Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

પૂ.હરિચરણદાસજી મહારાજનો કાલે ૯૭મો જન્મદિન

મહારાજશ્રી હું આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ, પરંતુ આપની સાથે ફરીશ નહિં, મને એકાંતમાં ભજન કરવાની આજ્ઞા આપો : માનવધર્મના મહાન પ્રણેતા પૂ.રણછોડદાસજી મહારાજના કૃપાપાત્ર સત શિરોમણી હરિચરણદાસજી મહારાજ વિશે થોડુ તેમના જ શબ્દોમાં જાણીએ

બિહાર પ્રાંતનાં ચંપારણ્ય જિલ્લાનાં એક ગામના બ્રાહ્મણ કુળમાં મારો જન્મ થયો. બે વર્ષનો હતો ને માતાનું અવસાન થયું મારા પિતા મોટા ભગવદ્દ ભકત હતા. તેઓએ મારૃં લાલન પાલન કર્યુ. નાનપણથી ભકિતરસ મારા પિતાશ્રીએ આપ્યો. નાનપણથી સંસારમાં રસ નહોતો અને ૧૮ વર્ષની ઉંમરે ઘર છોડ્યું હતું. પહેલેથી જ સન્યાસી થવાની ઈચ્છા હતી.

કાશીમાં આવીને શાસ્ત્રનું અધ્યયન કરતો હતો. ૧૯૪૨માં ક્રાંતિ થઈ પછી ઘરવાળા પાછા ઘરે લઈ ગયા અને ૧૯૪૬માં પુનઃ ઘર છોડી દીધું. ગંગા કિનારે ફરતો હતો. પ્રયાગરાજ આવ્યો. પ્રયાગરાજ ગંગા કિનારે બેઠો હતો. એકાંત જંગલમાં બેઠો હતો ત્યારે મને વિચાર આવ્યો કે ગુરૂ વિના જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. બાલ્યાવસ્થા હતી શાસ્ત્રનું એટલુ બધુ જ્ઞાન હતું નહીં તો પણ ગંગા કિનારે પ્રતિજ્ઞા કરીને બેઠો હતો કે મને અહીંયા જે ગુરૂ માનશે તેની પાસેથી હું દિક્ષા લઈશ એવી રીતે મેં ત્રણ દિવસ સુધી કંઈ જ ખાધા પીધા વગર અપવાસ કર્યા હતા. ત્રીજે દિવસે સાંજે એક સંત આવ્યા જે બિલકુલ પૂ. ગુરૂદેવ (રણછોડદાસજી) જેવા જ હતા.

તેમણે પૂછ્યું બાળક અહિંયા કેમ બેઠો છે? મેં કીધું મારે વિરકત દિક્ષા ગ્રહણ કરવી છે તો કીધું કે અહિંયા બેસીને શું થશે? મેં કીધુ કે ભાઈ અહીંયા કયાંથી ગુરૂ મળશે મેં કીધું કે મને વિશ્વાસ છે કે મને ગુરૂ અહિંયા જ મળશે તો તેઓએ કીધું કે હું એક દક્ષિણી બ્રાહ્મણ છું. તપસ્વી છાવણી મારૃં ગુરૂજીનું સ્થાન છે. રામદાસજી મારૃં નામ છે. વત્સ ગૌત્રનો બ્રાહ્મણ છું. જો તમે દિક્ષા લેવા ઈચ્છા ધરાવતા હોય તો હું દીક્ષા આપીશ મેં કીધું મહારાજ આપની પાસેથી હું દિક્ષા ગ્રહણ કરીશ પરંતુ હું આપની સાથે ફરીશ નહીં.

મને એકાંતમાં ભજન કરવાની આપ આજ્ઞા આપો. હું આપની પાસેથી દીક્ષા લઈને એકાંતમાં ભજન કરવા ઈચ્છું છું. સંતજી બહુ જ ખુશ થયા અને કહ્યું બેટા મને પણ ફરવું નથી ગમતું તેથી તું ભજન કર તેમાં જ મને સંતોષ છે અને ત્રણ દિવસ મને સાથે રાખ્યો અને સાધુના નીતિ - નિયમો મને બતાવ્યા અને કહ્યું કે હું ચિત્રકૂટ જાવ છું અને તું અયોધ્યામાં રામઘાટ પર જઈને ભજન કર હું શ્રાવણ મહિનામાં આવીશ અને તને ચિત્રકૂટ લઈ જઈશ, પછી હું અયોધ્યા ગયો અને તેઓશ્રી ચિત્રકૂટ ગયા પછી શ્રાવણ મહિનો આવ્યો.

