Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

તમારા એકટીવાના હેન્ડલથી મારો હાથ ભાંગી ગયો...નાટક કરી વેપારીનું વાહન અને મોબાઇલ પડાવ્યાઃ બે ઝડપાયા

સોમવારે રાતે ભાવનગર રોડ પર વેપારી સાથે અથડાવાનું નાટક કરી ગુનો આચરાયો હતો : બી-ડિવીઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યોઃ પ્ર.નગર પોલીસે ગુનો ડિટેકટ કરી જામનગર પંથકના નવાગામ ઘેડના પ્રવિણ ઉર્ફ જખરો અને હાલ રાજકોટ રહેતાં જામનગરના પ્રદિપને પકડી લીધા : પીએસઆઇ કે. ડી. પટેલ, કોન્સ. કુલદિપસિંહ જાડેજા અને અક્ષય ડાંગરની બાતમી

રાજકોટ તા. ૧૦: પંચનાથ પ્લોટમાં રહેતાં અને રણછોડનગરમાં ઇમિટેશન જ્વેલરીની દૂકાન ધરાવતાં વણિક વેપારીના એકટીવા સાથે હાથ અથડાવી 'મારો હાથ ભાંગી નાંખ્યો, સિવિલમાં સારવાર માટે લઇ જાવ' કહી એક શખ્સે દેકારો મચાવતાં અને તેની સાથેના બીજા શખ્સે પણ 'આને હોસ્પિટલે લઇ જ જવો પડશે' કહી વેપારીના વાહનમાં બેસી જઇ બાદમાં આગળ જઇ દવાના પૈસા માંગી પુરૂ કરવાનું કહી એ પછી વેપારીને ભાવનગર રોડથી ડિલકસ ચોક થઇ ડી માર્ટ નજીક ૮૦ના રોડ પર લઇ જઇ ધમકાવીને તેનું એકટીવા તથા મોબાઇલ ફોન પડાવી બે શખ્સ ભાગી ગયા હતાં. પરમ દિવસે રાતે બનેલા આ બનાવનો પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલી નાંખી જામનગર પંથકના એક રીઢા ગુનેગાર અને રાજકોટના એક શખ્સને પકડી લીધો છે.

બી-ડિવીઝન પોલીસે આ બનાવમાં પંચનાથ પ્લોટ-૮ આશુતોષ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૩માં રહેતાં અને પેડક રોડ પર રણછોડનગર-૪માં ઇમિટેશન જ્વેલરીની દૂકાનમાં બેસી વેપાર કરતાં પ્રતિકભાઇ ચંદુલાલ શાહ (ઉ.વ.૫૦) નામના વેપારીની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૮૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.

પ્રતિકભાઇએ પોલીસ સમક્ષ વિતક વર્ણવતા કહ્યું હતું  કે હું તા. ૮/૨ના રાતે સવા નવેક વાગ્યે મારી દૂકાનેથી ઘરે જવા માટે એકટીવા નં. જીજે૦૩ઇપી-૭૮૦૮ હંકારીને રવાના થયો હતો. ભાવનગર રોડ પર ભવાનભાઇ પીપળાવાળાની ચાની દૂકાન પાસે પહોંચ્યો ત્યારે મારા વાહનમાં પેટ્રોલ ઓછુ હોઇ ઉભુ રાખી ઘર સુધી પહોંચાશે કે નહિ તે ચેક કર્યુ હતું. એ પછી એકટીવા ચાલુ કરી આગળ વધ્યો ત્યાં જ બે અજાણ્યા શખ્સો ચાલીને એકટીવા સામે આવી ગયા હતાં અને એક વ્યકિતને મારા એકટીવાનું હેન્ડલ સ્હેજ હાથના કાંડા પાસે અડી જતાં તેણે 'મારો હાથ ભાંગી નાંખ્યો' કહી ખોટી રીતે કણસવાનું ચાલુ કરી દીધુ હતું અને 'મને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઇ જા' તેમ કહેવા લાગેલ. તેમજ તેની સાથેના બીજા શખ્સે પણ સિવિલ હોસ્પિટલે લઇ જવાનું કહ્યું હતું.

આ પછી બંને શખ્સોએ મારી સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. હું બંનેને એકટીવામાં બેસાડી હોસ્પિટલે લઇ જવા રવાના થયો હતો. યુ ટર્ન લઇ થોડે આગળ પટેલવાડી સામે પહોંચ્યો ત્યાં બંનેએ એકટીવા ઉભુ રખાવેલ અને કહેલ કે અમને દવાના રૂ. ૫૦૦ આપી દો એટલે વાત પુરી થઇ જાય. આથી મેં તેને મારી પાસે ૨૫૦ રૂપિયા જ છે, તમે અહિ ઉભા રહો તો બીજા પૈસા થોડીવારમાં આપી જાવ તેમ જણાવેલ.

