Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સંક્રાતિને ૪ દિવસની વારઃ માંજો તૈયાર કરાવવાની બજાર ગરમ

સદરમાં ૩૩ વર્ષથી આ કામ કરતાં યુપી કાનપુરના મિથુનભાઇએ આ વખતે પણ ભાવ વધારો નથી કર્યોઃ તે કહે છે-કાચા માલમાં ભાવ વધ્યા છે પણ અમે ગ્રાહકોને જાળવી રાખવા ગયા વર્ષ જેવા જ ભાવ રાખ્યા છેઃ મોટા ભાઇ પાસેથી માંજો પાવાની કળા વારસામાં મળી

રાજકોટ તા. ૧૦: પતંગોના પર્વ મકર સંક્રાંતિને ચાર દિવસ આડા રહ્યા છે. કોરોના ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ તહેવારની ઉજવણીમાં થોડો બાધારૂપ બની શકે તેમ છે. જો કે આમ છતાં પતંગ રસીકો આ તહેવારની ઉજવણી માટે આગોતરી તૈયારીમાં લાગી ગયા છે. તૈયાર દોરાના ભાવમાં અને પતંગોના ભાવમાં આ વખતે વધારો થયો છે. બીજી તરફ રાજકોટમાં ઠેકઠેકાણે યુપીથી આવતાં માંજો પાઇ દેતાં કારીગરોનું કામ વધી ગયું છે. તહેવારને ચાર જ દિવસ બાકી હોઇ માંજો તૈયાર કરી આપનારા આ કારીગરો રાત દિવસ મહેનત કરી પતંગ રસીકોને તેની ઇચ્છા મુજબના રંગો, ખેંચણીયો, ઢીલનો દોરો તૈયાર કરી આપી રહ્યા છે. સદર બજારમાં નૂતન પ્રેસવાળી ગલીમાં છેલ્લા ૩૩ વર્ષથી માંજો પાઇ આપવાનું કામ કરતાં યુપી કાનપુરના મિથુનભાઇ (અબ્દુલબારી અબ્દુલરહુબ) (ઉ.વ.૫૭)એ કહ્યુ઼ હતું કે કાચા માલમાં ભાવ વધારો થયો છે પરંતુ અમે વર્ષોથી ગ્રાહકોને જાળવી રાખવા આ વર્ષે પણ દોરો પાઇ આપવાના ભાવમાં વધારો કર્યો નથી.

દેખાવે અભિનેતા મિથુન જેવા લાગતાં હોવાથી રાજકોટવાસીઓએ જ અબ્દુલબારીને મિથુનભાઇ એવું નામ આપ્યું છે. તે કહે છે મારા ભાઇ રહીશભાઇ યુપીમાં માંજો તૈયાર કરતાં. તેમાંથી મને આ કળા મળી છે. હું તેત્રીસ વર્ષથી રાજકોટ આવી આ કામ કરુ છું. સાથે મારા ત્રણ પુત્રો યુસુફ, અકરમ, આકીબ અને ભત્રીજા તથા બીજા કુટુંબીજનો પણ દોરો પાવાન કામમાં સામેલ છે. ચોમાસા પુરતું આ કામ બંધ રહે છે. બાકીના મહિનાઓમાં અમે યુપી કાનપુરમાં પણ આ કામ કરીએ છે. દોરાનું કામ જ આમારી જિંદગીની ડોર બની ગયું છે. યુપીમાં ઓગષ્ટ માસમાં પતંગો ઉડાવાતી હોય છે જેથી અમે રાજકોટમાં ન હોઇએ ત્યારે યુપીમાં પણ આ કામ કરીએ છીએ. આ વખતે પણ અમે દોરો પાઇ આપવામાં ૧ હજાર વાર રીલના રૂ. ૮૦, ૨૫૦૦ વારના રૂ. ૨૦૦ અને ૫૦૦૦ વારના રૂ. ૪૦૦ ભાવ રાખ્યો છે. મિથુનભાઇ કહે છે-હવે ગણતરીના દિવસો જ બાકી હોય અમે રાત દિવસ મહેનત કરી લઇશું. કોરોના હોવાથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પણ અમે સખત પાલન કરીએ છીએ. (ફોટોઃ અશોક બગથરીયા)

(2:57 pm IST)