Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

આભાવલય ખાતે હૃદયરોગ નિવારણ શિબિર

ઓકસફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગ્રેહામ ડવાયર સંચાલન કરશેઃ પૂ.શ્રુત પ્રજ્ઞજીનું વિશેષ માર્ગદર્શનઃ પ્રાણાયામ, યોગાસન, મંત્ર, સુર્યકિરણ, મુદ્રા વગેરે પ્રયોગો કરાશે

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂ.શ્રુતપ્રજ્ઞજી અને ગ્રેહામ ડવાયર તથા અનિલભાઇ સંઘવી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા., ૯ : જામનગર રોડ પર આવેલા આભાવલય ખાતે હૃદયરોગ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. સમણજી પૂ.શ્રુતપ્રજ્ઞજીના વિશેષ માર્ગદર્શન હેઠળ યોજાનાર શિબિરનું સંચાલન ઓકસફર્ડ યુનિ.ના પ્રોફેસર ગ્રેહામ ડવાયર કરશે.

પૂ.શ્રુતપ્રજ્ઞજી તથા ગ્રેહામજી 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. ડો.ગ્રેહામે જણાવ્યુ હતુ કે, ભારતમાં નિકાસ કરવા જેવી વસ્તુ હોય તો એ યોગ છે. યોગ ઉત્તમ જીવનશૈલી છે. વિદેશીઓ અપનાવી રહ્યા છે પરંતુ ભારતીયો ભૂલી રહ્યા છે. ભારત મૌન, શાંતિ અને ધ્યાનની સંસ્કૃતિ છે પરંતુ ભારતીયો ઘોંઘાટપ્રિય બન્યા છે.

તા.ર૦-ર-૧૮ થી ર૪-ર-૧૮ સુધી જામનગર રોડ સ્થિત, વિનાયક વાટીકામાં આવેલ આભાવલય ખાતે હૃદયરોગ-યોગ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરનું સંચાલન ઓકસફર્ડ યુનિવર્સિટીના નિવૃત પ્રોફેસર ગ્રેહામ ડવાયર કરશે.

ખાન-પાનની વિકૃતિના કારણે અને ચિંતા તથા વ્યર્થના સામાજિક-આર્થિક તનાવના કારણે દુનિયાભરમાં હૃદયરોગ અને સુગરનું પ્રમાણ વધી રહ્યુ છે. ભારતીય લોકોમાં પણ આ બિમારી યુવાવસ્થાથી જ પ્રવેશ કરવા લાગે છે. એમાંય ગુજરાતનો હૃદયરોગ અને સુગરની બિમારીની રાજધાની બની ગઇ છે.

આથી દુઃખદ રોગગ્રસ્ત સ્થિતિમાં અજ્ઞાનતાના કારણે અથવા ન છુટકે લોકો અંગ્રેજી દવાઓના શરણે જાય છે. લાખો રૂપિયા ઇલાજ પાછળ ખર્ચ્યા પછી પણ આડઅસરમાં અનેક નવા રોગોને આમંત્રે છે. આવી સ્થિતિમાં યોગ ધ્યાન અને અધ્યાત્મ એ જ નિર્વિવાદ અને નિરાપદ પ્રાયોગિક ઉપાય છે.

પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના નેજા હેઠળ અને સમણજી શ્રુતપ્રજ્ઞજીના કુશળ સાનિધ્યમાં આવી અનેક પ્રવૃતિઓનું સંચાલન દેશ-દુનિયામાં છેલ્લા પચીસ વર્ષથી નિરંતર થઇ રહ્યુ છે. સમણજીના અનેક પુસ્તકો અત્યંત લોકભોગ્ય બન્યા છે.