શ્રાવણ મહિનામાં અયોધ્યામાં મેળો ભરાય છે. ત્યારે મેળામાં પાછા મારાં ઘરનાં કુટુંબીજનો આવ્યાં અને મને પાછો ઘરે લઈ જવા કોશિશ કરવા માંડ્યા પણ હું રાત્રે તે લોકો સાથે બનાવટ કરી સીધો ચિત્રકૂટ આવી ગયો, ચિત્રકૂટ આવી ગયા પછી હું ''બાંકે'' સિદ્ધ હનુમાનજીની જગ્યામાં થોડા દિવસ રહ્યો, તેઓએ પ્રેરણા તરીકે તમે જાનકી કુંડ જશો તો તમને કયાંય જવાનું મન નહીં થાય. જાનકી કુંડ એટલી પવિત્ર જગ્યા છે અને એવા એવા સંતો રહે છે કે તું ત્યાં જઈશ તો તને જગ્યા છોડવાનું મન જ નહીં થાય હું પહેલીવાર જાનકી કુંડ આવ્યો તો મને જાનકી કુંડ મળ્યું જ નહીં. બીજીવાર આવ્યો તો જાનકી કુંડ છોડી બીજે કયાંય ગયો નહીં, જાનકી કુંડમાં શ્રી મૌનીજી મહારાજના દર્શન થયાં તેઓએ મને એક રૂમ આપી ત્યાં હું ભજન કરવા માંડ્યો.

પૂ. (રણછોડદાસજી) ગુરૂદેવ થોડા સમય પછી ત્યાં આવ્યા ત્યારે હું મંદિરની સામે ભારી લગાવી ઉભો હતો. ત્યારે પૂ. ગુરૂદેવ સામે બેઠા હતા, ત્યારે મંદિરનાં પુજારી હતા. રામદાસજી તેઓએ રામદાસજીને કહ્યું કે આ છોકરાને ભણાવતા કેમ નથી? આનું જીવન કેમ બરબાદ કરો છો? રામદસાજીએ કહ્યું કે ગુરૂદેવ આ છોકરો ભજન બહું કરે છે? પછી ગુરૂદેવે કહ્યું કે છોકરા ભજનનું પૂછડું કયાં છે ખબર છે? કેવી રીતે ભજન કરે છે? મેં કોઈ જ જવાબ આપ્યો નહીં પછી પાસે બોલાવીને કહ્યું કે તું આજથી મારો ચેલો અહીંયા રહીને ભજન કરજે, કયાંય જવાનું નથી તે ટાઈમે બાળકોને જાનકી કુંડમાં રહેવાની છૂટ નહોતી પરંતુ મારા માટે કોઈ પ્રતિબંધ નહોતો પછી હું જાનકી કુંડમાં ઉપર રહેવા લાગ્યો.

પૂ. ગુરૂદેવ જયારે જયારે આવતા ત્યારે બધા સમાચાર પૂછતાં ઈ. સ. ૧૯૫૦માં પ્રથમ નેત્રયજ્ઞની તૈયારી ચાલતી હતી ત્યારે ૨૪ દિવસ સુધી પૂ. ગુરૂદેવને મેં સુતેલા જોયા નથી. દિવસ - રાત દોડાદોડી અને રાત્રે ભકતોની સાથે વાર્તાલાપ નેત્રયજ્ઞ પછી નેણસીભાઈએ કીધું કે ગુરૂદેવ આપની સાથે બદ્રીનાથની જાત્રા કરવાની ઈચ્છા છે. પૂજય ગુરૂદેવે કહ્યું કે ભાઈ હું એકલો નથી, સાધુઓ પણ છે. નેણસીભાઈએ કહ્યું કંઈ જ વાંધો નથી. બધાની વ્યવસ્થા થઈ જશે. જાત્રામાં ''શ્રી રામ મહા વિદ્યાલય'' શરૂ કરવાનું વિચાર્યુ અને એ વિદ્યાલયનો પ્રથમ વિદ્યાર્થી હું છું અને તેની સ્થાપના ૧૯૫૩માં જુલાઈ માસમાં થઈ.

