Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

વ્હોરા વૃધ્ધાની હત્યા-લૂંટનો ભેદ ખુલ્યોઃ નવાગામનો રમેશ કોળી ઝડપાયો

નવાનાકાથી માલિયાસણ સુધીના આઇ-વે પ્રોજેકટના સીસીટીવી કેમેરા ચકાસાયા અને ભેદ ઉકેલવામાં સફળતા મળીઃ રમેશે જ્યાં હત્યા કરી તેનાથી તે દોઢ કિ.મી. દૂર બહેન સાથે કિંગ ફાર્મમાં રહે છેઃ ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા પોલીસને સફળતાઃ વૃધ્ધાને જવુ હતું ભગવતીપરામાં પણ રમેશ હોસ્પિટલ ચોક થઇ ગ્રીનલેન્ડ ચોકડીએ લઇ ગયો છતાં વૃધ્ધા કંઇ ન બોલ્યાઃ વૃધ્ધાને આંખે ઓછુ દેખાય છે તેવો ખ્યાલ આવતાં રમેશની દાઢ ડળકીઃ સોખડા પાસે ઉતારીને કહ્યું-માજી આવી ગયું ભગવતીપરા, માજી નીચે ઉતરતા જ પછાડી દીધા ને માથામાં પથ્થર મારી પતાવી દાગીના લૂંટી લીધા

હત્યારો-લૂંટારો ઝબ્બેે: નિર્દોષ વ્હોરા વૃધ્ધા અસ્માબેન હાતિમભાઇ સદીકોટની ક્રુર હત્યા કરી દાગીના લૂંટી લેનારો હત્યારો રમેશ બચુભાઇ કોળી પ્રથમ તસ્વીરમાં તથા નીચે તેને લઇને આવી રહેલા પી.એસ.આઇ. કે. કે. જાડેજા સહિતની ટીમ અને ઉપરની તસ્વીરમાં વિગતો જણાવતાં એસીપી જે. એચ. સરવૈયા, એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. એ.આર. મોડીયા અને ટીમ તથા કબ્જે થયેલી રિક્ષા જોઇ શકાય છે (ફોટોઃ અશોબ બગથરીયા)

 

રાજકોટ તા. ૯:  પરાબજાર કૃષ્ણપરા-૧માં બાબજી ટાવર સામે રહેતાં દાઉદી વ્હોરા વૃધ્ધા અસ્માબેન હાતિમભાઇ સદીકોટ (ઉ.૭૦) તા. ૭ના બપોરે બે વાગ્યા પછી જુની દરજી બજારમાં વ્હોરા સમાજની નૂર મસ્જીદ પાસે રહેતાં તેના દિકરીના ઘર પાસેથી ભગવતીપરામાં જવા રિક્ષામાં બેસીની નીકળ્યા બાદ ગૂમ થયા હતાં. આ વૃધ્ધાની ગઇકાલે કુવાડવા રોડ સાત હનુમાન નજીક માલિયાસણ-સોખડા રોડ પરથી હત્યા કરાયેલી લાશ મળી હતી. તેમણે પહેરેલા સોનાના દાગીના ગાયબ હોઇ લૂંટના ઇરાદે હત્યાના નિષ્કર્ષ પર પોલીસ પહોંચી હતી. ભેદ ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા પોલીસે ઉકેલી નાંખી નવાગામ સાત હનુમાન પાસે કિંગ ફાર્મમાં રહેતાં રમેશ બચુભાઇ વૈધુકીયા (કોળી) (ઉ.૩૫)ની ધરપકડ કરી છે. વૃધ્ધા આંખે બરાબર જોઇ શકતાં ન હોઇ તે જાણી ગયેલા રમેશની દાઢ ડળકી હતી અને સોખડા લઇ જઇ ધકકો દઇ પછાડી માથામાં પથ્થર ફટકારી હત્યા કરી દાગીના લૂંટી લીધા હતાં.

