Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

કોર્પોરેશનના સ્વીમીંગ પૂલમાં ડાઈવીંગની વાર્ષિક ફી લઈને પ્રવેશબંધી !: સભ્યોમાં જબ્બર રોષ

૨૨ સભ્યોએ તંત્ર સામે બાંયો ચડાવીઃ ઉપવાસ આંદોલનની ચિમકી

રાજકોટ, તા. ૯ :. શહેરના કોઠારીયા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર કે જે સિન્દુરીયા ખાણ સ્વિમીંગ પૂલ તરીકે પ્રસિદ્ધ છે તેમા ડાઈવીંગ સ્વીમીંગ પૂલની સુવિધા છેલ્લા ઘણા વર્ષોથી શરૂ થઈ છે. જેનો લાભ અનેક તરવૈયાઓ લ્યે છે પરંતુ તંત્રવાહકોએ આ વર્ષે ૨૨ જેટલા તરવૈયાઓની ૧ વર્ષની ફી લઈને હવે તેઓને સ્વીમીંગ પૂલમાં ડા ઈવીંગ કરવાની ના પાડી દેતા ૨૨ જેટલા સભ્યોમાં જબરો રોષ ફેલાયો છે અને તેઓએ આ બાબતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.  આ અંગે સ્વીમીંગ પૂલના ૨૨ સભ્યોએ એક સંયુકત યાદીમાં જણાવ્યુ છે કે તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલ ડાઈવીંગ પૂલમાં ૩૧-૩-૨૦૨૦ સુધીની ૧૨૨૦ રૂ. લેખે વાર્ષિક ફી ભરેલી છે. આમ છતાં આ તમામ સભ્યોને ડાઈવીંગ પૂલમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આમ સભ્ય ફી લઈને તંત્ર વાહકો હવે ડાઈવીંગ કરવાની ના પાડતા હોય આ બાબતે ૭ દિવસમાં તાત્કાલીક નિર્ણય નહી લેવાય તો તમામ સભ્યો ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી સભ્યોએ ઉચ્ચારી છે. આ બાબતે વોર્ડ નં. ૧૬ના કોર્પોરેટર વલ્લભભાઈ પરસાણા દ્વારા પણ રજુઆત થયેલ છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી તેમ યાદીમાં જણાવાયુછે.

(3:38 pm IST)