Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મનાઇ છે છતાં માનતાં નથી...ચાઇનીઝ દોરા-તુક્કલ વેંચતા ત્રણને પોલીસે પકડ્યા

આજીડેમ પોલીસ, બી-ડિવીઝન પોલીસ અને યુનિવર્સિટી પોલીસના દરોડા

રાજકોટ તા. ૧૦: મકર સંક્રાંતિના તહેવાર પર ઘાતક એવા ચાઇનીઝ દોરાના ઉપયોગ-વેંચાણ કરવા પર અને ચાઇનીઝ તુક્કલના વેંચાણ-ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે અને આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. આમ છતાં અમુક લોકો માનતા નથી અને આવી ચીજવસ્તુનું વેંચાણ કરે છે. શહેર પોલીસે ત્રણ દરોડામાં ત્રણ શખ્સોને ચાઇનીઝ દોરા અને તુક્કલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આજીડેમ પોલીસે સંજય ઉકાભાઇ સરવૈયા (ઉ.વ. ૪૨, ધંધો- સીઝનલ વેપાર રહે. શેરી નં.૧, નારાયણ નગર કોઠારીયા સોલવન્ટ, રાજકોટ શહેર)ને તેના ઘરે દરોડો પાડી ચાઈનીઝ દોરીની ફીરકી નંગ ૫૦ કિમત રૂ.૧૦,૦૦૦ તથા ચાઇનીઝ તુક્કલ નંગ ૨૫૦ કિમત રૂ. ૫,૦૦૦ મળી ૧૫ હજારના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. ૧૫,૦૦૦નો કબ્જે કર્યો છે. જ્યારે બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસે ઠાકર ચોક મફતીયાપરા પાસે જય જવાન જય કિસાન સોસાયટીમં રહેતાં જીતેશ રમેશભાઇ મકવાણા (ઉ.૩૨)ને રૂ. ૧૫૦૦ના ચાઇનીઝ દોરાની ફીરકીઓ સાથે પકડી લીધો હતો. આ રીતે યુનિવર્સિટી પોલીસની ટીમે સાધુ વાસવાણી રોડ પર એક દૂકાનમાં દરોડો પાડી એક શખ્સને ચાઇનીઝ દોરાની ૯૬૦૦ની ૧૨૦ ફીરકીઓ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ. આર. ટંડેલ, એસીપી પી. કે. દિયોરા અને એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં આ ત્રણેય ડિવીઝનના પીઆઇ વી. જે. ચાવડા, એમ. બી. ઓૈસુરા અને એ. એસ. ચાવડાએ આ કામગીરી કરી હતી. ચાઇનીઝ દોરા માનવ તેમજ પક્ષીઓ માટે ઘાતક બનતાં હોઇ ઉપયોગ ન કરવા પોલીસ સતત અનુરોધ કરે છે. આમ છતાં નહિ સમજનારાને પકડી લઇ કાર્યવાહી કરાય છે. ચાઇનીઝ તુક્કલને કારણે પણ આગના બનાવો બનતાં હોઇ તેના વપરાશ-વેંચાણ પર પ્રતિબંધ છે.

(2:56 pm IST)