Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

શકિત સોસાયટીના કિશોરભાઇ ઘરેથી નીકળ્યા બાદ બેડી પાસે લાશ મળી

ગઇકાલે સ્કૂટર લઇને નીકળી ગયા'તાઃ તેમાંથી મળેલા મોબાઇલ ફોનને આધારે ઓળખ થઇઃ મોતનું કારણ જાણવા પોલીસ તપાસ

રાજકોટ તા. ૧૦: સામા કાંઠે સંત કબીર રોડ પર પાંજરાપોળ પાસે શકિત સોસાયટી-૪માં રહેતાં કિશોરભાઇ હીરાભાઇ કાપડીયા (ઉ.વ.૪૪) ગઇકાલે સાંજે ઘરેથી  ઇટર્નો સ્કૂટર લઇને નીકળ્યા બાદ સવારે તેની લાશ બેડીના રાણીમા રૂડીમાના વીસામા પાસેથી મળતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

કિશોરભાઇ સાંજે ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી પાછા ન આવતાં અને ફોન પણ ન લાગતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે બેડી ગામના રાણીમા રૂડીમાના વિસામા પાસે એક ઇટર્નો સ્કૂટર પાસે એક વ્યકિત મૃત હાલતમાં હોઇ કોઇએ તપાસ કરતાં સ્કૂટરમાંથી મોબાઇલ ફોન મળતાં તેમાંથી નંબરો જોડવામાં આવતાં તેમના સ્વજનોનો સંપર્ક થયો હતો અને તેમની ઓળખ થઇ હતી. ૧૦૮ના પાઇલોટ કરસનભાઇ અને ઇએમટી નિલેષભાઇ પહોંચ્યા હતાં. ઇએમટીની તપાસમાં આ વ્યકિત મૃત હોવાનું જણાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

મજૂરી કામ કરતાં કિશોરભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કિશોરભાઇએ આપઘાત કર્યો કે પછી કુદરતી મોત થયું? તે જાણવા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે. હેડકોન્સ. હમીરભાઇ અને અજીતભાઇ લોખીલ વધુ તપાસ કરે છે.

(3:39 pm IST)