ત્યારબાદ  મને ડિલકસ ચોકથી કુવાડવા રોડ નાગબાઇ પાન સામેના ૮૦ ફુટ રોડ પર લઇ ગયેલ. ત્યાં ગિરીરાજ પાર્ટી પ્લોટ નજીક મને ઉતારી મુકી મારું એકટીવા અને મોબાઇલ ફોન બળજબરીથી પડાવીને ભાગી ગયા હતાં. મને શારીરિક તકલીફ હોઇ હું સામનો કરી શકયો નહોતો. નજીકમાં રહેતાં મિત્રના ઘરે પહોંચી પરિવારજનને ફોન કર્યો હતો અને પછી ઘરે પહોંચ્યો હતું. ૨૦ હજારનું એકટીવા અને રૂ. ૬૦૦૦નો મોબાઇલ બંને શખ્સો પડાવી ગયા હતાં.

હેડકોન્સ. હિતેષભાઇ જોગડાએ ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ બી. બી. કોડીયાતરે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ ગુનાનો ભેદ પ્ર.નગર પોલીસે પીએઅસાઇ કે. ડી. પટેલ, કોન્સ. કુલદીપસિંહ રાણા અને અક્ષયભાઇ ડાંગરની બાતમી પરથી ઉકેલી નાંખી જામનગરના નવાગામ ઘેડ બાપુનગર-૩ના પ્રવિણ ઉર્ફ જખરો ચંદ્રકાંત ચુડાસમા (ઉ.૨૫) અને મુળ જામનગર ખોડિયાર કોલોનીના હાલ પારેવડી ચોક પાસે ભગવતીપરા-૩માં રહેતાં પ્રદિપ કાળાભાઇ પઢીયાર (ઉ.૩૭)ને પડાવેલા એકટીવા અને ફોન સાથે શ્રોફ રોડ પર કિતાબ ઘરવાળી શેરી પાસેથી દબોચી લીધા છે.

આ બંને પૈકીનો પ્રવિણ ઉર્ફ જખરો અગાઉ જામનગર સીટી એ-ડિવીઝનમાં ચોરીના બે ગુનામાં તથા બી-ડિવીઝનમાં દારૂના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આ બંને ૮મીએ રાતે ભાવનગર રોડ પર હતાં ત્યારે પૈસાની જરૂર હોઇ વેપારી સાથે અથડાઇ ઇજા થયાનું નાટક કરી પૈસા પડાવવાનો પ્લાન ઘડી તેનું એકટીવા અને ફોન પડાવી લીધાનું કબુલ્યું હતું. આ વસ્તુ વેંચે એ પહેલા પોલીસના હાથે આવી ગયા હતાં.

બે શખ્સો છળકપટથી મેળવેલા નંબર વગરના એકટીવા સાથે ફરતાં હોવાની બાતમી પરથી બંનેને સકંજામાં લેવાયા હતાં. પુછતાછમાં યોગ્ય જવાબ દેતાં ન હોઇ પોકેટકોપમાં એન્જીન ચેસીસ નંબર સર્ચ કરતાં એકટીવા પ્રતિકભાઇ શાહના નામનું હોવાનું ખુલતાં બી-ડિવીઝનનો ગુનો ડિટેકટ થયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બીસયા, એસીપી પી. કે. દિયોરાની સુચના અને પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ કે. ડી. પટેલ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, જનકભાઇ કુગશીયા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા, અક્ષયભાઇ ડાંગર, અશોકભાઇ હુંબલ, મહાવીરસિંહ જાડેજા અને અમિત રામાનુજ તથા હરદેવસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.

(12:53 pm IST)
  • રાજકોટ મહાપાલિકા ચૂંટણીઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના અંગે હવે માત્ર મતદારો માટે મોજા લેવાનાઃ બાકીની તમામ વસ્તુઓ ગાંધીનગરથી આવશે : રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખર્ચના અસરકારક પગલાઃ હવે બુથ દીઠ ૪૦ને બદલે ૨૫ હજારનો ખર્ચઃ કોરોના સંદર્ભે હાથમોજા અને શોપ બોકસ લેવાના રહેશેઃ બાકી સેનેટાઈઝર, ફેસશિલ્ડ, માસ્ક વિગેરે તમામ વસ્તુ ગાંધીનગરથી ડાયરેકટ ફાળવાશેઃ રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવેલી સૂચના access_time 3:05 pm IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST