Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

સૌરાષ્ટ્ર રાજ્યનાં મુખ્યમંત્રી તથા ૫ પ્રધાનો : 'આઝાદી પૂર્વે સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકોના સત્યાગ્રહનો ઇતિહાસ'

દેશને સ્વતંત્રતા મળ્યા બાદ સૌરાષ્ટ્ર 'રાજ્ય' બન્યું : ૮ વર્ષ બાદ મુંબઇ સાથે જોડાયું અને 'સૌરાષ્ટ્ર રાજ્ય'નું રાજકિય અસ્તિત્વ મટી ગયું

કાઠિયાવાડને મેં શુરવીરની ભૂમિ તરીકે ઓળખેલ છે ને સ્વરાજય યજ્ઞમાં કાઠિયાવાડ પોતાનો પૂરો ફાળો આપી પોતાને ભારતની ભૂમિને ઉજ્જવળ કરશે એવી આશા મેં રાખી છે : ગાંધીજી : જામનગર અને ભાવનગરને ૧૦-૧૦ લાખ; મોરબી, ગોંડલને ૮-૮ લાખ તથા અન્ય રાજવીઓને ૧ હજારથી ૧ લાખ સુધી સાલિયાણા મળ્યા : ઇન્દિરા ગાંધીએ સાલિયાણા નાબૂદ કર્યા : ભાવનગરનાં રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ સૌરાષ્ટ્ર એકમમાં જોડાવવાની સંમતિ આપી : સૌરાષ્ટ્ર રાજયમાં પ્રધાનોને રૂ. ૫૦૦ પગાર નક્કી થયો. ઉચ્ચ અધિકારીઓનાં પગારધોરણ રૂ. ૨,૦૦૦થી રૂ. ૨,૫૦૦ થયા : વર્તમાન સમયનાં ધારાસભ્યોને પગાર તથા અન્ય ભથ્થા રૂ. ૧ લાખથી વધારે છે. ઉચ્ચ અધિકારીઓનાં પગાર રૂ. ૧ લાખથી રૂ. ૨ લાખ છે : ૧૫મી એપ્રિલ, ૧૯૪૮ નાં રોજ સૌરાષ્ટ્ર રાજય બન્યું. ઈ.સ. ૧૯૫૬ માં સૌરાષ્ટ્ર રાજય મુંબઈ સાથે જોડાયું. ઈ.સ. ૧૯૬૧ માં ગુજરાત રાજય મુંબઈ રાજયથી જુદું પડ્યું પણ સૌરાષ્ટ્રને અલગ રાજય ન મળ્યું : સૌરાષ્ટ્રનાં ૨૦૨ રજવાડાઓમાં ૪ રાજયો જુનાગઢ, માંગરોળ, માણાવદર અને બાંટવામાં મુસ્લિમ રાજાઓ હતા. : જુનાગઢનાં નવાબ મહોબ્બતખાનજીએ પાકિસ્તાન સાથે જોડાવવાની જાહેરાત કરી અને પાકિસ્તાને ૨૩મી સપ્ટેમ્બરે જોડાણ સ્વીકારવાની જાહેરાત કરી. તા. ૯મી નવેમ્બર, ૧૯૪૭ નાં રોજ જુનાગઢ ભારત સાથે જોડાયું : સૌરાષ્ટ્ર રાજય બન્યું ત્યારે રાજકોટમાં હાઇકોર્ટની સ્થાપના થઇ. મુંબઈ રાજય બાદ હાઇકોર્ટ બંધ થઇ. રાજકોટનાં વકીલો દશકાઓથી રજૂઆત કરે છે પણ રાજકોટને હાઇકોર્ટ મળતી નથી. : ભાવનગરનાં રાજવી મદ્રાસનાં ગવર્નર અને કચ્છનાં મહારાઓશ્રી ઇંગ્લેન્ડમાં હાઈકમીશનર તથા નોર્વેમાં એમ્બેસેડર તરીકે નિયુકિત પામ્યા : બે રાજયનાં રાજવીઓ દરબાર ગોપાળદાસ દેસાઈ અને રાજકોટનાં રાજવી લાખાજીરાજ સત્યાગ્રહ લડતમાં ગાંધીજી સાથે સક્રિય રહ્યા

