Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ'ની ત્રણ સુપરડુપર પેશકશ પછી ચોથું નવું ને નોખું જ નઝરાણું આવી રહ્યું છે રાજકોટિયન્સ માટે

૧૮મીએ મેજિકલ મોટિવેશનલ શો-જયકારાઃ જિંદગીનો જંગ જીતવા જય વસાવડા આપશે ઇન્સપિરેશનનું ઇંજેકશન

લોકો જલસાથી જીવી શકે તેવી ચાવીઓ શીખવતો શો, હાર સામે હાસ્ય, હતાશા સામે હિંમત આપતો શો...તમામને જીવનમાં ફાઇટિંગ સ્પિરિટનો બૂસ્ટર ડોઝ આપતો શો : તા.૧૮ જાન્યુઆરી રાત્રે ૯.૩૦ વાગ્યે પ્રમુખસ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ

રાજકોટ તા. ૧૦: અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સના પાયાના પથ્થર સમા 'અકિલા' સાંધ્ય દૈનિકના વેબ એડિશનના એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએે આજના યુવાનો ગુજરાતી ભાષાને વધુને વધુ પ્રેમ કરતાં થાય અને યુવાઓમાં રહેલા ટેલેન્ટને તેઓ રજૂ કરી શકે તે માટે 'ગુજરાત્રી' નામનું પ્લેટફોર્મ ઉભુ કર્યુ છે. ગુજરાત્રીના આ પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીમાં એક પછી એક ત્રણ જબરદસ્ત ઇવેન્ટ કોકટેલ દેસી, લાઇફ મંત્ર અને મોૈજે ગુજરાત રજૂ કરવામાં આવી છે. આ ત્રણેય ઇવેન્ટ્સ સુપર-ડુપર હિટ નિવડી છે. હવે ફરીથી 'ગુજરાત્રી' અંતર્ગત એક એવો શો આવી રહ્યો છે જે મેજિકલ મોટિવેશનલ શો છે, કેવળ શો નહિ  પણ એક યાદગાર અનુભવ બની રહે તેવી આ ઇવેન્ટ હશે. અબાલ-વૃધ્ધ સોૈ કોઇ શોર્ટકટ વગર પણ ખુશખુશાલ મોજીલી જિંદગીનો જયજયકાર કઇ રીતે કરી શકે તેની વાતો 'જયકારા' નામના શોમાં જાણી-માણી-નિહાળી શકશે. આ માટે થોડી રાહ જોવી પડશે, બહુ નહિ બસ ૧૮મી જાન્યુઆરી સુધી જ. ખુબ જાણીતા લેખક જય વસાવડા આપશે આ શોમાં જિંદગીને મોજથી જીવવા માટેની ઇન્સપિરેશન (પ્રેરણા)નું ઇન્જેકશન.

છેલ્લે અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ પ્રસ્તુત ગુજરાત્રી પ્લેટફોર્મ અંતર્ગત 'મોૈજે ગુજરાત'  શો ગુજરાત્રીયન્સ માટે યાદગાર બની ગયો હતો. હજુ પણ આ શો રજૂ કરવામાં આવી રહ્યો છે.  હવે રાજકોટિયન્સ આ વખતે જાદુઇ મોટીવેશનલ શો માણી શકશે. આસિફ પટેલ પ્રસ્તુત આ શોનો કોન્સેપ્ટ જય વસાવડા અને ઇમ્તિયાઝ પટેલનો છે. પ્રિતેશ સોઢાએ આ શોને ડિઝાઇન કર્યો છે.  સાહસનું સંગીત, આત્મવિશ્વાસનો અવાજ, જિંદગીના જંગને જીવતા ઇન્સપિરેશનનું ઇન્જેકશન એટલે જ 'જયકારા'. શું હશે આ શોમાં? કઇ રીતે આ શો કરવાની પ્રરેણા મળી? કઇ રીતે શોનો ઉદ્દભવ થયો? તેની વાતો ખુદ જય વસાવડાના મુખે જ સાંભળીએ.

