Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જો તમારે સાચા ભારતને જાણવું હોય તો સ્વામી વિવેકાનંદનો અભ્યાસ કરો

૧૨મીએ વિશ્વ વંદનીય વિભૂતિ વિવેકાનંદજીની જન્મજયંતિ

૨૧મી સદીની શરૂઆત સુધીમાં તો માનવજાતે વિજ્ઞાન, ટેકનોલોજી, માહિતી - જ્ઞાન, અવકાશ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને તબીબી ક્ષેત્રે ઘણી આશ્ચર્યજનક સિધ્ધિઓ મેળવી છે. પરંતુ સાથે સાથે ઘણી વિકરાળ સમસ્યાઓ આપણી સામે પડકાર ફેંકતી ઉભી છે. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રો વિસ્તર્યા છે. પણ માનવીના મન સંકોચાતા જાય છે. ભાવાત્મક એકતા અને વિશ્વબંધુત્વની ભાવના ક્ષીણ થતી દેખાધ છે. આંતકવાદ, ત્રાસવાદ, સીમા વિવાદ જેવી સમસ્યાઓ વિશ્વને શાંતિનો શ્વાસ લેવા દેતી નથી. ધર્માધતાને કારણ પૃથ્વીની સપાટી દરરોજ રકતરંજીત બને છે. ક્ષણીક આવેશથી થતા તોફાનો, હિંસક આંદોલનો અને તેના કારણે જાહેર મિલ્કતોને થતું કરોડો — અબજોનું નુકશાન નિર્બળઃ અને કચડાયેલા ઉપર થતા અત્યાચારો, નારીઓ ઉપર થતા દુષ્કર્મો વગેરે જોઈને એવું લાગે છે કે મનુષ્ય જાણે મનુષ્યત્વ ભૂલી ગયો છે. ભૌતિક સુખ — સગવડતાઓ વધી છે પણ ભાગદોડ ભરી જીંદગીમાં માનસીક તાણના કારણે માણસો વ્યસની બનતા જાય છે. ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર, એઈડ્સ જેવા ભયંકર બીમારીઓ મોં ફાડીને સામે ઉભી છે. આ સમસ્યાઓના ઉકેલ અને માનવજાતની ઉર્ધ્વગતિ માટેના જરૂરી ઉપાયો ૧૯મી સદીમાં ભારત વર્ષમાં જન્મેલા રાષ્ટ્રવીર, ઋષિ અને મહામાનવ એવા સ્વામી વિવેકાનંદના જીવન સંદેશમાંથી મળી શકે તેમ છે.

'ઉઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો' ની વીરગર્જના કરી તેઓ આજની પ્રમાદી નવી પેઢીને ઢંઢોળે છે. સિધ્ધિના શીખરો સર કરવાની હાકલ કરતા તેઓ કહે છે કે બુધ્ધિનો બળવો અનુભવ્યા વગર સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ શકય નથી. તેથી જ  'તું ઘેટું નથી, સિંહ છો... ઉઠ, ઉભો થા, ત્રાડ નાખી અને જગતમાં ઘોષણા કર' જેવી ગર્જના કરી કહેતા કે મને યુવાનો પાસે નવનિર્માણની આશા છે. તેઓ દેશના યુવાનોને અખડામાં કે ફુટબોલના મેદાનમાં જવાનું કહેતા. તેઓના મતે યુવાશકિત પર જ દેશનો આત્મા ટકેલો હોય છે. સુષૃપ્તપણે રહેલી યુવાશકિતને જગાડવા માટે જરૂ૨ છે સ્વામીજીના વિચારો જાણવાની. વિવેકાનંદના ગ્રંથોમાંથી યુવાવર્ગના હૃદયને ઝંકૃતિ મળે છે. એશ-આરામની આશામાં ડુબેલી, ફકત નોકરી મેળવવામાં જ જીવનનું સર્વસ્વ માનનારી આજની યુવા પેઢીને પોતાના ચારિત્ર્ય નિર્માણ અને દેશના પુનઃનિર્માણના કાર્યમાં લાગી જવાની પ્રેરણાશકિત સ્વામીજીના વિચારોમાંથી જ મળશે.

આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણાખરા પ્રથમ હરોળના મહારથીઓ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ જેવા કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, સુભાષચંદ બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન, રવિન્દ્રનાથ ટાગોર, હાવર્ડના પ્રોફેસર વિલિયમ જેમ્સ, નોબેલ વિજેતા રોમા રોલા વગેરે ઉપર પણ સ્વામીજીના વિચારોને પ્રભાવ હતો અને એટલે જ તો વિલિયમ જેમ્સે વિશ્વ સમક્ષ જણાવ્યું કે જો તમારે સાચા ભારતને જાણવું હોય તો વિવેકાનંદનો અભ્યાસ કરો.

