Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

બજરંગવાડીના શહેનાઝબેન પર મહિલા કોર્પોરેટર અને તેની પુત્રીઓનો હુમલો

જુના મનદુઃખમાં લાકડીઓ ફટકારાયાનું મહિલાનું કથન

રાજકોટ તા. ૧૦: શહેરના એક મહિલા કોર્પોરેટરે પોતાની બે પુત્રી સાથે મળી બજરંગ વાડીની મુસ્લિમ મહિલાને તેના ઘરે જઇ મારકુટ કર્યાના બનાવે ચર્ચા જગાવી છે. મારને કારણે મહિલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવાઇ હતી.જાણવા મળ્યા મુજબ બજરંગવાડી ૨૫ વારીયામાં રહેતાં શહેનાઝબેન ઇલ્યાસ શેખ (ઉ.૩૦) રાત્રે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેણે મારકુટ થયાનું કહેતાં તબિબે પોલીસને જાણ કરી હતી. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ તેની એન્ટ્રી નોંધી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. શહેનાઝબેને પોતાને એક મહિલા તથા તેની બે પુત્રીઓએ માર માર્યાનું જણાવતાં તે મુજબની એન્ટ્રી નોંધાઇ હતી.શહેનાઝબેને જણાવ્યું હતું કે પોતાને લાંબા સમયથી મહિલા કોર્પોરેટર સાથે માથાકુટ ચાલે છે. જુના મનદુઃખને લીધે હુમલો થયો હતો. અગાઉ પણ આ રીતે માથાકુટ થઇ હતી. તે વખતે સમાધાન કરી લીધુ હતું. આ વખતે કારણ વગર ઘરે આવી મારકુટ કરાઇ હતી. જો કે બપોર સુધી આ બનાવમાં એફઆઇઆર દાખલ થઇ નથી. જાણવા જોગ એન્ટ્રી પરથી પોલીસ તપાસ કરે છે.

(4:16 pm IST)