મહારાજશ્રી કાષ્ઠમૌનમાં બેસવાની તૈયારી કરતાં હતાં ત્યારે ૧૯૫૪માં ગોંડલનાં ભકતોએ પ્રાર્થના કરી આ રામજીનું મંદિર આવેલું છે કાશી વિશ્વનાથના રોડ પર તેને પહેલા ''રામ ઝરૂખા'' કહેવાતું આ જગ્યા પહેલા જાનકીદાસ નામના સંત જૂનાગઢ ''શિર્ષાવન'' માં રહેતા હતા. તેઓ અહીં રહી શકયા નહીં અને ગોંડલ આવ્યા. ગોંડલમાં તેમના શિષ્ય હતાં શ્રી હરિભાઈ ગોકલદાસ આડતીયા. તેમની સ્થિતિ સારી હતી. તેઓ સંતોની સેવા કરતા અને બધો ખર્ચો આપતા. થોડા દિવસ પછી નાનજી કાલીદાસ ત્યાં આવ્યા. નાનજી કાલીદાસનાં કહેવાથી હરીભાઈ (આડતીયા) ત્યાં સેવા કરતાં હતા. નાનજી કાલીદાસ જાનકીદાસજીને મલ્યા અને રૂ.૫૦૦૦/- આપ્યા તે પાંચ હજાર રૂપિયામાં આ મંદિર બન્યું હતું.

પહેલા ત્રણ રૂમ હતા અને એક રૂમમાં ભગવાનને બિરાજવામાં આવ્યા હતા. એક રૂમમાં ગૌશાળા હતી અને એક રૂમ  મહેમાનો માટે હતા. પછી જાનકીદાસજીને હરીભાઈ સાથે વૈચારિક મતભેદથી તેઓ ત્યાંથી જગ્યા છોડીને મણીનગર અમદાવાદ જતાં રહ્યા. આ બાજુ જગ્યામાં સેવા કરવાવાળું કોઈ નહીં, જગ્યા અસ્ત - વ્યસ્ત પડી હતી, હરીભાઈ ખૂબ જ દુઃખી હતા. તેવામાં હરીભાઈએ પૂ. ગુરૂદેવને વાત કરી. આ જગ્યા આપ સંભાળો, પૂ. ગુરૂદેવે કીધું કે મારે જગ્યાની ઝંઝટમાં નથી પડવું, મારે નથી જોઈતી જગ્યા, પરંતુ હરીભાઈના અતિ આગ્રહને કારણે પૂ. ગુરૂદેવે સ્વીકૃતિ આપી દીધી. દિનુભાઈ પંડ્યા વિગેરેને બોલાવી એક ટ્રસ્ટ બનાવ્યું, ટ્રસ્ટ તો થઈ ગયું, પરંતુ ભગવાનની પૂજા કરવાવાળા પૂજારીનું શું?

હું ત્યારે ચિત્રકૂટમાં ભણતો હતો અને રસોઈમાં મદદ કરાવતો હતો. શ્રી મૌનીજી મહારાજ અને શ્રી સીયારામદાસજી મહારાજને બંને વચ્ચે ખૂબ જ સંઘર્ષ હતો અને હું કયારેક એ બંને વચ્ચે પડી મામલો થાળે પાડતો હતો. પરંતુ મારૂ મન ત્યાં ચોટતું નહોતું. કારણ કે સંઘર્ષથી હું કાયર હતો. મને શાંતિથી ભગવાનનું ભજન કરવું હતું તેવામાં શ્રી મોૈનીજી મહારાજ બધા સંતોની સભા બોલાવી  અને કીધું કે આ ગોંડલની જગ્યા આપણને મળી છે. તો ત્યાં કોણ સાધુ સેવા કરવા જવા માંગે છે ત્યારે મેં કીધું આપની આજ્ઞા હોય તો હું જવા તૈયાર છું ત્યારે કહ્યું કે જાઓ પ્રેમ સે જાઓ તે જ્ગ્યા તમને આપી દેવામાં આવશે. મને જગ્યાનો  મોહ નહોતો પરંતુ તેના બે કારણો હતા એક તો ત્યાં સંઘર્ષથી દુર ભાગવું હતું અને બીજું પૂ. ગુરૂદેવ 'કાષ્ઠ મોૈન' માંથી બહાર નીકળે ત્યારે દર્શન કરવા હતાં.

આ બે કારણોને લીધે સ્વીકારી લીધું. હું જયારે જાનકી કુંડ આવ્યો હતો ત્યારે મેં નક્કી કર્યુ હતું કે હું હવે અહીથી કયાંય નહી જાઉ પરંતુ મારૂ શરીર રોગથી ઘેરાઇ ગયું હતું અને સાધના કરી શકતો નહોતો અને આ બે સંતો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો તે મને ચાલતો હતો તે મને પ્રિય નહોતું તે કારણે મેં જાનકી કુંડ છોડયું પછી ગોંડલ આવ્યો અહીની સ્થિતિ જોઇ અને બનતા સુધારા વધારા કર્યા.

