Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

૨૦૧૯ના વર્ષમાં યોજાયેલ ચાર લોકઅદાલતોમાં કુલ ૨૦૧૬૨ જેટલા કેસોનો ઝડપી નિકાલ કરાયો

વિવિધ કેસોમાં ૬૮.૮૩ કરોડના એવોર્ડ અપાયાઃ તમામ કેસોમાં સમાધાનથી નિવેડો

રાજકોટ, તા. ૧૦ :. કેલેન્ડર વર્ષ ૨૦૧૯ વીતી ચુકયુ છે. વીતેલા ૧૨ મહિનામાં જિલ્લા ન્યાયપાલિકામાં હજારો નવા કેસોનો ઉમેરો થયો છે તો હજારો કેસોની ફાઈલો હંમેશા માટે કલોઝ થઈ છે. નવ દર્જ થયેલા કેસો વચ્ચે વર્ષોથી કોર્ટોમાં ચાલી રહેલા હજારો કેસોનો સમયસર નિકાલ એ ન્યાયતંત્ર માટે જાણે પડકાર બની રહ્યો છે. હિમાલય જેવા આ પડકારને પહોંચી વળવા મીડિયેશન સેન્ટર અને લોકઅદાલત કોર્ટમાં કેસ લડતા બન્ને પક્ષકારો અને જ્યુડિશિયરી માટે પ્રાણવાયુ પુરવાર થઈ છે. રાજકોટ જિલ્લા ન્યાયતંત્રમાં ૨૦૧૯ના વર્ષાંતે કુલ ૨૦૧૬૨ કેસોનો સમાધાનના રસ્તે સુખદ નિવેડો આવ્યો હોવાનું રેકર્ડ ઉપર નોંધાયુ છે અને સમજુતીના રસ્તે ઉકેલ લાવવામાં ન્યાયતંત્રને સફળતા મળી છે.

રૂ. ૬૮.૮૩ કરોડનો એવોર્ડ જાહેર થયો

કોર્ટમાં ચાલી રહેલ કેસો પૈકી નાણાકીય તકરાર હોય કે વ્હીકલ એકસીડન્ટ કે પછી ઘરેલુ હિંસાના કેસો સહિતની તકરારનો લોકઅદાલતના માધ્યમથી અંત લાવવામાં રાજકોટની જ્યુડિશીયરી સફળ થઈ છે. આ સાથે જ બન્ને પક્ષકારો વચ્ચે થયેલા સમાધાન સાથે જ અલગ અલગ કેસો મળી ૨૦૧૯માં યોજાયેલ ફકત ચાર લોકઅદાલતમાં કુલ રૂ. ૬૮.૮૩ કરોડનો એવોર્ડ પણ જાહેર કરાયો છે.

આ કેટેગરીના કેસોનો આવ્યો લોકઅદાલતમાં ઉકેલ

ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો, ચેક બાઉન્સના કેસો, બેંકના નાણા વસુલાતના કેસ, મોટર વ્હીકલ અકસ્માત કેસ, લેબર ડિસ્પ્યુટને લગતા કેસો, વોટર અને ઈલેકટ્રીસીટીના બિનસમાધાનપાત્ર સિવાયના બિલને લગતા કેસો, લગ્ન વિષયક તકરારો, લેન્ડર એકવીઝીશન એકટના કેસો, સર્વિસ મેટર જેવી કે પગાર, ભથ્થા, નિવૃતિના લાભો, રેવન્યુ કેસો, રેન્ટ-ઈઝમેન્ટરી રાઈટસ, મનાઈ હુકમના દાવા, સ્પે. પર્ફોમન્સના દાવા સહિતના સિવિલ કેસોનો લોકઅદાલતમાં બન્ને પક્ષે સમાધાનથી નિવેડો લાવવામાં આવ્યો હતો તેમ જીલ્લા કાનૂની સેવા સતા મંડળના સચિવ શ્રી એચ.વી. જોટાણીયાની યાદીમાં જણાવાયુ છે.

(4:04 pm IST)