સમણ શ્રુતપ્રજ્ઞજીના શિષ્ય કહે કે મિત્ર એવા ગ્રેહામ ડવાયર (ગંગારામ) જેઓ આ શિબિરનું સંચાલન કરશે. પોતે ઓકસફર્ડના નિવૃત પ્રોફેસર છે. ૧૯૯ર-૯૩ માં એમને ભારતમાં રહી ભુત-પ્રેત ઉપર પીએચડી કરેલ છે. ગુરૂ-શિષ્ય પર ડોકયુમેન્ટ્રો ફિલ્મ બનાવેલ છે. છેલ્લા દશ વર્ષથી તેઓ સમણજીની પ્રેરણાથી યોગ-ધ્યાનના માર્ગે  વળ્યા છે. તેઓ નિયમીત યોગ-સાધના કરે છે. યુરોપમાં હવે તેઓ ડાઉન્સલીંગ થકી ભારતીય જ્ઞાનનો પ્રસાર કરે છે. દર વર્ષે ચાર મહિના તેઓ સમણશ્રીના સાનિધ્યમાં રહી નિતનવા વિષયો પર આધ્યાત્મીક પુસ્તકોનું સર્જન કરે છે. અત્યાર સુધી સમણશ્રીના ૭૦ થી ઉપર અને ગ્રેહામ ડવાયર સાથે ત્રણ પુસ્તકો પ્રકાશીત થઇ ચુકયા છે.

આવા ડોકટર ગ્રેહામ ડવાયરનો રાજકોટ વાસીઓને લાભ મળે એ સૌભાગ્યની બાબત છે. આ શિબિરમાં તેઓ હ્ય્દયરોગ માટેના મંત્ર પ્રયોગો, સુર્ય ચિકિત્સાના પ્રયોગો, મુદ્દા વિજ્ઞાનના પ્રયોગો, પ્રાણાયામ આહાર-વિહાર અને નિરોગી દિનચર્યાનું પ્રશિક્ષણ પણ આપશે.

સમણ શ્રૃતપ્રજ્ઞજીનું વિશેષ માર્ગદર્શન મળશે તો યોગ પ્રશિક્ષક વિક્રમભાઇનો પણ લાભ મળશે.

શિબિરમાં જોડાવા ઇચ્છુક ભાઇ-બહેનોએ તા.૧૪ સુધી જામનગર રોડ સ્થિત આભા વલયના કાર્યાલયે ૯ થી પ ની વચ્ચે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે. વધુ વિગત માટે મો. ૯૪ર૭૩ ૬૬૧૬૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વિગતવાર કાર્યક્રમ શિબિર તા.ર૦-ર-૧૮ થી ર૪-ર-૧૮, શિબિર સમયઃ ૭ થી ૮.૧પ સવારે શિબિર સ્થળઃ આભાવલય, વિનાયક વાટીકા, માધાપર બસ સ્ટોપ સામે, જામનગર રોડ, રાજકોટ મો. ૯૪ર૭૩ ૬૬૧૬૪.(૪.૧૬)

ડાયાબીટીસ નિવારણ શિબિર

પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ સમણશ્રી ર્શ્રૃતપ્રજ્ઞજીની પ્રેરણાથી યોગ શિક્ષક વિક્રમભાઇના માર્ગદર્શન હેઠળ તા.૧૪ ફેબ્રુ. થી ૧૮ ફેબ્રુ. સુધી પાંચ દિવસની યોગ-ડાયાબીટીસ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

આ શિબિર જામનગર રોડ સ્થિત વિનાયક વાટીકાના અભાવલય યોગે સેન્ટરમાં સવારે ૭ થી ૮.૧પ સુધી રાખવામાં આવેલ છે. આ શિબિરમાં સુગર માટેના આયુર્વેદીક ઉપચારો, યોગ-પ્રાણાયામના પ્રયોગો, મુદ્દાઓ અને મંત્ર-ધ્યાનના વિશેષ  પ્રયોગો શિખવવામાં  આવશે.

વધુ વિગત માટે અને રજીસ્ટ્રેશન માટે કાર્યાલયના ફોન નં. ૯૪ર૭૩ ૬૬૧૬૪ ઉપર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી સંપર્ક કરવા જણાવાયું છે.

(4:47 pm IST)