Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગોંડલ રોડ પરફેકટ ઓટોમાંથી કેશિયર કેતન જોષીએ ૫.૫૧ લાખની ઉચાપત કરીઃ ધરપકડ

મેનેજર રોનક વ્યાસની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસની તુર્ત જ કાર્યવાહીઃ ઉચાપત કરેલી રકમ કયાં વાપરી તે અંગે કેતનનું મોૈનઃ રકમ રિકવર કરવા રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૧૦: ગોંડલ રોડ પર પરફેકટ ઓટો સર્વિસિઝના કેશિયર મેનેજર બ્રાહ્મણ યુવાને કંપનીમાં જમા કરાવવાની રકમ રૂ. ૫,૫૧,૮૧૫ અંગત ઉપયોગમાં વાપરી લઇ ઉચાપત કરતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.

માલવીયાનગર પોલીસે આ અંગે યુનિવર્સિટી રોડ પર નંદી પાર્ક-૫માં રહેતાં અને ગોંડલ રોડ પર પરફેકટ ઓટો સર્વિસિઝ નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં રોનક નટવરલાલ વ્યાસ (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી આ કંપનીમાં ૨૦૧૫થી એકાઉન્ટ વિભાગમાં કેશિયર તરીકે ફરજ બજાવતાં કેતન ભીખુભાઇ જોષી (રહે. આજીડેમ ચોકડી પાસે હરસિધ્ધી પાર્ક, સદ્દભાવના એપાર્ટમેન્ટ)ની સામે આઇપીસી ૪૦૬, ૪૦૯ મુજબ કંપનીના પૈસા જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં વાપરી ઉચાપત કર્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

રોનકભાઇ વ્યાસે ફરિયાદમાં જણાવ્યું છે કે કંપનીનું ઓડિટ તા. ૨૭/૧૦ના રોજ ચાલતું હતું એ વખતે અમને ધ્યાનમાં આવ્યું હતું કે કેશિયર કેતનભાઇએ છેલ્લા ત્રણ દિવસ એટલે કે ૨૫ થી ૨૭/૧૦ સુધીની રશીદોની રકમ બેંકમાં જમા કરાવી નથી. આ બાબતે તેને પુછતાં શરૂઆતમાં ગલ્લા તલ્લા કર્યા હતાં. એ પછી કેતને પોતે જ તૈયાર કરેલા સ્ટેટમેન્ટ તપાસતાં છેલ્લા ત્રણ દિવસમાં કટકે-કટકે આવેલી રકમ રૂ. ૫,૪૫,૬૪૫ તેણે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યાનું જણાયું હતું. આ ઉપરાંત એક ડિલીવરી ઓર્ડર ભૂપતભાઇ જાનુભાઇ વાઘેલાના નામનો મળ્યોહ તો. જેમાં ભુપતભાઇએ ડાઉન પેમેન્ટની રકમ રૂ. ૬૧૭૦ જમા કરાવી હતી. કેતન જોષીએ તેમાં પણ પોતાની સહી સિક્કા કરી દઇ આ રકમ પણ જમા કરાવી નહોતી અને અંગત ઉપયોગમાં લઇ લીધી હતી. તેમજ રકમ મળ્યાની રશીદ પણ બનાવી નહોતી.

આમ કેતન જોષીએ પોતાના કેશિયર તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી કંપનીની રકમ કુલ રૂમા. ૫,૫૧,૮૧૫ની ઉચાપત કરી લીધાનું સામે આવતાં માલવીયાનગર પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમની સુચના અને પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ બી. બી. રાણા, રઘુવીરસિંહ સહિતની ટીમે ગુનો નોંધી કેશીયર કેતન જોષીની ગણત્રીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી.

(4:10 pm IST)