Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

પત્નિએ પતિને ફોન જોડ્યો ત્યારે મારો-મારોના અવાજ સંભળાયા, ફોન કટ થયો, ફરી જોડ્યો ત્યાં હત્યા થઇ ગયાની ખબર પડી

કમલેશને નીકુ બનીયા સાથે ભાગીદારીમાં ભંગારનો ધંધો હતોઃ રામઅચલ તેને ભાગીદારી છુટી કરી અલગ ધંધો કરવા ચઢામણી કરતો'તોઃ આ માટે કમલેશ શાપર રામઅચલને સમજાવવા ગયો ને લોથ ઢળી ગઇઃ રાજકોટ ગાંધીગ્રામ આરએમસી કવાર્ટરના કમલેશ ગુપ્તાની શાપરમાં થયેલી હત્યામાં શૈલેષ ક્રેપવાળા રામઅચલ, તેના પુત્ર અને મધુ નામની મહિલા સામે ગુનો નોંધી શોધખોળઃ હત્યાનો ભોગ બનનાર મુળ યુપીનો યુવાન અગાઉ માયાણીનગર કવાર્ટરમાં રહેતો'તોઃ ૩ સકંજામાં: યુવતી અને સગીર સહિત ત્રણ સકંજામાં

અન્યના નામ ખુલે તેવી શકયતા કમલેશ ગુપ્તાનો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો

જ્યા બનાવ બન્યો તે સ્થળ અને શાપર પોલીસ નજરે પડે છે. (તસ્વીર : કમલેશ વસાણી, શાપર - વેરાવળ)

રાજકોટ તા. ૧૦ : રાજકોટ ગાંધીગ્રામમાં રહેતા ભંગારના વેપારીની શાપર - વેરાવળમાં ભંગારના જ વેપારી અને મહિલા સહિત છ શખ્સોએ ધોકા - પાઇપ ફટકારી હત્યા કરવાના બનાવમાં ભોગ બનનાર ભંગારના વેપારી કમલેશભાઇ લાલુભાઇ ગુપ્તાના ભાગીદાર નીકુ બનીયાને રામ અચલ ભાગીદારી છુટી કરી અલગ ધંધો કરવા ચઢામણી કરતો હોઇ તે બાબતે સમજાવવા જતા ડખ્ખો થતાં ઢીમઢાળી દેવાયુ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગત મુજબ રાજકોટ ગાંધીગ્રામમાં નાણાવટી ચોક સ્ટર્લીંગ હોસ્પિટલની પાસે સરકારી આવાસ યોજનાના કવાર્ટર બ્લોક નં. ૧૮ કવાર્ટર નં. ૪૩૪માં રહેતા મમતાબેન કમલેશભાઇ ગુપ્તા (ઉ.વ.૪૨) એ શાપર - વેરાવળ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાને સંતાનમાં એક દીકરી પ્રિયંકા અને દિકરો હિરેન છે. દીકરી પરિણીત છે. પોતે પતિ કમલેશભાઇ તથા પુત્ર સાથે આવાસ યોજનાના કવાર્ટરમાં સાથે રહે છે. પતિ કમલેશભાઇ ભંગારનો ધંધો કરતા હતા જેની સાથે નિકુ મુછાલાલ બનીયા (રહે. ઉત્તરપ્રદેશ હાલ શાપર) છેલ્લા થોડા સમયથી ભાગીદાર હતો. જે બંને રાજકોટની આસપાસના ઔદ્યોગીક વિસ્તારમાં ભંગારને લગતો સામાન છૂટક ખરીદી અને વેચાણ કરતા હતા. તા. ૮/૨ના રોજ પતિ કમલેશભાઇ ગુપ્તાએ ઘરે રાજકોટ આવીને પોતાને વાત કરેલ કે 'આપણો ભાગીદાર નીકુ બનીયાને શાપરના રામ અચલ - શૈલેષ સ્ક્રેપના ડેલાવાળા ચઢામણી કરીને મારાથી અલગ ધંધો કરવા ચઢાવે છે અને આપણો ધંધો બગાડે છે' અને આ નીકુ બનીયા તે રામ અચલ - શૈલેષ સ્ક્રેપના ડેલાવાળાની ચઢામણીથી આપણી સાથે ભાગીદારીમાં ધંધો નહી કરે તો આપણે ધંધામાં કરેલ રોકાણની રકમ પાછી નહી મળે અને આપણો ધંધો બરાબર નહી ચાલે તેવી વાત કરેલ અને તેણે પોતાને કહેલ કે મારે રામ અચલને મળવું પડશે અને તે અમારી વચ્ચે ખોટી ભાગીદારી અલગ ના કરાવે તેમ સમજાવવો પડશે. પણ આ રામ અચલ કોઇનું માને તેમ નથી તેથી સાથે માથાકુટના કરતા તેમ અમોએ વાત કરેલ ત્યારે તેણે કહેલ કે, આ રામ અચલના કારણે જ આપણો ધંધો ભાંગી ગયેલ છે અને આપણો ભાગીદાર પણ તેણે અલગ કરેલ. આ રામ અચલ મારી પાછળ ખોટી રીતે પડી ગયો છે અને નિકુ બનીયાને પણ ચઢામણી તેમણે જ કરી છે. જેણે મને ખૂબ જ હેરાન કરી દીધો છે. તેમ વાત કરી હતી ત્યારે પોતે કહેલ કે 'આપણે નિકુ બનીયાને મળીને સમજાવી દેશું અત્યારે તમે શાંતિ રાખી તેમ કહ્યું હતું.'

