Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાત્રી કફર્યુના ૭૩ સહીત જાહેરનામા ભંગના ૧૧૧ કેસ

કફર્યુ ભંગના ૭૩, વેકસીન ન લીધી હોઇ તેવા ૧૦ વેપારી, માસ્કના ૧૯, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા ૮ વેપારી તથા બે બસ અને ઇકો કાર ચાલકો સામે કાર્યવાહી

રાજકોટ તા. ૧૦ :.. કોરોનાના નવા વાયરસ ઓમીક્રોનના વધતા સંક્રમણને અટકાવવા માટે પોલીસ દ્વારા જાહેરનામાનો કડક અમલ કરાવી રહી છે. અને અલગ - અલગ વિસ્તારોમાં કડક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે રાત્રે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કર્ફયુ સમયે બીનજરૂરી ઘરની બહાર નિકળનારા, માસ્ક પહેર્યા વગર નિકળનારા, દુકાન બહાર ગ્રાહકો એકઠા કરી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા વેપારીઓ સહિત ૧૧૧ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસની મહામારીની ત્રીજી લેહર શરૂ થઇ ગઇ છે. દીનપ્રતીદિન કોરોના વાયરસના સંક્રમણમાં વધારો જોવામાં આવી રહ્યો છે.

તેથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવતા પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડી કર્ફયુના સમયમાં ફેરફાર કર્યો હતો અને લોકોને બીનજરૂરી બહાર ન  નિકળવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા માસ્ક ફરજીયાત પહેરવું સહિતના નિયમોનું પાલન કરવા અંગે જણાવાયું  છે. આ અંતર્ગત પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરી રાત્રે કર્ફયુ સમયે જાહેરનામા ભંગના કુલ ૧૧૧ કેસ નોંધ્યા છે. જેમાં કર્ફયુ ભંગના ૭૩, વેકસીનનો ડોઝ ન લીધો હોય તેવા ૧૦ વેપારીઓ, માસ્કના ૧૯, દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા ૮ દુકાનદારો તેમજ બે બસ અને ઈકો કારમાં વધુ પેસેન્જરોને લઈને નિકળી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા ત્રણ ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

(3:56 pm IST)