા રમ્યા હતાં. આ વિડીયો ટિકટોક મારફત વાયરલ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે આ શખ્સોને ઓળખી કાઢ્યા બાદ હવે વિધીસર ગુનો નોંધવામાં આવ્યો છે.

માલવીયાનગરના પીએસઆઇ જે. એસ. ચંપાવતે ફરિયાદી બની કોઠારીયા રોડ મહેશ્વરી સોસાયટી મહાદેવ મંદિર સામે પિતૃકૃપા ખાતે રહેતાં ધવલ રાજુભાઇ ગોહેલ અને ઢેબર રોડ શ્રમજીવી સોસાયટી-૬ તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી કલમ ૨૬૯, ૧૧૪ મુજબ કોરોના મહામારી અંતર્ગત લોકોને બહાર નીકળવું નહિ તેવું જાહેરનામુ હોવા છતાં બહાર નીકળી રોડ પર કારમાં ગીતો વગાડી રાસ રમી વિડીયો બનાવી બેદરકારી દાખવી પોતાના માટે ચેપ લાગે તેવું જોખમ સર્જવા સબબ ગુનો નોંધ્યો છે.

પોલીસે બંને શખ્સના ઘરે દરોડા પાડ્યા હતાં. પરંતુ હાથમાં આવ્યા નહોતાં. વિડીયો ઉતારનારની પણ પોલીસને ઓળખ મળી ચુકી છે. પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે.

(1:05 pm IST)