બાદ બીજા દિવસે સવારે પોતે પતિ કમલેશભાઇ તેમજ ઓળખીતા સંતોષભાઇ ત્રણેય રાજકોટથી શાપર આવવા નિકળેલા અને પતિએ ઓળખીતા અનિલભાઇ અને પોતાની સાથે સંતોષભાઇને કહેલ કે તમે નિકુ બનીયાને અમારી સાથે ભાગીદારીમાં કામ કરે તે માટે સમજાવવા આવો તેવું કહેલ અને અમો બધા શાપર ચોકડીએ લગભગ અગિયારેક વાગ્યે મળેલા ત્યારે પોતે અને પતિ કમલેશભાઇ તથા ઓળખીતા સંતોષભાઇ અને ભાગીદાર નીકુ બનીયા અને અનીલભાઇ અમે બધા મળેલા ત્યારે પતિ કમલેશભાઇએ નિકુ બનીયાને સમજાવવાની વાત કરેલ અને અમારી વચ્ચે જે રોકાણ થયેલ છે તે રોકાણની રકમ વળતર થઇ જાય ત્યાં સુધીનું ભાગીદારીમાં રહેજે તેમ પતિએ સમજાવતા પણ નિકુએ કહેલ કે મારે તારી સાથે ભાગમાં નથી રહેવું મારે રામ અચલ - શૈલેષ સ્ક્રેપવાળાએ મને જે કહેલ છે તે મુજબ મારે ધંધો કરવો છે. તારી સાથે કોઇ ધંધો કરવો નથી જેથી પતિ કમલેશે કહેલ કે, આપણા જે કંઇ ધંધાની નાની-મોટી રકમ નીકળે તે તું મને આપી દે ત્યારે દિપ ભુત ત્યાં સામે પાનના ગલ્લાએ આવીને મારા પતિને બોલાવેલ અને તે બંને ઘણીવાર ઉભા રહ્યા અને બધા ભેગા થયા ત્યારે પણ નિકુ બનીયાને અમારી સાથે ભાગીદારી ચાલુ રાખવા સમજાવેલ ત્યારે નિકુ બનીયાને કહેલ કે તારે અલગ થાવું હોય તો થઇ જા મારે વાંધો નથી પણ મારા રોકાણના પૈસાનો હિસાબ આપી દેજે તેમ કહ્યું હતું. બાદ તમામ શાપર ચોકડીએથી છૂટા પડયા હતા. જેમાં પતિ કમલેશ અને નિકુ બનીયા અને ત્રીજો દિપ ભુત ત્રણેય શાપર રોકાયા હતા અને પોતે સંબંધી સંતોષભાઇ તથા અનિલભાઇ ત્રણેય રાજકોટમાં રહ્યા હતા. થોડીવાર બાદ પતિ કમલેશભાઇને ફોન કરીને ઘરે કયારે આવો છો તેમ કહેતા 'તેણે થોડીકવારમાં આવું છું' તું ફોન ના કરતી તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. બાદ મોડું થવા છતાં પતિ કમલેશભાઇ ઘરે ન આવતા ફરીવાર ફોન કરતા તેણે કહેલ કે, 'હું રામ અચલના ડેલાએ છું.' એટલુ બોલ્યા પછી ફોન ચાલુ હતો. પણ પતિ કમલેશભાઇ બોલતા નહી પણ ફોનમાં ઘણા માણસો ઝઘડો કરતા અને પતિ કમલેશભાઇને માર મારતા હોય તેવો અવાજ આવતો હતો અને તેમાં એક મહિલાનો પણ અવાજ આવતો હતો. બાદ ફોન બંધ થઇ ગયો હતો. થોડીવાર બાદ ફોન કરતા કોઇએ પતિનો ફોન ઉપાડીને તાકીદે શૈલેષ સ્ક્રેપના ડેલા સામે આવો તેમ કહેતા પોતે તેના પુત્ર અને સંબંધી સાથે શાપર પહોંચ્યા પતિ કમલેશભાઇની માથાના ભાગે લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડયો જોવા મળ્યો હતો અને ઘણા માણસો તથા પોલીસ પણ પહોંચી ગઇ હતી.

આ બનાવ અંગે શાપર - વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ એન.વી.હરીયાણી અને રાઇટર કિરીટસિંહ તથા એલસીબીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રામ અચલ તેનો પુત્ર શૈલેષ અને મધુ નામની મહિલાની શોધખોળ આદરી છે.(૨૧.૧૧)

(2:18 pm IST)