ભારત તા. ૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર બન્યું. સૌરાષ્ટ્રનાં કેટલાક રાજવીઓ એવી અપેક્ષા રાખતા હતા કે તેઓનું સ્થાન જળવાઈ રહેશે. પરંતુ બ્રિટીશ સલ્તનતની વિદાય બાદ રાજવીઓની સત્ત્।ા પૂર્ણ થવા આવી, એ સત્ય તેઓ સમજયા ન્હોતા. મૂળી નાનું રાજય હતું પણ સ્થાનિક પ્રજાએ અદાલત તથા જેલનો કબ્જો લઇ લીધો.

આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રનાં રાજયોમાં સૌથી પ્રથમ ભાવનગરનાં રાજવી કૃષ્ણકુમારસિંહજી દિલ્હી પહોંચ્યા. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈને મળ્યા. ચર્ચા બાદ તેમણે જવાબદાર રાજયતંત્ર આપવાની તૈયારી બતાવી અને ગાંધીજી અને સરદારશ્રી જે સાલિયાણું નક્કી કરે તેથી સંતોષ માની રાજયનાં સૂત્રો પ્રજાનાં પ્રતિનિધિઓને સોંપવા તેઓ કબૂલ થયા. ભાવનગરનાં પગલાએ સૌરાષ્ટ્રનાં બધા જ સલામી રાજયો ઉપર જબ્બર અસર કરી.

આઝાદી બાદ દેશમાં રાજા-રજવાડાઓ સાથે સંપર્ક સાધીને જરૂરી કાર્યવાહી કરવા જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ અને રિયાસતી ખાતાનાં અધિકારી વી. પી. મેનન મળ્યા અને રિયાસતી ખાતાની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલ અને વી. પી. મેનનને સોંપાઈ અને દેશનાં ૫૬૦ રજવાડાઓને વાસ્તવિકતા સમજાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલ અને વી. પી. મેનનની કુશળતા સફળ થઈ. ૩ રાજયોએ વાંધા કર્યા પણ બધાનો નિવેળો યથા સમયે થઈ ગયો.

વી. પી. મેનન પ્રથમ રાજકોટ પહોંચ્યા અને સરદાર વલ્લભાઇ, ઢેબરભાઈ અને બળવંતરાય મહેતાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રનાં સલામી રાજયોનાં રાજવીઓને રાજકોટ બોલાવ્યા. સરદાર વલ્લભભાઈએ રાજાઓને સ્પષ્ટ ખ્યાલ આપતાં કહ્યું કે 'ભાવનગરનાં રાજવીએ સંમતિ આપી દીધી છે અને સૌરાષ્ટ્રનું એકમ રચાય તેમાં પણ ખુશી છે.' જુનાગઢમાં આરઝી હકુમતનું આંદોલન ચાલુ હતું એટલે 'આરઝી હકુમત'નાં પ્રજાનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આરઝી હકુમતની લડત સફળ થતાં ૯મી નવેમ્બર, ૧૯૪૭ નાં રોજ જુનાગઢ ભારતસંઘને શરણે આવ્યું.

સરદાર વલ્લભભાઈએ બધા રાજવીઓને કહ્યું કે 'પ્રજાનાં પ્રતિનિધિઓ જો સૌરાષ્ટ્ર એકમ રચવાનો કે મુંબઈ રાજયમાં જોડાવાનો ઠરાવ કરશે તો તેમણે સ્વીકારવું પડશે. એ કરતાં રાજાઓ પોતે જ સમજીને એકમમાં જોડાય તો તેમાં તેનું હિત છે.' બધા રાજવીઓ સંમત થયા પણ જામનગરનાં રાજવીએ નિર્ણય લેતાં થોડી ઢીલ બતાવી. પણ પછી તેમને સમજાયું કે સૌરાષ્ટ્ર એકમ રચાય એ વધારે હિતકર્તા છે અને તેમને સંમતિ આપી.