જય વસાવડા કહે છે-જયકારામાં લેકચર નથી, છતાં ટોક છે. સિંગર્સ નથી, છતાં મ્યુઝિકલ છે.ઙ્ગ ફિલ્મ નથી, છતાં સ્ક્રીન પર સ્ટાર્સ છે. ડ્રામા નથી, છતાં એકટર્સ છે. હાર સામે હાસ્ય, હતાશા સામે હિંમત આપતો, હોમમેકરથી એકિઝકયુટિવ્ઝ, સ્ટુડન્ટસથી ફેમિલી તમામ માટે જીવનમાં ફાઇટિંગ સ્પિરિટનો બૂસ્ટર ડોઝ આપતો દેશ-દુનિયામાં આગવો એવો મેજિકલ મોટીવેશનલ શો છે, અરે કેવળ શો નહિ, એક યાદગાર અનુભવ હશે.

જય આગળ જણાવે છે કે, ૨૦૧૩માં અણધારી હરિકૃપાથી મુંબઇમાં હિતેનભાઈ અને ચેતનભાઈ (vyo)એ મારા પુસ્તક JSK (જયશ્રી કૃષ્ણ) માટે એક સરસ કાર્યક્રમ રાખ્યો, ત્યારે એ પુસ્તકની પહેલી જ કોપી ખરીદનાર જણ એટલે વર્ષોથી મારા લેખો માટે પ્રેમ વરસાવનારા મહામૂલા મિત્ર ઇમ્તિયાઝ પટેલ. ફિલ્મો, સિરિયલો ને નાટકોના ધુરંધર લેખક-દિગ્દર્શક. હું એમને ઓળખતો થયો 'હમ પાંચ' સિરિયલના લેખક તરીકે.ઙ્ગ

એકાદ વર્ષ બાદ એમણે વાતવાતમાં કહ્યું કે ચાલો જેએસકે પરથી એક સ્ટેજ શો કરીએ. કૃષ્ણ પર દ્યણા કાર્યક્રમો થતા હોવાને લીધે સાવ જુદી રીતે એ કરવાની લાહ્યમાં મારી આળસ ભળી ને વાત વાજતેગાજતે મંચ પર ન પહોંચી. પછી છેલ્લા બે વર્ષથી એમનો આગ્રહ કે તમે જે જલસાથી જીવો છો એના પર એક ઇન્ટરનેશનલ લેવલનો શો કરીએ. એ વાત કરવા ઘેેર પણ આવી ગયા. આમ પણ વાતો કરવાની મજા પડે એવા મરમી માણસ.

પણ મારે એકધારા પ્રવાસો. એમના એકધારા નાટકો. ડેટ્સ જોઈએ એ એક વર્ષ ભેગી જ ન થઈ ! એમાં એની વાતો કરતા કરતા મેં થોડા સમય પહેલા કહ્યું કે મારા જલસા કરતા અત્યારે જે 'શહર મેં હર શખ્સ પરેશાન સા કયું હૈ?' માહોલ છે, હાર ને હતાશાનો, ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશનનો - એમાં બીજા લોકો જલસાથી જીવી શકે એવી ચાવીઓ શીખવાડતો શો કરીએ તો કેવું ? દર વર્ષે જેનું વેચાણ નવો સ્કોર કરે છે એવા નક્કર કાઉન્ટર સેલિંગમા ૨૫,૦૦૦ નકલો પાર કરી ચૂકેલા મારા 'જય હો' પુસ્તકનો ય હેતુ આત્મઘાત ને બદલે આત્મખોજનો જ હતો ને. એનું કૂદકે ને ભૂસકે આજે ય વધતું વેંચાણ જ સાબિતી છે કે મોટીવેશનના મરમી મોતીડાંઓ જોઈએ જ છે જગતને.

પણ મારું મોટીવેશન કોઈ અસામાન્ય આકાશી તુક્કા લડાવવાનું કે રેડીમેઈડ સપના વેંચવાનું કદી નથી રહ્યું. કાયમ જીતી જ જશો કે સફળ થવા જ સર્જાયા છો એવા ડોઝ એ કપોળકલ્પનાના સ્ટીરોઇડ્સ છે. શરૂઆતમાં આવા હવાઈ કિલ્લાઓથી સારું લાગે, પણ પછી સાઈડ ઇફેકટ વધુ અંધારામાં લઈ જાય. મારો અભિગમ તો નર્યો વાસ્તવવાદી. આસપાસના ઉદાહરણોવાળો. નોર્મલ માણસ આચરી શકે એવા સત્યોનો. ફેઈલ્યોર ન થાવ એવું ખોટું શીખવાડવાને બદલે એ થશો તો કેમ મેનેજ કરવું એના જાતઅનુભવો વહેંચવાનો. રડવું પણ ડરવું નહિ, આગળ વધવું એવો. રાતોરાત સુપરહીરો બની ચમત્કારો નહિ જ કરી શકો, એવી પટ્ટી પઢાવનારા પણ જૂઠા વેપારીઓ જ હોવાના. પણ એક માણસ તરીકે પડતા આખડતાં 'સફરીંગ' સાઈડમાં રાખતી સફર કેમ કરવી એ સમજવું અઘરૂ નથી, આસાન છે.ઙ્ગ

