Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

સોની બજારમાં ગેસ લિકેજ થઇ બંધ દૂકાનમાં ભરાયોઃ માલિક ચંદ્રેશભાઇ સોનીએ લાઇટર ચાલુ કર્યુ ને ધડાકો થયોઃ ૪ દાઝયા

વેપારીએ સાંજે પોણા આઠે દૂકાન બંધ કરી'તીઃ ગેસ લિકેજ થતો હોઇ ઉપર રહેતાં બંગાળી યુવાનને ગંધ આવતાં ફોન કરીને બોલાવતાં તેણે આવીને લાઇટ ચાલુ ન કરી પણ ભુલથી લાઇટર ચાલુ કર્યુઃ જોવા ઉભેલા બે યુવાન પણ ઝપટે ચડ્યા

જ્યાં આગ ભભૂકી એ દૂકાન-રૂમ અને દાઝી ગયેલો સોની વેપારી ચંદ્રેશભાઇ તથા ત્રણ બંગાળી કારીગરો સારવાર હેઠળ નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦: સોની બજારમાં રાત્રે સોની વેપારીની ભુલને કારણે આગ ભભૂકતાં તેના સહિત ચાર દાઝી ગયા હતાં. વેપારીએ સાંજે દૂકાન બંધ કરી હોઇ અંદર રાખેલા સોની કામ માટેના દિવામાંથી ગેસ લિકેજ થઇ દૂકાનમાં ભરાયો હતો. તેની ગંધ ઉપર રહેતાં બંગાળી યુવાનને આવતાં તેણે નીચે આવી ફોન કરી આ સોની વેપારીને બોલાવ્યા હતાં. એ વખતે બીજા બે બંગાળી યુવાન પણ અંદર શું થયું? તે જોવા ઉભા રહી ગયા હતાં. વેપારીએ દૂકાન ખોલી હતી અને ગેસ ભરાયો હોઇ સ્પાર્ક ન થાય તે માટે લાઇટ ચાલુ નહોતી કરી, પણ ભુલથી લાઇટર ચાલુ કર્યુ હતું! તે સાથે જ ધડાકા સાથે આગ ભભૂકતાં ચારેય દાઝી ગયા હતાં.

ખત્રીવાડમાં રહેતાં ચંદ્રેશભાઇ હસુભાઇ રાણપરા (ઉ.૪૫) તથા ત્રણ બંગાળી કારીગરો અન્સારઅલી સફીઉલરહેમાન શેખ (ઉ.૪૦), રોબીન સપનભાઇ અધિકારી (ઉ.૪૦) તથા આલમગીર સૈફુદીન બંગાળી (ઉ.૫૦)ને રાત્રે દાઝેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. દાઝેલા પૈકીના અન્સારઅલીએ વિગતો જણાવી હતી કે હું સોની બજાર મેઇન રોડ દેરા શેરીની સામે ચંદ્રેશભાઇ રાણપરાની દૂકાનની ઉપરના ભાગે રહુ છં અને સોની કામ કરુ છું. રાત્રે અગિયારેક વાગ્યે ચંદ્રેશભાઇની દૂકાનમાંથી ગેસ લિકેજની ગંધ ઉપર સુધી આવતાં હું નીચે આવ્યો હતો. આ વખતે મારી સાથે કામ કરતો રોબીન અધિકારી પણ હતો અને બાજુમાં મોબાઇલ રિપેર કરાવવા આવલો આલમગીર પણ શું થયું તે જોવા આવ્યો હતો.

બાદમાં મેં ચંદ્રેશભાઇને ફોન કરીને ગેસ લિક થતો હોવાની જાણ કરતાં તે દોડી આવ્યા હતાં. તેણે દૂકાન ખોલી હતી અને અમે ચારેય અંદર ગયા હતાં. ગેસ કયાંથી લીધ થાય છે તે તપાસ કરતાં ગેસના બાટલા સાથે જોડેલા સોની કામના દિવામાંથી લિકેજ થયાનું જણાયું હતું. ગેસ ભરાઇ ગયો હોઇ ચંદ્રેશભાઇએ દૂકાન-રૂમની લાઇટ ચાલુકરવાની ના પાડી હતી. પરંતુ બાદમાં તેણે જ ભુલથી રૂમમાં પ્રકાશ પાડવા લાઇટર ચાલુ કર્યુ હતું. તે સાથે જ ધડાકો થયો હતો અનેઆગ ભભૂકતાં અમે ચારેય દાઝી ગયા હતાં.

(11:54 am IST)