Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

આપઘાત કે હત્યા?

ન્યારી ડેમમાંથી ગળા પર પાણો બાંધેલી પુરૂષની લાશ મળી

આશરે ૫૦ થી ૫૫ વર્ષના પુરૂષની લાશ ઉંધી તરતી હતીઃ લાશ ફુલાઇ ગઇ હોઇ આશરે ત્રણ-ચાર દિવસ પહેલા મોત થયાની શકયતાઃ ચોકીદારે જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યોઃ મૃતકને કોઇ ઓળખતું હોય તો તાલુકા પોલીસને જાણ કરવી

અજાણ્યા પુરૂષને ગળા પર આશરે વીસેક કિલો વજનનો પથ્થર બાંધેલી લાશ ન્યારી ડેમમાંથી મળતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા,  પીઆઇ જે. વી. ધોળા, એએસઆઇ તૃષાબેન બુહા, નારણભાઇ, હર્ષદસિંહ  સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. તસ્વીરમાં મૃતદેહ, તેને બહાર કાઢનાર ફાયર બ્રિગેડના જવાનો તથા બીજો સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: શહેરના ન્યારી ડેમમાંથી એક અજાણ્યા આશરે ૫૦ થી ૫૫ વર્ષના પુરૂષની ફુલાઇ ગયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. મૃતકના ગળા પર લુંગી જેવા કપડાથી આશરે અઢારથી વીસ કિલો વજનનો એક પથ્થર બાંધેલા હતો. આ પુરૂષે ગળાપર જાતે પથ્થર બાંધી આત્મહત્યા કર્યાની શકયતા પોલીસને હાલ વધુ જણાઇ રહી છે. આમ છતાં પોલીસ બીજા એંગલથી પણ તપાસ કરી રહી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.  મૃતકની ઓળખ થઇ શકી ન હોઇ પોલીસે ઓળખ મેળવવા દોડધામ કરી રહી છે. લાશ ફુલાઇ ગયેલી હોઇ તે જોતાં ત્રણ-ચાર દિવસ પહેલા મૃત્યુ થયાનો અંદાજ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ન્યારી ડેમમાં એક પુરૂષની લાશ ઉંધી તરતી હોવાની જાણ ચોકીદાર કાળુભાઇએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતાં કાલાવડ રોડ ફાયર બ્રિગેડ ટીમના જયપાલસિંહ, સંજયભાઇ મકવાણા, મહાવીરસિંહ, ડ્રાઇવર મગનભાઇ સહિતની ટીમ પહોંચી હતી. તાલુકા પોલીસ મથકના પીઆઇ જે. વી. ધોળા, એએસઆઇ તૃષાબેન બુહા, નારણભાઇ, ડી. સ્ટાફના હર્ષદસિંહ ચુડાસમા, અરજણભાઇ સહિતનો સ્ટાફ પણ દોડી ગયો હતો. એફએસએલ અધિકારીને પણ સ્થળ પર બોલાવાયા હતાં. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ સહિતના અધિકારીઓ પણ પહોંચી ગયા હતાં.

ફાયર બ્રિગેડની ટીમે પુરૂષની લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી. પુરૂષના ગળા પર લુંગી જેવા કપડાથી આશરે અઢારથી વીસ કિલો વજનનો પથ્થર બાંધેલો હતો.   લાશ ફુલાઇ ગઇ હોઇ અંદાજે ત્રણ-ચાર દિવસ પહેલા મોત થયાનો અંદાજ છે. મૃતકની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ હાથ લાગી નથી. મૃતકના બંને હાથ ખુલ્લા છે, શરીર પર દેખીતી ઇજાઓના બીજા કોઇ નિશાન પણ જોવા મળ્યા નથી. આ જોતાં બનાવ આત્મહત્યાનો હોવાની શકયતા વધુ જણાઇ રહી છે. આમ છતાં હત્યા તો નથી ને? તે મુદ્દે પણ તપાસ થઇ રહી છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ તપાસ આગળ વધારશે.

મૃતક પુરૂષે સફેદ શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યુ છે. આ સિવાય ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. જો મૃતક વિશે કોઇને માહિતી હોય તો તાલુકા પોલીસનો ફોન ૦૨૮૧ ૨૫૬૩૩૪૦ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(3:31 pm IST)