એમાંથી ઉદ્દભવ્યો આ નવો જ શોઃ 'જયકારા'. ભારતનો આ કદાચ પહેલો જ આ પ્રકારનો મોટીવેશન શો છે . જેમાં કેવળ ભાષણ નથી. રૂટિન પ્રવચનોમાં હું કહેતો હોઉં એવી એકની એકની વાતોનું પુનરાવર્તન પણ નથી. પણ પોઝિટિવિટીની પ્રેરણા સાથે થોડું મનોરંજન છે, મ્યુઝિક છે. ઓડિયોવિઝયુઅલ છે, ડ્રામા છે. હું તો છું જ! એક હોલસમ એન્ટરટેઇનમેન્ટ પેકેજ સાથે નર-નારી, બાળક-વડીલ, સ્ટુડન્ટ- પ્રોફેશનલ... દરેક માટે બંધનો ફગાવી, શોર્ટકટ વિના પણ જિંદગીનો જયજયકાર કરવાની ખુદ જીવેલી ફોર્મ્યુલાનું શેરિંગ છે. અને એ પણ ફન્ડા રહ્યો જ છે કે જ્ઞાનનું મૂલ્ય સસ્તું ન કરવું ને જે કરવું એ શાનથી, ઠાઠથી કરવું.

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ'ની સમગ્ર ટીમ આ શોની તૈયારીમાં છે. આપ પણ તૈયાર રહેજો...બસ થોડા દિવસો પછી મળીશું પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ.

રાજકોટમાં પહેલી જ વાર આયોજનઃ સફળતાની વાસ્તવિક ફોર્મ્યુલા મળશે

અત્યાર સુધી ઘણા હાઉસફુલ ટિકિટ શો થયા છે, 'અકિલા' કરી રહ્યું છે પહેલી જ વખત તદ્દન ફ્રી

રાજકોટ તા.૧૦: અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ હમેંશા ગુજરાત્રિયન્સ અને રાજકોટિયન્સ માટે નવું, નોખું, અનોખું નઝરાણું લાવે છે. આ વખતે જે શો લાવવામાં આવી રહ્યો છે તેના પર સૌ કોઇ આફરીન થઇ જશે તેમાં કોઇ આશંકા નથી. અનેક શહેરોમાં આ શો ટિકીટથી થઇ ચૂકયો છે, પણ રાજકોટમાં પહેલી જ વખત તદ્દન ફ્રીમાં થઇ રહ્યો છે. તેનું એક જ કારણ છે-અકિલા. અગાઉ મુંબઇ,સુરત,અમદાવાદ,ગાંધીનગર, જામનગર બધે જ ભારે લોકચાહના સાથે ટિકિટ શો થયા છે અને ભરપુર સફળ રહ્યા છે. પણ રાજકોટમાં પહેલી જ વખત 'અકિલા'ના કારણે આ શો થવા જઇ રહ્યો છે. એ પણ જાહેર જનતા માટે તદ્દન ફ્રી ! મંદી, પરીક્ષા, સંબંધોના તણાવ, કામના સ્ટ્રેસ કે પછી બીજા અનેક કારણોસર આવતા ખોટા વિચારો.. વગેરેને લીધે ભારતમાં સૌથી વધુ આપઘાત થાય છે ત્યારે ઓડિયોવિઝયુઅલ્સથી એનો એન્ટીડોટ તૈયાર કરવામાં આવ્યો છે. આ શો જોયા પછી પોઝિટિવિટીનો પાવર ચડી જશે અનેને સફળતાની કાલ્પનિક નહિ પણ વાસ્તવિક ફોર્મ્યુલા મળશે. તો આપ સૌ રાજકોટવાસીઓ થઇ જાઓ તૈયાર... બસ થોડા સા ઇન્તજાર.

