Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સ્વીગીના બે ડિલીવરી બોય અને તબિબી છાત્ર બીયર વેંચતા 'તા!

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી મેડિકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં ચારેક વખત ફેઇલ થતાં વતન ગોધરાના લલેસરાથી પરિવારજનોએ ખર્ચ મોકલવાનું બંધ કરતાં વિમલ મહિડાએ ત્રણેક માસથી ફૂડ ડિલીવરીની આડમાં અવળા ધંધા શરૂ કર્યા'તા : તાલુકા પોલીસે ભીમનગર પાસેથી ત્રણ સવારીમાં નીકળેલા એમબીબીએસના છાત્ર વિમલ મહિડા, સ્વીગીના બે ડિલીવરીબોય અજય પરમાર અને રાહુલ પરમારને ટીન સાથે પકડ્યા બાદ બીયર સપ્લાય કરનાર લોધીકાના ખિરસરાના રાકેશ સાગઠીયાને પણ દબોચ્યોઃ કુલ ૨૧ હજારનો મુદ્દામાલ કબ્જે

તાલુકા પોલીસે સ્વીગી કંપનીના બે ડિલીવરીબોય, તબિબી છાત્રને બીયરના જથ્થા સાથે ઝડપી લીધા બાદ આ લોકોને બીયર પુરા પાડનારા શખ્સને પણ પકડી લીધો હતો. આ ચારેય બીયર અને ફૂડ ડિલીવરી માટેના થેલા સાથે જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૦: શહેરમાં ફૂડ ડિલીવરીની આડમાં દારૂનું વેંચાણ થતું હોવાનો પર્દાફાશ અગાઉ પોલીસે પર્દાફાશ કર્યો હતો અને ઝોમેટોના ડિલીવરીમેન તથા સપ્લાયરને પકડ્યા હતાં. ત્યાં હવે સ્વીગીના બે ડિલીવરી બોય અને એક તબિબી છાત્રને પોલીસે બીયર સાથે દબોચી લીધા છે. આ ત્રણેયને બીયર પુરા પાડનારા શખ્સને પણ ઝડપી લેવાયો છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ તબિબી છાત્ર કે જે પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં ચારેક વખત નાપાસ થતાં તેને તેના વતનથી વાલીઓએ ખર્ચના પૈસા મોકલવાનું બંધ કરી દેતાં તેણે પોતાનું ગુજરાન ચલાવવા ફૂડ ડિલીવરીબોય સાથે મળીને છેલ્લા ત્રણેક મહિનાથી સ્વીગીના ડિલીવરીબોય સાથે મળી બીયર વેંચવાનું શરૂ કર્યુ હતું!

પ્રાપ્ત માહિતી મુજબ તાલુકા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. ચંદ્રરાજસિંહ જયદેવસિંહ રાણા અને રવિરાજસિંહ નાથુભા જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે નાના મવા મેઇન રોડ પર ભીમનગર પાસેથી ત્રણ શખ્સો એકટીવા પર ત્રણ સવારીમાં નીકળવાના છે અને તેમાં બે સ્વીગી કંપનીના ડિલીવરી બોય છે, તેમજ તેની પાસે બિયર છે. આ બાતમી પરથી ટૂકડીએ વોચ રાખતા બાતમી મુજબ એકટીવા પર ત્રણ શખ્સો નીકળ્યા હતાં. તેની પાસેના સ્વીગીના બેગની તલાશી લેતાં તેમાંથી માઉન્ટ ૬૦૦૦ ફોર સેલ ઇન મધ્યપ્રદેશ લખેલા બીયરના ૧૨ ટીન મળતાં તે તથા વાહન મળી કુલ રૂ. ૨૧,૨૦૦નો મુદમાલ કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી.

પુછતાછમાં સ્વીગીના બે ડિલીવરીબોયએ પોતાના નામ અજય ગોૈરવભાઇ પરમાર (ઉ.૨૨-રહે. ભીમનગર), રાહુલ બાબુભાઇ પરમાર (ઉ.૨૨-રહે. ટીટોડીયા કવાર્ટર મુંજકા) તથા વિમલ શામજીભાઇ મહિડા (ઉ.૨૬-રહે. હાલ ગવર્નમેન્ટ મેડિકલ બોયઝ હોસ્ટેલ, રૂડા બિલ્ડીંગ નજીક, મુળ જીઇબી કોલોની લીલેસરા તા. ગોધરા જી. પંચમહાલ) જણાવ્યા હતાં.

પોલીસની વિશેષ તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે આ ત્રણ પૈકીનો વિમલ મહિડા રાજકોટ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. પણ છેલ્લા વર્ષમાં ચારેક વખત નાપાસ થયો હતો. આ કારણે તેને તેના પરિવારજનો તરફથી ખર્ચના પૈસા મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લે તેણે કોલેજમાં જવાનું બંધ કરી દીધું હતું અને ખર્ચકાઢવા માટે સ્વીગીના બે ડિલીવરીબોય અજય તથા રાહુલ સાથે અગાઉ સંપર્ક થયો હોઇ તેની સાથે મળી ફૂડની આડમાં બીયરના ટીન સપ્લાય કરવાનો અવળો ધંધો શરૂ કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ છેલ્લા અઢી-ત્રણ માસથી વિમલ, અજય અને રાહુલ આ રીતે બીયર સપ્લાય કરતાં હતાં. બીયરના ટીન લોધીકાના ખીરસરાના રાકેશ મનસુખભાઇ સાગઠીયા (ઉ.૨૨)એ સપ્લાય કર્યાનું ખુલતાં તેને પણ પકડી લેવાયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી જે. એચ. સરવૈયાની સુચના મુજ તાલુકા પી.આઇ. જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. ચંદ્રરાજસિંહ, રાજવિરસિંહ, વિક્રમભાઇ લોખીલ, અરજણભાઇ ઓડેદરા, દિવ્યરાજસિંહ ઝાાલ, મહેશભાઇ સેગલીયા સહિતે આ કામગીરી કરી હતી. ચારેયની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:39 pm IST)