આ રીતે મેનનની યોજના સ્વીકારાઈ. સૌરાષ્ટ્રનાં રાજાઓએ રાજયની લગામ છોડી દેવી, પ્રજાનાં પ્રતિનિધિઓનાં હાથમાં સુત્રો આપવા, બદલામાં તેમણે સાલિયાણું સ્વીકારવું, રાજાઓનો માનમતબરો રહે તે માટે થોડું વિચારવામાં આવ્યું. સૌરાષ્ટ્ર એકમની રચનામાં વહિવટ પ્રધાનો કહે અને તેમનાં ઉપર રાજવી મંડળ રચવું અને મંડળમાં ૧-૧ રાજપ્રમુખ અને ઉપપ્રમુખ હોય એવું નક્કી થયું.

આ અંગે કરારો થયા. તેને પરિણામે સૌરાષ્ટ્રનાં ૩૧ જેટલા સલામી તથા બિનસલામી રાજાઓ એકમમાં જોડાયા. દરેક રાજાને તેની આવક મુજબ સાલિયાણું આપવાનું નક્કી થયું. જામનગર અને ભાવનગરને ૧૦ લાખ, મોરબી, ગોંડલ, વિ. ને ૮ લાખ અને બીજા રાજાઓમાંથી અમુકને હજારથી લાખ સુધીનાં સાલિયાણું મળ્યું. જો કે, ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે સાલિયાણા બંધ થયા. તા. ૧૫મી એપ્રિલે નવું તંત્ર અમલમાં આવ્યું. જામનગરનાં રાજવી પ્રમુખ બન્યા.

સૌરાષ્ટ્ર એકમનાં પ્રધાનમંડળમાં ઢેબરભાઈ મુખ્ય પ્રધાન બન્યા અને તેમનાં સાથીદારો તરીકે બળવંતરાય મહેતા, નાનાભાઈ ભટ્ટ, રસિકલાલ પરીખ, જગજીવન શિવલાલ પરીખ, મનુભાઈ શાહને લેવામાં આવ્યા. પ્રજાકિય પ્રધાનોને કરાંચી કોંગ્રેસનાં ઠરાવ મુજબ રૂ. ૫૦૦/- નો પગાર નક્કી થયો.

સૌરાષ્ટ્રની પ્રજા વર્ષો સુધી ગુલામીનાં વાતાવરણમાં રહી. સૌરાષ્ટ્રની પ્રજા તથા કાર્યકરોએ જેલવાસ ભોગવ્યો, માર ખાધો, મૃત્યુ પામ્યા, ધંધા-રોજગારની નૂકશાની થઈ, જુલ્મો સહન કર્યા. સ્વરાજ મળ્યું તે બાદ પ્રથમ સૌરાષ્ટ્ર એકમ બન્યું અને ત્યારબાદ ૧૫/૦૪/૧૯૪૮ નાં રોજ સૌરાષ્ટ્ર રાજય અસ્તિત્વમાં આવ્યું, તેની સાથે જ સૌરાષ્ટ્રમાં લોકશાહી વહિવટનું મંગલાચરણ થયું.

ગાંધીજીનાં આદર્શ અને ઉપદેશથી મુખ્ય પ્રધાન ઢેબર તથા તેમનાં સાથીદારોએ સત્ત્।ાનાં સુત્રો સંભાળ્યા. વહિવટી અધિકારીઓને કાર્યવાહી કરવા આદેશ આપ્યો. પબ્લિક સર્વિસ કમીશનની રચના થઇ. એજન્સી સમયનાં અધિકારીઓને નોકરીની સલામતી અપાઈ. ન્યાયતંત્રની સ્થાપના થઇ. સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટની સ્થાપના થઇ.

૫ રાજયોમાં જુદી-જુદી રેલ્વે હતી એ બધી રેલ્વેને એક તંત્ર નીચે મુકવામાં આવી. બંદરોનો વહિવટ સંભાળ્યો અને બાદમાં રેલ્વે તથા બંદરો કેન્દ્ર સરકારને સોંપાયા અને વાટાઘાટ દરમ્યાન કેન્દ્ર સરકારે સારી એવી રકમ રાજયને આપી. પંચાયત ધારો અમલમાં મૂકયો, જેમાં એવી શરત મૂકાઈ કે પંચાયતની ચૂંટણી સર્વાનુમતે કરવી, જેથી સંકલન જળવાયું. સૌરાષ્ટ્ર રાજયે તે માટે મહેસુલી આવકમાંથી પંચાયતને વહીવટ માટે ગ્રાન્ટ આપી. પંચાયતને સરકારી ખર્ચે મંત્રી તથા તલાટી માટે જોગવાઈ કરવામાં આવી.

