Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રેલ્વેના કોચોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર : રેલ્વે કર્મચારીઓ માટે ૧૦૦૦ લીટર હેન્ડ સેનેટાઈઝરનું ઉત્પાદન

એક કોચમાં ૯ કેબીન બનાવાઈ : એક કેબીનમાં મેડીકલ સ્ટાફ અને ૮ કેબીનોમાં જરૂરીયાતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ

રાજકોટ, તા. ૯ : કોરોના મહામારીના ખતરાથી બચવાના ભાગરૂપે રેલ્વે દ્વારા દર્દીઓની સારવાર માટે રાજકોટ રેલ મંડળ દ્વારા રેલ્વે બોર્ડના નિર્દેશ અનુસાર ૨૦ નોન એસી કોચમાં કવોરન્ટાઈન, આઇસોલેશન વોર્ડમાં બદલવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ મંડળના વરિષ્ઠ મિકેનીકલ એન્જીનિયર શ્રી એન. દહમાના નેતૃત્વમાં કર્મચારીઓએ લોકડાઉન દરમિયાન સતત મહેનત કરી રાજકોટ હાપા અને ઓખાના કોચીંગ ડેપોની કામગીરી પૂર્ણ કરી દીધી છે. કવોરન્ટાઈન, આઈસોલેશન એક કોચમાં ૯ કેબીન બનાવવામાં આવી છે. એક કેબીન મેડીકલ સ્ટાફ માટે તેમજ ૮ કેબીનમાં કવોરન્ટાઈન માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક કોચમાં ઓકિસજન સિલિન્ડર તેમજ બાટલા ચઢાવવા માટે બારી પાસે બ્રેકેટ તેમજ દરેક કેબીનમાં મોબાઈલ ચાર્જીંગની વ્યવસ્થા તથા ૩ ડસ્ટબીન પણ રાખવામાં આવ્યા છે. તમામ કોચની બારીની બહાર નેટ લગાવી દેવામાં આવી છે. જેથી મચ્છરો આઇસોલેશન વોર્ડમાં પ્રવેશી ન શકે. મેડીકલ સ્ટાફ દ્વારા આઈસોલેશન કેબીન વચ્ચે મોટા પારદર્શી પડદાઓ લગાડવામાં આવ્યા છે. આ ડબ્બાઓનો ઉપયોગ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સુચનાઓથી કરવામાં આવશે.

રાજકોટ મંડળ દ્વારા કાચા માલની ખરીદી કરી તેનું મિશ્રણ કરી ૧૦૦૦ લીટર હેન્ડસેનીટાઈઝરનું પણ ઉત્પાદન કર્યુ છે. જેથી ૧૦૦ મીલીલીટરથી ૧૦ હજાર સેનેટાઈઝરની બોટલ બની શકશે અને કોરોનાથી બચવા રેલ કર્મચારીઓને નિઃશુલ્ક આપવામાં આવશે.

(4:22 pm IST)