મનથી જીવીને જીવનમાં વિજેતા બનાવતો શો... મુંજવતા અનેક સવાલોનો વાસ્તવિક અને અસરકાર જવાબ મળશે 'જયકારા'માં

કયારેય એવું બન્યું છે કે...હતાશાના અંધકારે ઘેરી લીધા હોય?, જીવનની સતત લડાઇ લડવાનો થાક લાગ્યો હોય?, જ્યાં હો ત્યાંથી આગળ વધવાના સપના સતાવે?, કોઇની વાતથી હર્ટ થાય, દુઃખ પહોંચે, માઠુ લાગે, ગુસ્સો આવે...કોઇ દુઃખ, પીડા, ટેન્શન, અપમાન મનમાં ઘર કરી જાય?, કોઇ પળે બધુ છોડી દેવાનો કે મરવાનો વિચાર ઝબકે?...ફેમિલી હોય કે ઓફિસ, વિદ્યાર્થી હોય કે ગૃહિણી, વડિલ હોય કે યુવાન...બધા જ માટે આ સવાલોનો એક વાસ્તવિક અને અસરકારક જવાબ એટલે-'જયકારા'.

માત્ર અઢી કલાકમાં સોૈ માણી શકશે સુપ્રસિધ્ધ લેખક, કોલમીસ્ટ જય વસાવડાની હૃદયસ્પર્શી વાતોને, એ પણ ઓડિયો વિઝયુઅલ અને નાટકિય મનોરંજન સાથે. આ શો થકી જીવનમાં હોશ સાથે જોશ ભરી શકાશે અને તકદીરની તકલીફો પલ્ટાવી દેતો અનુભવ થશે.

આમંત્રિતો અને અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સના રજીસ્ટર્ડ યુઝર્સ માટેનું જ આયોજન

૧૨ જાન્યુઆરીથી થશે gujratri.in પર ઓનલાઇન ફ્રિ રજીસ્ટ્રેશન

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ આયોજીત મોટિવેશનલ શો-જયકારાનું  આયોજન માત્ર આમંત્રિતો અને અકિલા ઇન્ડ્યિા ઇવેન્ટ્સના રજીસ્ટર્ડ યુઝર્સ માટે જ કરવામાં આવી રહ્યું છે. આ શોને માણવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી પોતાના એન્ટ્રી પાસ મેળવી લેવાના રહેશે. તા.૧૨ જાન્યુઆરીએ બપોરે ૧ વાગ્યાથી gujratri.in પર રજીસ્ટર્ડ યુઝર્સ કરી શકશે પાસ માટે ઓનલાઇન ફ્રિ રજીસ્ટ્રેશન.

કયું ભરોસા કરતે હો ગૈરો પર જબ ચલના હૈ ખુદ કે પૈરો પર..

કોન્સેપ્ટના રચયીતા જય વસાવડા અને ઇમ્તિયાઝ પટેલ વિશે જાણો

સાહિત્ય ક્ષેત્રે લગભગ એવો એક પણ ગુજરાતી નહિ હોય જે જય વસાવડાને જાણતો ન હોય. આમ છતાં થોડુ કહીએ તો જેણે ૪૫૦૦થી વધુ આર્ટિકલ્સ લખ્યા છે, ૫૦૦૦થી વધુ પ્રવચન આપ્યા છે, ૨૧ પુસ્તકોના જેઓ સર્જક છે, ૫૫થી વધારે વખત વિદેશયાત્રા કરી ચુકયા છે અને પોતાના ઘરમાં જ ૨૫૦૦૦થી વધુ પુસ્તકો, મેગેઝીન્સ અને ડીવીડીઝની લાયબ્રેરી ધરાવે છે તેમજ  શબ્દોના બાહુબલી તરીકે જેને સોૈ કોઇ ઓળખે છે એવા જય વસાવડા હવે 'જયકારા' શો લઇને આવ્યા છે.

આ કોન્સેપ્ટમાં તેમનો સાથ આપનારા ઇમ્તિયાઝ પટેલ પણ ફિલ્મો, ટીવી સિરીયલો અને નાટકોના ધૂરંધર લેખક-દિગ્દર્શક છે. એક સમયે દૂરદર્શન પર સુપરહિટ રહેલી અને આજે પણ લોકોના મનમાં વસેલી કોમેડી સિરીયલ 'હમ પાંચ'નું લેખન પણ ઇમ્તિયાઝ પટેલે કર્યુ હતું.

(11:30 am IST)