ત્યારબાદ ૧૯૫૬માં પૂ. ગુરૂદેવને કાષ્ઠમોૈનથી બહાર આવવાની તૈયારી હતી ત્યારે રાજકોટથી ચાલીને યાત્રા સંઘ જામનગર આવ્યો હતો. જામનગર જમનાદાસભાઇએ બધાને ખુબજ તન મન ધનથી આદર સત્કાર કર્યો. ચિત્રકૂટ વિગેરે જગ્યાએથી સંતો - મહંતો આવ્યા હતા. પૂ. ગુરૂદેવ જયારે ઓરડીની બહાર પધાર્યા ત્યારે ચારે બાજુ જોતા હતા મારા તરફ ધ્યાન ગયું અહો હરિચરન અને તુરત જ બોલ્યા અહીં કયાંથી? શ્રી ભીમજીભાઈ માનસતાએ બધી વાત કરી કે અમુક કારણોને લીધે તેઓ જાનકીકુંડ છોડીને અહીં આવી ગયા છે. ત્યારબાદ પૂ. ગુરૂદેવનું પ્રવચન થયું. પ્રસાદ લઈ સૌ સૌના ઘરે ગયા. મને સુચના આપવામાં આવી કે તમે ગોંડલ જાવ હું આવું છું ત્યારબાદ પૂ. ગુરૂદેવ પોરબંદર ગયા જનાર્દનદાસજી સાથે ગયા પછી જનાર્દનદાસજીને રાજકોટ મોકલ્યા અને તેઓશ્રી ગોંડલ પધાર્યા, ગોંડલ આવીને પાણી ગરમ કરવાનું કહી સ્નાનવિધિ કરીને પૂરી કર્યા બાદ મને પાસે બોલાવીને કીધું કે જો આ જગ્યા તારી નથી આ જગ્યા મારી છે તો મેં કીધું કે મહારાજશ્રી હું પણ આપનો જ છું અને હું જગ્યા માટે નથી આવ્યો પછી પ્રેમથી તુરતજ કીધું નાના આ જગ્યા તારી જ છે.

પ્રેમથી અને શાંતિથી રહો દિનુભાઈ પંડ્યાને ત્યાં તેઓએ કીધું કે જો અહીંયા શાસ્ત્રનું અધ્યાપન કર તારે નોકરી તો કરવી નથી કે લાંબી ડીગ્રી જોઈએ માટે શાસ્ત્રાભ્યાસ કરી ભગવાનની સેવા કર ત્યારપછી પૂ. ગુરૂદેવ ભાવનગર થઈ ભાડલા ગયા ભાડલા મને બોલાવી લીધો. આઠ દિવસ ભાડલા રહ્યા. ત્યાંથી રાજકોટ ગયાં પછી કોટડાનાયાણી વિગેરે જગ્યાએથી ચિત્રકૂટ આવ્યા. હું વૈશ્નવદાસજી, જનાર્દનદાસજી ગાડીમાં તેઓશ્રી મુંબઈથી પ્લેનમાં ચિત્રકૂટ ગયાં ચિત્રકૂટમાં હનુમાનજી મહારાજનાં મંદિરમાં હવન હતો, અમુભાઈ વસાણી, વલ્લભભાઈ બેડલાવાળા તથા હરીભાઈ હલવાઈ વિગેરે ગુરૂભાઈઓ પણ ત્યાં આવ્યા હતાં અને ત્યારે તેઓએ બધાની વચ્ચે કીધું કે મેં ત્રણ મહંતોની નિમણુંક કરી છે જે ત્રણ મહંતો આ પ્રમાણે છે.

ગોંડલ માટે પૂ. હરીચરણદાસજી હસ્તમ માટે ઠાકુરદાસજી જાનકીકુંડ માટે જનાર્દનદાસજી આ રીતે હું પૂ. ગુરૂદેવની પાસે આવ્યો અને તેઓની આજ્ઞા પ્રમાણે આજે પણ આપની સમક્ષ આપ લોકોના સાથ સહકારથી આ (ગોંડલ) જગ્યાનું કાર્ય વ્યવસ્થિત ચલાવી રહ્યો છું. તેમાં મારી કોઈ ક્ષતિ થતી હોય તો આપ ધ્યાન દોરશો તેવી પ્રાર્થના....

:: આલેખન ::

જયદેવ ઓઝા

સાંગણવા ચોક, રાજકોટ

(મો. ૯૮૭૯૨ ૭૦૧૦૧)

(3:45 pm IST)