Gujarati News

Gujarati News

News of Sunday, 10th January 2021

રાજકોટની તમામ ૮૯પ શાળાઓમાં ધોરણ 10-12 નું શિક્ષણ સતત ચાલુ રહેશે

સરકારની SOPનું પાલન થાય તે માટે પ૬ લોકોની અલગ-અલગ ટીમો બનાવી સતત ચેકીંગ કરશે

રાજકોટ : કોરોના સંક્રમણમાં કારણે સમગ્ર રાજ્યમાં બંધ શાળા કોલેજો શરૂ કરવાના નિર્ણયમાં રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ની સ્કૂલો શરૂ કરવા નિર્ણય કર્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાની 895 શાળાઓમાં ધોરણ 10 અને 12 ના 88,000 વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થવા જઇ રહ્યો છે. જેમાં શનિ-રવિવારની રજામાં પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખવા જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ સંચાલકોને અપીલ કરી છે.

રાજકોટ જિલ્લામાં કુલ 48 સરકારી, 242 ગ્રાન્ટેડ અને 605 જેટલી ખાનગી શાળામાં આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 નો અભ્યાસ શરુ થવા જઇ રહ્યો છે. જેમાં ધોરણ 10 ના અંદાજીત 48,000 અને ધોરણ 12ના અંદાજીત 40,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળા શરૂ થયા બાદ સોમવારથી શાળામાં પ્રવેશ, અભ્યાસ અને છૂટતા સમયે ખાસ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ થાય તેની કાળજી રાખવા સૂચના સંચાલકોને આપવામાં આવી છે. શાળામાં પ્રવેશ સમયે વિદ્યાર્થી, શિક્ષક અને શાળામાં પ્રવેશ કરતા તમામને થર્મલ ગનથી તાપમાન ચકાસવા અને કોઈને પણ કોરોના લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે લઇ જવા ખાસ સૂચના આપવામાં આવી છે.

ખાસ આ દરમિયાન વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત ન થાય તેની કાળજી રાખવા ઉપરાંત શાળાની અંદર સરકારની SOP નું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવા 56 લોકોની 28 ટીમ તૈયાર કરવામાં આવી છે. આ 28 ટીમ દ્વારા તમામ શાળાની અંદર સરકારની SOP નું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.

(12:14 pm IST)