Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

હવે...તો..સુધરો...

કોંગ્રેસ પ્રચારને બદલે આંતર કલહમાં ગૂંચવાઇઃ ટિકીટો વેંચ્યાના આક્ષેપો

રાજકોટનાં નેતાએ છેલ્લા બે દિવસમાં પ્રદેશ નિરિક્ષકોની ફાઇનલ યાદીમાંથી અનેક નામો છેલ્લી ઘડીએ નીલ કરી નાખ્યાઃ પાંચ પેનલો વીંખી નાંખીઃ મેેન્ડેટનાં ભગા પ્રદેશ કક્ષાએથી કેમ થયા?

રાજકોટ તા. ૧૦ :.. મ.ન.પા.ની ચૂંટણીનાં પ્રચાર માટે હવે ગણીને ૧૦ થી ૧ર દિવસ રહ્યા છે. ત્યારે મજબુત વિપક્ષ એવા કોંગ્રેસનાં સ્થાનીક કાર્યકરો અને નેતાઓ ટિકીટનાં મુદ્ે હજુ સુધી આંતરિક ડખ્ખાઓમાં  વ્યસ્ત છે. અને ટિકીટો વેચવામાં આવી હોવાનાં આક્ષેપો છડેચોક કરી રહ્યા છે.

શહેર કોંગ્રેસ દ્વારા જે સેન્સ પ્રક્રિયા થઇ તેમાં પ્રદેશ નિરીક્ષકોએ જે ફાઇનલ યાદી તૈયાર કરી હતી. મેમાં ઉમેદવારી પત્ર ભરવાનાં છેલ્લા બે દિવસોમાં અનેક નામો ફરિગયા છે. ૪ થી પ વોર્ડનાં ઉમેદવારોમાંથી ફોર્મ ભરતી વખતે જે મેન્ડેટ આવ્યા તેમાં ઉમેદવારો ફાઇનલ લીસ્ટ બહારનાં જ નિકળતા શહેર કોંગ્રેસનાં નેતાઓ કાર્યકરોમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે.

અને જે કાર્યકરોને અન્યાય થયો છે તેવા પાંચ જેટલા દાવેદારોએ તો સીધો જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખી એવા સણસણ તો આક્ષેપો કર્યા છે કે વોર્ડ નં. ૧૧, ૧૭, ૧૮ માટે ૪ થી ૬ લાખમાં ટિકીટનું વેંચાણ થયુ છે આ ટિકીટ વેચાણમાં રાજય સરકારમાં ચેરમેનનો હોદો ભોગવતા કોંગી આગેવાનનાં ભાઇએ એજન્ટની ભૂમિકા ભજવી હોવાનો ઉલ્લેખ કરી તેઓ સામે પગલા લેવાનો ઉલ્લેખ આ પત્રમાં કરાયો છે.

જો કે આ પત્રમાં જે પાંચ વ્યકિતઓએ સહી કરી છે. તે ખરેખર તેમની છે કે કેમ ? આવો પત્ર ખરેખર લખાયો છે કે પછી કોંગ્રેસને બદનામ કરવા આવો અપપ્રચાર કોઇ કરી રહ્યુ છે ? વગેરે સવાલો ઉઠયા છે.

દરમિયાન સ્થાનીક કક્ષાએથી એક મોટા ગજાનાં નેતાને પ્રદેશ આગેવાનોએ રાજકોટની પેનલો સરખી કરવા માટે જવાબદારી સોંપતા આ નેતાએ છેલ્લી ઘડી સુધીમાં ૪ થી પ નામો ફેરવીને પેનલો વીંખી નાંખી, ફાઇનલ યાદીમાં રહેલા અને ફોર્મ ભરવા ગયેલા ૪ થી પ ઉમેદવારોનાં નામો નીલ કરી નાંખ્યા હોવાની ચર્ચા શહેર કોંગ્રેસનાં આગેવાનોમાં જોર-શોરથી થઇ રહી છે.

જો કે મેન્ડેટ ફરી જવાના, મેન્ડેટમાં ડબલ સહી અને મેન્ડેટમાં નામોની ભૂલ વગેરે બાબતની ક્ષતીઓ માટે દોષનો ટોપલો પ્રદેશ નેતાઓ ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે. આમ કોંગ્રેસ હજુ પણ આંતર કલહમાં જ ગુંચવાયેલી હોવાનું જોવા મળી રહયું છે. 

(3:11 pm IST)