સ્વામીજીના તત્વજ્ઞાનમાં કેન્દ્ર સ્થાને 'જયાં છીએ ત્યાંથી ઉંચા ઉઠવું', વિશ્વ નાગરીકોમાં વિવિધતા છતાં વૈશ્વિક બંધુતા જેવા સદ્ભાવ ખીલે અને જેમની પાસે કંઈક છે તે થોડું જરૂરીયાત મંદને આપે તે જ હતું. તેઓ માનતા કે ધર્મનું કાર્ય માણસમાં અંદર જ ધરબાયેલી અજ્ઞાનતા અને વિકૃતિઓનું શમન કરી તેની દિવ્યાને બહાર લાવવાનું જ હોય શકે. આપણું ધ્યેય ધર્મ પરિવર્તન નહીં પણ સહઅસ્તિત્વનું છે. ધર્મની અંતિમ ફળશ્રુતિ પ્રજાની સુખાકારી અને ગુણવતા સભર જીવનશૈલી જ હોય શકે. તેઓ કહેતા કે માણસને ધર્મ કરતા રોટીની વધુ જરૂર છે. એટલે કે દેશ અને દુનિયાના ગરીબો, પીડીતોની સેવાને તેઓ સૌથી મહાનધર્મ માનતા. તેઓ માનતા કે ગરીબોને બેઠા કરવા તેમના ઘર સુધી વિકાસના ફળો પહોંચે તેવી રાજનીતી અને ઔદ્યોગિકનીતી હોવી જોઈએ. તેઓ કહેતા કે પ્રત્યેક સંસ્કૃતિ કોઈ એકાદ પાયારૂપ હેતુને લઈને વિકસતી હોય છે. ઈંગ્લેન્ડમાં ન્યાયપ્રણાલી, ફ્રાન્સમાં મુકિત, અમેરીકામાં સ્વાતંતર્યતાની ભાવના, ભારતમાં ધર્મનો મહિમા વગેરેની આસપાસ માનવ અને જગતની ઉત્ક્રાંતિ થતી રહે છે.

શિક્ષણ અંગે તેઓ માનતા કે તમોને માત્ર ભૌતિક રીતે જ સમૃધ્ધ બનાવે તેવું ના હોવું જોઈએ. શિક્ષણના તમામ વિષયો, અભ્યાસક્રમ એવા હોવા જોઈએ જે આપણી પરંપરા, ઋષિઓએ કરેલા સંશોધનો, જ્ઞાનને યથાર્થ પુરવાર કરે. શિક્ષણ તમારામાં માનવજગત અને તેના ઉત્થાન માટેની ભાવના જગાવે એ જ તેની અનિવાર્યતા છે.

તેઓએ આશા સેવેલી કે વિશ્વમાં જયારે પણ વૈમનસ્ય, સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક કટોકટી સર્જાશે, અધઃપતન અને પડતીનો માહોલ જોવા મળશે ત્યારે ભારત દેશ જ બધાને ઉગારશે. ભારતની પ્રજા પોતાની જીવનશૈલી, સમાજ વ્યવસ્થા, ધર્મનો પ્રભાવ, વેદોનું કોઈપણ કાળ - દેશનું વ્યવહારૂ જ્ઞાન, તહેવારોનો મર્મ અને પરંપરા વિશ્વને સ્પર્શે.

'વસુધૈવ કુટુંબકમ' ની ભાવના આપણા પૂર્વજોએ આપી છે તે વિશ્વ નાગરીકના ખ્યાલરૂપે બહાર આવશે. વિશ્વએ દિવ્યતા અને માનવ હોવાનો એહસાસ કરવા ભારત સામે જોવું પડશે.

અને એટલે જ માનવ સંસ્કૃતિની ટોચને આંબવા મથતી ૨૧મી સદી આ મહામાનવના જીવન સંદેશને ઝંખી રહી છે કે જેમાં માનવ જાતના સુખ, શાંતિ અને ઉન્નતિના ઉપાયો રહેલા છે. એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ તેઓને કોટી કોટી વંદન... અસ્તુ.

સંકલનઃ મનસુખ કાલરીયા,

કોર્પોરેટર- રાજકોટ મ.ન.પા., મો.૯૪૨૬૯ ૯૪૪૫૦

(3:44 pm IST)