Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

શાળાએ નહિ ગયેલા પુત્રએ ઝઘડો કરતાં માતાએ ફિનાઇલ પી લીધું

કોળી મહિલા કંચનબેન ગોહેલને સારવાર લેવી પડી

રાજકોટ તા. ૯: કુબલીયાપરામાં રહેતાં કંચનબેન અશોકભાઇ ગોહેલ (ઉ.૪૩) નામના કોળી મહિલા સાથે તેના ૧૩ વર્ષના પુત્ર અમિતે શાળાએ જવા પ્રશ્ને ઝઘડો કરતાં માઠુ લાગી જતાં તેણીએ ફિનાઇલ પી લીધુ હતું.

કંચનબેનના પતિ અશોકભાઇનું દસેક વર્ષ પહેલા અવસાન થયું છે. તેને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે. પોતે લાદીના કારખાનામાં કામે જઇ ગુજરાન ચલાવે છે. તેના ભાઇ મનિષભાઇ બાજુમાં જ રહે છે. તેણે જણાવ્યું હતું કે ગઇકાલે ભાણેજ અમિત શાળાએ ન જઇ બાજુમાં લગ્ન પ્રસંગ હોઇ ત્યાં જતો રહ્યો હતો. આ બાબતે તેને માતા કંચનબેને ઠપકો આપતાં તે સામુ બોલવા માંડ્યો હતો. જે કારણે માઠુ લાગી જતાં મારા બહેન ફિનાઇલ પી ગયા હતાં.

કંચનબેનને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

ભૂપત અને અમીને ઝેર-ફિનાઇલ પીધું

અન્ય બનાવમાં નાના મવા આંબેડકરનગર-૬માં રહેતાં ભૂપત કાળાભાઇ ચંદ્રપાલ (ઉ.૩૮)એ કાલાવડ રોડ જકાતનાકા પાસે ઝેર પી લેતાં સિવિલમાં ખસેડાયો હતો. જ્યારે કોઠારીયા રોડ સુખરામનગરમાં રહેતો અમીન રહીમભાઇ આરબયાણી (ઉ.૩૫)એ ફિનાઇલ પી લેતાં સારવાર માટે દાખલ કરાયો હતો. જો કે બંને રાત્રે જ રજા લઇ જતાં રહ્યા હતાં. હોસ્પિટલ ચોકી મારફત તાલુકા અને ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૫)

(12:45 pm IST)