Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

રૈયાધાર ડિમોલીશનમાં મકાન ગુમાવનાર પરિવારે મ્યુ. કમિશ્નર ચેમ્બર પાસે ધસી જઇને આત્મવિલોપનની ચિમકી આપતાં દોડધામ

રાજકોટ તા. ૧૦ :.. શહેરની રૈયાધાર ઝૂંપડપટ્ટીનાં ડીમોલીશનમાં મકાન ગુમાવનારા પરિવારજનોએ આજે બપોરે એકાએક મ્યુ. કમિશ્નરની ચેમ્બર પાસે ધસી જઇને આત્મ વિલોપનની ચિમકી આપતાં ફરજ પરનાં સુરક્ષા અધિકાારીઓમાં જબ્બરી દોડધામ મચી ગઇ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ મ્યુ. કમિશ્નરશ્રીની ચેમ્બર પાસે વિજયભાઇ  દાફડા તેની પત્ની અને દિકરી સાથે ઘસી આવી અને આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારતાં ફરજ પરનાં વિજીલન્સ પોલીસે તેઓને પકડી અને મ્યુ. કમિશ્નર સમક્ષ હાથ કરતાં આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારનાર વિજય દાફડાએ રજૂઆત કરી હતી કે રૈયાધારમાં ટી.પી. સ્કીમ નં. ૯ માં આવાસ યોજનાનાં અનામત પ્લોટમાંથી તેઓનાં મકાનનું ડિમોલીશન કરાયુ છે છતાં તંત્ર વાહકોએ તેઓને આવાસ યોજનામાં કવાર્ટર નથી આપ્યુ આમ આ અન્યાય બાબતે અનેક રજૂઆતો બાદ પણ ન્યાય નહી મળતાં આત્મ વિલોપની ચિમકી ઉચ્ચાર્યાનું જણાવતાં મ્યુ. કમિશ્નરશ્રીએ આ બાબતે યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો.

વધુ એક આત્મ વિલોપનની ચિમકી

આ ઉપરાંત સોહમનગર હાઉસીંગ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ થઇ રહ્યાની ફરીયાદ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ અને ટી. પી. ઓ. સુધી અવાર-નવાર કરવા છતાં આ ગેરકાયદે બાંધકામ નહી અટકાવાતા અરજદાર જેન્તીભાઇ રાઠોડે પણ આ ગેરકાયદે બાંધકામ નહી અટકાવાયા તો પરિવાર સાથે આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી આ બાબતે વડાપ્રધાનશ્રીને કલેકટરશ્રી મારફત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે.

(3:52 pm IST)