Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ધરમ સિનેમા પાસેથી મોબાઇલ એપ્લીકેશનમાં ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં બે પાનવાળા પકડાયા

ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંહ ઝાલા અને યોગેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી જવાહર સિંધી અને યુધીષ્ઠીર ઉર્ફ યોગેશ સિંધીની ધરપકડઃ બે નામ ખુલ્યાઃ સોદાના અનેક રેકોર્ડિંગ મળતાં તપાસ

રાજકોટ તા. ૧૦: ધરમ સિનેમા-આર વર્લ્ડ પાસે પાનની દૂકાન પાસે મોબાઇલ ફોનમાં ઓનલાઇન ટ્વેન્ટી-૨૦ મેચ જોઇ લાઇન ગુરૂ નામની એપ્લીકેશનમાં ક્રિકેટનો સટ્ટો રમી રહેલા બે સિંધી શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડી લીધા છે. બીજા બે નામ ખુલ્યા હોઇ અને સોદા રેકોર્ડ કર્યાના અસંખ્ય રેકોર્ડિંગ મળ્યા હોઇ તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલામાં એક પાનની દૂકાનમાં નોકરી કરે છે અને બીજો દૂકાન ભાડેથી ચલાવે છે.

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા સહિતે આર વર્લ્ડ (ધરમ સિનેમા) પાસે દિલીપ પાન નજીક દરોડો પાડી જવાહર ગોરધનદાસ મોટવાણી (સિંધી) (ઉ.વ.૫૨-રહે. સિંધી કોલોની કવાર્ટર નં. ૧૭૬, ભીસ્તીવાડ પાસે) તથા યુધીષ્ઠીર ઉર્ફ યોગેશ જેઠાનંદભાઇ ગીરગીલાણી (સિંધી) (ઉ.વ.૩૪-રહે. રેલનગર ભગવતી હોલ પાછળ નાથદ્વારા સોસાયટી-૨) તથા રાજુ, ભોલુ, એક મોબાઇલ નંબરના ધારક અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી જવાહર અને યુધીષ્ઠીર ઉર્ફ યોગેશની ધરપકડ કરી રૂ. ૫૫૦૦ના બે મોબાઇલ ફોન, એક ચીઠ્ઠી, બોલપેન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને યોગેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે આર વર્લ્ડ પાસે આવેલી દિલીપ પાન નામની દૂકાન આગળજવાહર અને યુધીષ્ઠીર નામના શખ્સો ઉભા રહી એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં લાઇવ મેચ જોઇ ફોનથી હારજીતના સોદા કરી જૂગાર રમાડે છે. આ બાતમીને આધારે દરોડો પાડવામાં આવતાં બંને જૂગાર રમતાં મળી આવ્યા હતાં. જેમાં યુધીષ્ઠીર પાસેના મોબાઇલમાં સ્ક્રીન પર હોબાર્ટ વર્સીસ બ્રિસબેન લખેલું અને નીચે લાઇવ રનરેટ, ઓવર, રન, બેટસમેન, બોલર સહિતની માહિતી ઓનલાઇન જોવા મળી હતી. આ અંગે પુછતાં તેણે ઓસ્ટ્રેલિયામાં ચાલુ ૨૦-૨૦ મેચ જોઇ રહ્યાનું કહ્યું હતું. તેના ખિસ્સામાં તપાસ કરતાં એક ચિઠ્ઠી મળી હતી. જેમાં ૧:૪૦ બિગબોસ, બી-વાય રૂ. ૨૦ તથા અલગ-અલગ ભાવ લખેલા જોવા મળ્યા હતાં. તેમજ ફોનમાં રાજુભાઇનું નામ આર નામથી સેવ કર્યાનું જણાયું હતું. તેની સાથે પોતે સટ્ટો રમી રહ્યાનું તેણે કબુલ્યું હતું.

આ ઉપરાંત જવાહરના ફોનમાં પણ તે મિત્ર ભોલુ રામભાઇ સિંધીએ આપેલા મોબાઇલ નંબર પર યુધીષ્ઠીર સાથે ફોનમાં મેચ જોઇ સોદા લખાવ્યાનું કબુલ્યું હતું. તેણે ફોનમાં મેચના સોદાનું રેકોર્ડિંગ કર્યાનું કહ્યું હતું. ફોનમાં તપાસ કરતાં અસંખ્ય સોદાનું રેકોર્ડિંગ મળી આવ્યું હતું. 

આમ જવાહર અને યુધીષ્ઠીરે ફોનમાં ક્રિકેટ લાઇન ગુરૂ નામની એપ્લીકેશન મારફત ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ૨૦-૨૦ મેચ પર પોતાના મિત્ર રાજૂ  સાથે મિત્ર ભોલુએ આપેલા ફોન નંબર મારફત સટ્ટો રમ્યાનું જણાતાં બંનેની ધરપકડ કરી બીજા નામ ખુલ્યા તેની તપાસ શરૂ કરી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. અમિતભાઇ અગ્રાવત, પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, સોકતખાન ખોરમ સહિતે આ દરોડો પાડ્યો હતો.

ઝડપાયેલામાં જવાહર દિલીપ પાન નામની દૂકાનમાં નોકરી કરે છે. જ્યારે યુધીષ્ઠીર બાજુમાં રસ્તા રોક પાન નામની દૂકાન ભાડેથી ચલાવે છે.

(3:47 pm IST)