જુદા-જુદા રાજયોમાં બહારવટિયાઓનો ખૂબ જ ત્રાસ હતો. રહેમતુલ્લા, વીસો, માંજરિયો, દેવાયત, ભૂપત, વગેરે સામે સખ્ત પગલા લેવાયા.

સૌરાષ્ટ્રનાં તમામ રાજયોએ ભારત સાથે રહેવાની તૈયારી બતાવી અને દેશ સાથે જોડાઈ ગયા પણ જુનાગઢનાં નવાબ મહોબ્બતખાનજીએ પાકિસ્તાન સાથે જોડાવાની જાણ પાકિસ્તાનને કરી. સૌરાષ્ટ્રનાં ૨૦૨ રજવાડામાં ૪ રજવાડા જુનાગઢ, માંગરોળ, માણાવદર અને બાંટવામાં મુસ્લિમ રાજાઓ રાજ કરતા હતા, તેમાંથી માત્ર જુનાગઢે ભારત સાથે જોડાવાનો ઇનકાર કર્યો. જુનાગઢનાં લીગી માનસવાળા દિવાન શાહનવાઝ ભૂટોએ નવાબને ભોળવીને પાકિસ્તાન સાથેનાં જોડાણખતમાં સહી કરાવી લીધી. તા. ૨૩ સપ્ટેમ્બરનાં રોજ પાકિસ્તાને જુનાગઢનાં પાકિસ્તાન સાથેનાં જોડાણને સ્વીકારવાની જાહેરાત કરી અને ૪૮ કલાકમાં પ્રજાએ જુનાગઢનો પાકિસ્તાન સાથેને જોડાણનો અસ્વીકાર કર્યો અને 'આરઝી હકુમત'ની લડત દ્વારા વિજય થયો. ૯મી નવેમ્બર, ૧૯૪૭ નાં રોજ જુનાગઢ ભારત સાથે જોડાયું. નવાબ મહોબ્બતખાનજી અને દિવાન ભૂટો જુનાગઢ છોડી પાકિસ્તાન પહોંચ્યા.

સૌરાષ્ટ્ર રાજય ઈ.સ. ૧૯૫૬ માં મુંબઈ સાથે જોડાઈ ગયું. ઈ.સ. ૧૯૬૧ માં મુંબઈથી ગુજરાત જુદું પડતા ગુજરાત રાજય બન્યું. ગાંધીજીની પ્રેરણાથી સૌરાષ્ટ્રમાં રચનાત્મક કાર્ય થયું. વરધા સમિતિ રચાઈ સહકારી કાયદો અમલમાં આવ્યો. આઝાદી પૂર્વે ૧૬૮ જેટલા વેરા રદ્દ થયા. 'ખેડે તેની જમીન'નો સિદ્ઘાંત અમલમાં મૂકાયો. અસ્પૃશ્યતા નિવારણ, ખાદી કાર્ય, રેટીંયાનું મહત્વ, સાર્વજનિક મંદિરો ખૂલ્યા, ભંગી કષ્ટમુકિત સફળ થઇ.

'જુએ જબ્બર સામ્રાજય ચવાતું, વિરાટની દાઢે,

ધન્ય ધરણ એ, ધન્ય મરણ એ, ધન્ય ધન્ય ક્રાંતિ,

ધન્ય લગન એ, પ્રેમ અગન એ, ધન્ય એ આઝાદી,

યુદ્ઘથી થાકી આલમ ગાશે, ધન્ય ધન્ય ગાંધી'

: સંકલન :

નવીન ઠકકર

મો. ૯૮૯૮૩ ૪૫૮૦૦

(2:51 pm IST)