Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

રાજકોટની રાજ બેંકના ભૂતપૂર્વ મેનેજરના ઘરે સીબીઆઇનો દરોડોઃ બેંક દ્વારા તપાસમાં સહકાર

નોટબંધી વખતે પૂર્વ ડિરેક્‍ટરના પુત્ર ચંદ્રેશ બોરસદીયાના ખાતામાં ૧ કરોડ જમા થયેલા તે સંદર્ભે તપાસ : ઇન્‍કમટેક્‍સ વિભાગને બેંક દ્વારા જ જે તે વખતે જાણ કરાઇ હતીઃ સીબીઆઇને ફરિયાદ મળતાં તપાસ થઇ

રાજકોટ તા. ૧૦:  સીબીઆઇની એન્‍ટી કરપ્‍શન બ્રાંચ દ્વારા રાજકોટની રાજ બેંકના પૂર્વ મેનેજરના ઘરે દરોડો પાડી તપાસ કરવામાં આવતાં છે. નોટબંધી વખતે રાજ બેંકના ખાતામાં પૂર્વ ડિરેક્‍ટરના પુત્ર ચંદ્રેશભાઇ ભાણજીભાઇ બોરસદીયાના ખાતામાં એક કરોડની રકમ જમા થઇ હતી. એ ત્રીસ ખાતાના વ્‍યવહારો જે તે વખતે શંકાસ્‍દપ જણાયા હોઇ બેંક દ્વારા જ ઇન્‍કમટેક્‍સ વિભાગને જાણ કરવામાં આવી હતી. તેના આધારે ઇન્‍કમટેક્‍સ વિભાગે સીબીઆઇમાં પ્રાથમિક ફરિયાદ કરી હતી. એ અંતર્ગત તપાસ થઇ હોવાનું બેંકના કર્તાહર્તા શ્રી ખોખરાએ જણાવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ ૩૧મીએ સીબીઆઇની એન્‍ટી કરપ્‍શન વીંગ તપાસ માટે રાજકોટ આવી હતી. નોટબંધી વખતે ચર્ચામાં આવેલી રાજકોટની રાજ બેંકના પૂર્વ મેનેજર વજુભાઇ ચાવડાના ઘરે દરોડો પાડયો હતો. નોટબંધી લાગુ થઇ તે વખતે રાજ બેંકના પૂર્વ ડિરેક્‍ટરના પુત્ર ચંદ્રેશભાઇના ખાતામાં ૧ કરોડ જમા થયા હતાં. ત્‍યારે બેંક દ્વારા જ ઇન્‍કમટેક્‍સ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ માલે અગાઉ આવકવેરા વિભાગે સીબીઆઇ સમક્ષ પ્રાથમિક ફરિયાદ કરી હતી. જેના આધારે સીબીઆઇએ દરોડાની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

બેંક અધિકારી શ્રી ખોખરાના કહેવા મુજબ પૂર્વ મેનેજરના ઘરે સીબીઆઇએ તપાસ કરી છે. પરંતુ કંઇપણ વાંધાજનક મળ્‍યું નથી. તેમજ બેંકમાં પણ તપાસ થઇ છે તેમાં બેંક તરફથી તપાસનીસ એજન્‍સીને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.

(12:03 pm IST)