Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

બસ પોર્ટના પ્રવેશદ્વારે જ બસની ઠોકરે ચડેલા સફાઇ કામદાર રાજેશભાઇનું મોત

છ દિવસની સારવારને અંતે દમ તોડ્યોઃ મગજમાં બે હેમરેજઃ ચાર સંતાન, પત્નિ સહિતના સ્વજનોના એકમાત્ર આધારસ્તંભ હતાં: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૦: ઢેબર રોડ પરના નવા બસ પોર્ટના પ્રવેશ દ્વાર પર જ તા. ૪/૨ના રોજ એસટી બસ જીજે૧૮ઝેડ-૪૬૩૮ની ઠોકરે ચડી જતાં જામનગર રોડ પરસાણાનગર-૬માં રહેતાં અને સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં રાજેશભાઇ મંગાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં અને ફરીથી સિવિલમાં લાવવામાં આવ્યા હતાં. છ દિવસની સારવારને અંતે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇગયો છે.

આ બનાવના સીસીટીવી ફૂટેજનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં કઇ રીતે રાજેશભાઇ બસની ઠોકર લાગતાં પડી જાય છે અને બસ તેની ઉપર આવી જાય છે એ દ્રશ્યો હતાં. આ અકસ્માતમાં તેમને મગજમાં બે હેમરેજ થયા હોવાનું તેમના ભાણેજ દિપકભાઇ પરમારે જણાવ્યું હતું. રાજેશભાઇ એક બહેનથી નાના હતાં. સંતાનમાં તેને એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પત્નિનું નામ મંજુબેન છે. રાજેશભાઇ પર પત્નિ, ચાર સંતાન સહિતના સ્વજનોની જવાબદારી હતી. તે એસટી બસ પોર્ટમાંજ કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામ કરતાં હતાં.

 બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે રાજેશભાઇના ભાણેજ જામનગર રોડ તોપખાનામાં રહેતાં રિક્ષા ડ્રાઇવર દિપકભાઇ જીતેશભાઇ પરમારની ફરિયાદ પરથી બસના ચાલક સામે બેફીકરાઇથી બસ હંકારી માણસની જિંદગી જોખમાય એ રીતે અકસ્માત સર્જી રાજેશભાઇને માથા અને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડવાનો ગુનો નોંધ્યો હતો. હવે રાજેશભાઇનું મૃત્યુ થતાં તે અંગેની કલમનો ઉમેરો કરવામાં આવશે.

(3:08 pm IST)