કુવાડવા રોડ પોલીસે હત્યાનો ભોગ બનેલા અસ્માબેનના પુત્ર મોઇઝભાઇ હાતિમભાઇ સદીકોટ (ઉ.૫૩)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૨, ૩૯૪, ૨૦૧ મુજબ હત્યા, લૂંટ અને પુરાવાનો નાશ કરવા સબબ ગુનો નોંધ્યો છે. અસ્માબેન ૭મીએ બપોરે તેના કૃષ્ણપરા પરાબજારના ઘરેથી નીકળી નવાનાકા રોડ જુના મદ્રેસા પાસે રહેતાં તેના દિકરી બતુલબેનના ઘરે ગયા હતાં. ત્યાંથી બપોરે ભગવતીપરામાં જવા રિક્ષામાં બેસી નીકળ્યા બાદ ગાયબ હતાં. ગઇકાલે સોખડા પાસે હત્યા કરાયેલી લાશ મળી. તેમના હાથમાંથી સોનાની બંગડીઓ, કાનમાંથી સોનાના બુટીયા ગાયબ હતાં. આ જોતાં લૂંટના ઇરાદે હત્યા થયાનું તારણ નીકળ્યું હતું.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી બી. બી. રાઠોડ, વી.એમ. ડોડીયાની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.એસ.આઇ. કે. કે. જાડેજા, હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. રઘુવીરસિંહ વાળા, કોન્સ. ડાયાભાઇ બાવળીયા, તથા  કુવાડવા રોડના પી.આઇ. મોડીયા, પી.એસ.આઇ. ઝાલા, હીરાભાઇ રબારી, હિતેષભાઇ તથા ડી. સ્ટાફના પ્રકાશભાઇ વાંક, મનિષ ચાવડા, સલિમભાઇ માડમ, હાર્દિકસિંહ પરમાર સહિતનાએ વૃધ્ધા નવાનાકેથી રિક્ષામાં બેઠા તેના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. માલિયાસણ સુધીના આઇ-વે પ્રોજેકટના કેમેરા પણ આ ડિટેકશનમાં મહત્વના સાબિત થયા હતાં. જેના કારણે ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

ક્રાઇમ બ્રાંચે નંબરને આધારે રિક્ષા માલિક અને રિક્ષા શોધી કાઢ્યા હતાં. રિક્ષામાં લોહીના ડાઘ મળતાં પોલીસને મહત્વની કડી મળી હતી. અસ્માબેન જેમાં બેઠા હતાં એ રિક્ષા ભગવતીપરામાં રહેતાં યુનુસભાઇની છે. તેની પાસે ચાર રિક્ષા છે અને ભાડેથી આપે છે. તેમજ પોતે ઇંડાનો ધંધો કરે છે. ૭મીએ આ રિક્ષા જેને આપી હતી તે શખ્સ નવાગામ સાત હનુમાન પાસે કીંગ ફાર્મ હાઉસમાં તેની બહેન મુનીબેન દિનેશભાઇ  જીંજુવાડીયા સાથે રહેતો રમેશ બચુભાઇ વૈધુકીયા (કોળી) (ઉ.૩૫) હોવાનું કહેતાં ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા પોલીસની ટૂકડી નવાગામ પહોંચી હતી અને રમેશ કોળીને ઉઠાવી લઇ આગવી ઢબે પુછતાછ કરતાં તેણે હત્યા કબુલી લીધી હતી.

રમેશે કબુલ્યું હતું કે તેણે માજીને ભગવતીપરા લઇ જવા માટે રિક્ષામાં બેસાડ્યા હતાં. પણ હોસ્પિટલ ચોકથી પોતે પારેવડી ચોક સુધી પહોંચ્યો અને ત્યાંથી ડિલકસ ચોક તરફ રિક્ષા વાળી ત્યારે રસ્તો બદલી ગયો હોવા છતાં વૃધ્ધા કંઇ ન બોલતાં તેને આંખે ઓછુ દેખાતું હોવાની ખબર પડતાં તેમણે દાગીના પહેર્યા હોઇ તે લૂંટી લેવા માટે દાઢ ડળકી હતી અને તેને ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ લઇ ગયો હતો. આમ છતાં એ માજી કંઇ ન બોલતાં આગળ સોખડા તરફ લઇ ગયો હતો અને બાદમાં લાશ જ્યાંથી મળી ત્યાં રિક્ષા ઉભી રાખી 'માજી આવી ગયું, ભગવતીપરા...ઉતરો' તેમ કહેતાં માજી નીચે ઉતરતાં જ તેને ધક્કો મારી પછાડી દઇ ત્યાં પથ્થર પડ્યો હોઇ તે ઉપાડી માથામાં ફટકારી હત્યા કરી તેણે પહેરેલી દસ હજારની સોનાની બુટી અને ૨૦ હજારની બંગડી લૂંટી લીધી હતી. ઉતાવળમાં વીંટી કાઢતા ભુલી ગયો હતો. 

રમેશને હવે કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવતાં વિશેષ તપાસ હાથ ધરાઇ છે. લૂંટેલા દાગીના કબ્જે કરવા કવાયત શરૂ થઇ છે.

(4:08 pm IST)
  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST

  • મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST

  • રાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST