Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મૃત્‍યુને અવસરમાં પલ્‍ટાવતા ગયા સ્‍વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપિયા

તેમના દેહદાનથી પાંચ લોકોને નવજીવન : ‘મારૂ બધુ દેશને અર્પણ'નો સંઘનો મંત્ર ચરિતાર્થ કરતા ગયા : અનેક ઝંઝાવાતો વચ્‍ચે સ્‍વયંસેવકત્‍વ અડીખમ રહ્યુ રાષ્‍ટ્રીય સ્‍વયસેવક સંઘના ગણવેશમાં મનસુખભાઇ

ઉદ્દઘોષ ક્રાતિવીર સ્‍મૃતિ સંસ્‍થામાં સક્રિય મનસુખભાઇ છાપીયા
અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે મનસુખભાઇ
પુર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાઇ સાથે મનસુખભાઇ છાપીયા
હર્યાભર્યા કિલ્લોલ કરતા પરિવાર સાથે ખુશનુમા અદામાં મનસુખભાઇ છાપીયા
રાજકોટ તા. ૧૦ : ‘રાષ્ટ્રાય સ્‍વાહા ઈદમ નમઃ મારું બધું દેશને અર્પણ' ખરા અર્થમાં સાર્થક કરતા સ્‍વાતંત્રય સેનાની દેશ પ્રેમી, સ્‍વદેશીના આગ્રહી રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘનો એક કર્મઠ સમર્પિત અને પ્રતિબધ્‍ધ સ્‍વયંસેવક એવા શ્રી મનસુખભાઈ ગોપાલભાઈ  છાપીયા (ઉ.વર્ષ ૯૨) કે જે છાપીયાજી તરીકે સુવિખ્‍યાત હતા તેવા નિષ્ઠાવાન સ્‍વયંસેવક  શનિવારે સવારે આપણા વચ્‍ચેથી  વિદાય લીધી છે.
‘વંદે માતરમ' ‘ભારત માતાકી જય'  ‘જય હિન્‍દ' ના નારા સાથે અંતિમ વિદાય લીધી. તેઓની ઈચ્‍છા અનુસાર તેઓનું દેહ દાન આપી પાંચથી વધુને નવજીવન આપતા ગયા! આજીવન એક સંઘના આદર્શ સ્‍વયંસેવક તરીકે જીવી ગયા.
મૂળ જામનગરના અને વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી મોઢ વણિક સમાજના પારકી છઠ્ઠીના જાગતલ  રાજકોટ ખાતે ગોડાઉન રોડ પર આવેલું એક નાની ઓરડીમાં રહેતા. લોકોને પ્રેમ આપ્‍યા જ કરે, ઘરે જાવ તો ગાંઠીયા કે દાળિયા ફાકતા  હોય તે પણ તમને આપી દે. અસલ સુદામાના તાંદુલ.
ભાજપના નેતા સ્‍વ. ચીમનભાઇ શુકલને ખૂબ જ આદર આપતા ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.કેશુભાઈ પટેલ કે  રાજકોટના પૂર્વ મેયર સ્‍વ. અરવિંદભાઈ મણિયાર તેમજ આર.આર.એસ.ના સ્‍વ.પ્રવીણકાકા મણિયાર તેમની  સાત્‍વિકતાથી ખુબ જ પ્રભાવિત હતા.
તેઓના સંતાનમાં પુત્રો શ્રી જગદીશભાઈ, સુનિલભાઈ, પિયુષભાઈ, વિમલભાઈ   અને પુત્રીઓમાં સર્વશ્રી સરોજબેન શાહ, જયશ્રીબેન પરીખ, જયોતિબેન મહેતા સહિત તેમના કુટુંબીજનોને વિલાપ કરતા છોડી સૌને રાષ્ટ્રવાદી વિચારધારાના પાઠ ભણાવીને આપણી વચ્‍ચેથી વિદાય લીધી છે.
મૂળ જામનગરના વતની એવા છાપીયાજી  જામનગરમાં અભ્‍યાસમાં હતા ત્‍યારે જ આઝાદી ચળવળના કારણે રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદી વિચારના બીજ રોપાયા હતા. આઝાદી બાદ  ભારતના ગૃહ પ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે જામનગર આવેલ ત્‍યારે જામનગરના રાજવી જામસાહેબે સરદાર વલ્લભભાઈ પટેલનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરેલ અને તેઓની વિન્‍ટેજ વિક્‍ટોરિયા કારમાં  મુસાફરી કરેલી હતી અને સરદાર પટેલના સ્‍વાગત માટેની  ઉત્‍સુકતા એટલી હતી કે છાપીયાજી તેની કાર સાથે દોડતા હતા અને પોલીસે તેમને અટકાવી દીધા હતા. પરંતુ સરદાર પટેલે એક યુવાન છાપીયાજીને ન અટકાવવા અને વિક્‍ટોરિયા કારના પંખા ઉપર બેસવાની છૂટ આપી હતી.
છાપીયાજી ઉપર આઝાદીની ચળવળની અસર એટલી હતી કે ભારતની આઝાદી બાદ  ગાંધીજી ના અવસાન બાદ તેઓએ ખાંડ, ચા  ત્‍યાંરથી આજદિન સુધી છોડી દીધા હતા. ખાદીભંડારના અહિંસક ચપ્‍પલ જ પહેરતા હતા. પરંતુ ત્‍યાર બાદ અહિંસક ચપ્‍પલ પણ ખાદી ભંડારમાં આવતા બંધ  થતા ખુલ્લા પગે જ ચાલતા હતા.
૧૯૭૯ ની મોરબીની હોનારત સમયે  રૂપિયા ૧૦,૦૦૦ ની લોન લઈને રાહતકાર્યમાં આપી દીધી હતી.
‘નમસ્‍તે સદા વત્‍સલે માતૃભૂમિ...' જેમનો નિત્‍યક્રમ રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની શાખામાં દરરોજ સાઈકલ લઈને જવું અને ગાઢ સંપર્ક કરવો.
સ્‍પષ્ટ વક્‍તા પણ હતા. જાત તોડી કામ કરે એટલે છાપિયાજી.  રાજકોટના માહિતી ખાતાના અધિકારીઓ તેમને રાજકોટના એનસાઇકલો પીડીયા કહે છે. ઇતિહાસના શોખીન. જુના છાપાના કટીંગ, જુના સંગ્રાહક અને લાયબ્રેરી કે પુસ્‍તક મળે તો ભૂખ્‍યા તરસ્‍યા બેઠા હોય. સ્‍વ.ચીમન કાકા શુક્‍લ છાપીયાજી માટે સાચું કીધું છે કે ભૂતનું ઠેકાણું આંબલી જ હોય.
૧૯૪૩-૪૪ ની સાલથી અનેક ઝંઝાવાતો, કસોટીઓ, અને અડચણો વચ્‍ચે જેમનું સ્‍વયંસેવકત્‍વ ડગ્‍યું નથી તેવા કોઈથી ડરે નહી તેવા નિડર, ડગે નહી તેવા અડગ અને વિચલિત ન થાય તેવા અવિચળ પકૃતિનાં સંઘ-જનસંઘનાં પાયાના પત્‍થર સમાન કર્મયોગી સ્‍વયંસેવક એટલે શ્રી છાપીયાજી.
૯ર વર્ષની વયે કહી શકાય કે મહાપ્રયાણ થયું તેવા શ્રી છાપીયાજીએ વાસ્‍તવમાં છેલ્લા ર૪ કલાકથી માનસીક રીતે સંપૂર્ણ અનાસકત ભાવ કેળવી અને મંગલમય મૃત્‍યુને તેઓ પામ્‍યા છે.
છેલ્લા ૧ વર્ષને બાદ કરતાં સાયકલ ઉપર સતત સંપર્ક કરતા રહેલા શ્રી છાપીયાજી શાસન(સતા), ભૌતિક સુવિધાઓ (સગવડતાઓ) અને પ્રસિદ્ધિ એમ ત્રણેય બાબતોથી જીવનભર અલિપ્ત રહયા. રાજકોટનાં સ્‍વયંસેવકો કે લોકોએ કદી તેમને સાયકલ સિવાયનાં વાહનમાં જોયા ન્‍હોતા - ખુબ જ  લાંબો બુસકોટ અને સફેદ લેંધો સિવાયનો કદી વેશ નહીં, આવા સરળ - સાદગીવાળા છાપીયાજી મુફલિસ દેખાતા આ માનવ પાયાના પથ્‍થર થઈને જે જીવ્‍યા હતા.
ઘણાં લોકો તેને ઓળખે છે અનેક લોકો સાથે સંપર્કમાં હતા છતાં પણ કદી મનમાં અભિમાન નહીં. અને કોઈની પાસે કોઈ લાભ લેવાનો નહીં. રાજકોટના અગ્રણીઓ જ નહીં પરંતુ વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી એમાં સોે કોઈનાં તેઓ પ્રિય સ્‍વયંસેવક હતાં. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ૧૯૯૭ માં રાજકોટ ની મુલાકાત દરમિયાન શ્રી છાપીયાજીને નામ જોગ બોલાવ્‍યા હતા.
રાજકોટમાં ભારતીય જનસંઘની સ્‍થાપના કાળમાં જનસંઘ - ભાજપનાં મોભીશ્રી ચીમનભાઈ શુકલની સાથે શ્રી વજુભાઈ વાળા ઉપરાંત શ્રી નાનુભાઈ પારેખ, શ્રી પ્રભુદાસ મહેતા જેવા તે સમયનાં કર્મઠ યુવા કાર્યકર્તાઓ સાથે જોડાયા તેમાં શ્રી મનસુખભાઈ છાપીયાજી પણ હતા.
રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રચારક માનનિય શ્રી લક્ષ્મણ ઈનામદાર વકીલ સાહેબ, શ્રી કેશવ રાવ દેશમુખ , શ્રી ભાસ્‍કરાય દામલેજી, શ્રી નટવરસિંહ વાઘેલા, અમરેલીના સદાભાવ ચિતલે સહિતના વરિષ્‍ઠ પ્રચારકો સાથે  સાથે કામ કરેલ છે. આર.એસ.એસ.ના વરિષ્‍ઠ પ્રચારકો અને અધિકારીઓ સાથે આત્‍મીયતાનો નાતો રહ્યો હતો.
સ્‍વ. શ્રી ચીમનભાઈ શુકલ ૧૯૬૭ માં પ્રથમવાર ધારાસભામાં ચુંટાયા  અને ભારતીય જનસંઘનો ગુજરાત વિદ્યાનસભામાં પ્રથમ પ્રવેશ થયો ત્‍યારે શ્રી ચીમનભાઈ શુકલનાં પ્રવાસથી માંડી દરેક કાર્યમાં સહયોગી - મદદનીશ તરીકે શ્રી મનસુખભાઈ છાપીયાએ સેવા આપેલી.
ભારતીય જનસંઘના ગોવા સત્‍યાગ્રહ, દિવ સત્‍યાગ્રહ, કચ્‍છ સત્‍યાગ્રહ, ગોવંશબંધી આંદોલન જેવા સત્‍યાગ્રહો શ્રી રામ જન્‍મભૂમિ કારસેવક આંદોલનોમાં પણ ભાગ લેનારા શ્રી મનસુખભાઈ છાપીયાએ સતા-શાસન કે પદની કદી ખેવનાં રાખી નહીં. ગોવા મુક્‍તિ સંગ્રામ સેનાને સરકારી પેન્‍શન એમ કહીને ઠુકરાવ્‍યું કે ‘હું માતૃભૂમિને સેવા માટે  ગયેલ એમાં પેન્‍શન શા  માટે?'
ક્રાંતિકારીઓનાં જીવનવૃતાંત, વીરકથાઓ અને હિન્‍દુ શાષાોનાં એક ઉત્‍કૃષ્ટ અભ્‍યાસક એવા શ્રી છાપીયાજી સરકારી પ્રેસથી લઈ વિવિધ ગ્રંથાલયોનાં નિયમિત મુલાકાતી શ્રી છાપીયાજી એક શ્રેષ્‍ઠ વાંચક હતા અને વરિષ્‍ઠ પત્રકાર લેખક ઈતિહાસકારશ્રી વિષ્‍નુભાઈ પંડયા અને શ્રીમતી આરતીબેન પંડયાએ કહ્યું છે કે રાજકોટનું છુપાયેલું રત્‍ન મનસુખલાલ  છાપિયાને મળ્‍યા છો તે મળવા જેવા વ્‍યક્‍તિ હતા શ્રી છાપીયાજીને ખુબ સારા મિત્ર અને બન્ને વચ્‍ચે વિચાર વિમર્શ પણ થતો રહેતો.
જીવનમાં અણીશુધ્‍ધ રહેવાને કારણે સાચી વાત કહેવામાં કદી પાછીપાની નહીં કરનાર સ્‍પષ્ટવકતા શ્રી છાપીયાજી મુ. ચીમનભાઈ શુકલ, સ્‍વ. શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વજુભાઈ વાળા, સ્‍વ. પ્રવિણભાઈ મણીયાર, સ્‍વ. કાંતીભાઈ- યશવંતભાઈ ભટ ભાઈઓ, સ્‍વ. શ્રી પી.વી. દોશી સાહેબ સ્‍વ.ખોડીદાસ ભાઈ પટેલ, સ્‍વ.કાંતિભાઈ વૈધ, સ્‍વ.રમણીકભાઈ વૈધ, સ્‍વ.મણીભાઈ રાણપરા, રાજાભાઈ નેને, સ્‍વ.કુવરજીભાઈ જાદવ, છોટુભાઈ જેવા વરિષ્‍ઠ મોભીઓ માટે એક આત્‍મીય સ્‍વજન સમા હતા.
સ્‍વાતંત્ર સંગ્રામની માહિતીના રેડીરેકનર, સાચી વાત કોઈ પણ ચમરબંધી કેમ ન હોય મોઢામોઢ કહેવાની હિંમત દાખવતા. એકવાર ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજકોટની મુલાકાત વખતે યુપીએ સરકારના કૌભાંડોની યાદી અખબારોના કટીંગ સાથે  હાથો હાથ શ્રી ડો. મનમોહન સિંહને સોંપી હતી.
ક્રાંતિકારીઓનાં જીવન સંદર્ભે કાર્યરત રાજકોટની જાણીતી સંસ્‍થા ઉદદ્યોષ ક્રાંતીવીર સ્‍મૃતિ સંસ્‍થામાં પણ શ્રી છાપીયાજી જીવનપર્યત સક્રિય રહયા.
કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર નવલસિંહ ભટ્ટી હોય સંઘ પરિવારના કોઈનું મરણ થાય તો  છાપિયાજી હાજર ન હોય એવું બને જ નહીં. જીવનભરનો પ્રેમ બાંધનાર છાપીયાજી છેલ્લે અંતિમયાત્રામાં  શબ બાંધવામાં હોય જ. લાઈબ્રેરી એક ઘર હોય, બીજું ઘર હોસ્‍પિટલ હોય, ત્રીજું ઘર  સ્‍મશાન હોય અને ચોથું ઘર તેમનું ઘર હોય.
સાક્ષાત અન્નપૂર્ણ જમાડીને આનંદ લે તેવી મમતામયી માં ઘરમાં ભૂખ આટા મારતી રહે ગરીબી ફરી વળે. બાળકો નાના છતાં સમાજ જીવનની સેવાની અલિપ્ત  આ અલગારી મુફલીસી સામેથી સ્‍વીકારી અને સ્‍વમાનભેર  જીવી જાણે તે બીજો નરસિંહ મહેતા જ માનવા રહે. (જગદીશભાઇ છાપીયા મો.૯૭૧૪૯ ૦૦૪૦૪)


 

(3:36 pm IST)