Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સિવિલ હોસ્પિટલમાં ૧૦ કલાકમાં બેભાન હાલતમાં ૬ લોકોએ દમ તોડ્યો

વૃધ્ધાશ્રમના ભાનુબેન, કબીરવનના નારણભાઇ, પાંજરાપોળના વિજયભાઇ, કેદારનાથના નીતાબેન, લોહાનગરના ગોવિંદભાઇ અને મોરબી રોડ પર રહેતાં બિંદુબેનના મોતથી પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૦: અલગ અલગ વિસ્તારમાં રહેતાં છ લોકોને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. સાંજના છથી સવારના સાડા ત્રણ વાગ્યા સુધીમાં આ મૃત્યુ નોંધાયા હતાં.

જાણવા મળ્યા મુજબ ગોંડલ રોડ પર સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં ભાનુબેન ચુનીલાલ કટારીયા (ઉ.૪૭) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. બીજા બનાવમાં સંતકબીર રોડ કબીરવન સોસાયટીમાં રહેતાં નારણભાઇ ઘુસાભાઇ મકવાણા (ઉ.૫૮) સાંજે આઠેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. તેમને સંતાનમાં બે પુત્ર છે. ત્રીજા બનાવમાં પાંજરાપોળ શેર નં. ૫માં રહેતાં વિજયભાઇ લાભુભાઇ કોરડીયા (ઉ.૩૮) ઘરે બેભાન થતાં સિવિલમાં દમ તોડ્યો હતો. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

ચોથા બનાવમાં કોઠારીયા રોડ કેદારનાથમાં રહેતાં નીતાબેન પ્રવિણભાઇ મકવાણા (ઉ.૪૫) રાતે સાડા દસેક વાગ્યે બેભાન થઇ જતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ જીવ બચી શકયો નહોતો. તેમના પતિ છુટક મજૂરી કરે છે. સંતાનમાં બે પુત્ર છે.  પાંચમા બનાવમાં લોહાનગરમાં રહેતાં ગોવિંદભાઇ સવાભાઇ સોલંકી (ઉ.૫૫) રાતે બેભાન થઇ જતાં સિવિલમાં દાખલ કરાયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું. તે સફાઇ કામદાર તરીકે કામ કરતાં હતાં. સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્ર છે.

છઠ્ઠા બનાવમાં મોરબી રોડ જકાતનાકા પાસે ૨૫ વારીયામાં રહેતાં બિન્દુબેન ઉમેદભાઇ રાઠોડ (ઉ.૪૧) સવારે સાડા ત્રણેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ જીવ બચી શકયો નહોતો. મૃત્યુ પામનારના પતિ છુટક મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા સહિતે આ બનાવમાં જે તે પોલીસ સ્ટેશનમાં એ.ડી. નોંધાવતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:15 pm IST)