Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

પ્રવકતા પાઠકની કામગીરી વ્યકિતગત સંઘર્ષ ઉભી કરનારી બનવાની શકયતા

નવા પ્રવકતા કિરીટ પાઠકને વળ દઇને ચીટયો ભરતા કોંગ્રેસના પ્રવકતા ડો. નિદત બારોટ

રાજકોટ, તા., ૧૦: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદાસ્પદ વ્યકિત કિરીટ પાઠકની પ્રવકતા પદે વરણી થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રવકતા અને ડો. નિદત બારોટને એક પત્ર પાઠવીને જરૂરી તાકીદ કરી છે.

ડો. નિદત બારોટે પત્રમાં જણાવ્યું છે કે આજના અખબારોમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ અનુસાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રવકતાની જવાબદારી આપને સોંપવામાં આવી છે. આ સમાચાર આશ્ચર્યજનક જણાયા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાયબ કુલસચિવ (લીગલ) તરીકે આપ જવાબદારી નિભાવી રહયા છો. નાયબ કુલસચિવ (લીગલ) દ્વારા શું કામગીરી  કરવાની હોય તેનું યુનિવર્સિટીના ઓર્ડિનન્સ સ્ટેચ્યુટમાં જરૂરી વિગતો આપી છે. કુલપતિ  યુનિવર્સિટીને કર્મચારીને કામગીરી સોંપી શકતા હોય છે. વર્તમાન કુલપતિએ આપને જે વધારાની જવાબદારી સોંપી છે તે જવાબદારીનો અર્થ એવો થાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનતી કોઇ પણ બાબત માટે સમુહ માધ્યમના અથવા અન્ય લોકોએ આપનો સંપર્ક કરવાનો છે. યુનિવર્સિટીના કુલપતિ અને જુદા જુદા સતામંડળો વતી આપ માહીતી આપશો.

યુનિવર્સિટીના કર્મચારી તરીકે આપ સમગ્ર યુનિવર્સિટી વતી પ્રવકતાની જવાબદારી નિભાવતા હો ત્યારે જો કોઇ રાજકીય પક્ષ દ્વારા કોઇ રજુઆત કરવામાં આવે અને તેનો જવાબ કુલપતિ-કુલસચિવને બદલે આપ દ્વારા આપવામાં આવે ત્યારે કોઇ કારણવગર વ્યકિતગત રીતે આપની સામે સંઘર્ષમાં ઉતરવું પડે. આપનું નિવેદન કુલપતિ અથવા યુનિવર્સિટીના કોઇ સતામંડળનું છે કે કેમ તે દર વખતે સ્પષ્ટતા કરવાની જરૂરીયાત ઉભી થાય. આપ પણ થોડા સમયમાં નિવૃત થવાના છો ત્યારે આવી કામગીરી નજીકના સમયમાં આપની સાથે વ્યકિતગત સંઘર્ષ ઉભી કરનારી થાય તેવી શકયતા છે. યુનિવર્સિટીના કોઇ પણ કર્મચારી સામે કોઇ રાજકીય પક્ષને વ્યકિતગત સંઘર્ષમાં ઉતરવાનું થાય તે ઉભયપક્ષે ઉચીત નથી મને લાગે છે કે આપે કુલપતિને આ જવાબદારીમાંથી મુકત કરવા તેમ ડો. નિદત બારોટે જણાવ્યું હતું.

(3:52 pm IST)