Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વ્યાવસાયિક આરોગ્યકર્મીઓની પરિષદ 'ઓકયુકોન- ૨૦૧૯'નું મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે ઉદ્ઘાટનઃ પરીમલભાઈ નથવાણીની ઉપસ્થિતિ

વ્યાવસાયિક આરોગ્યક્ષેત્રે વિશીષ્ટ સિધ્ધિ હાંસલ કરનારાઓનું સન્માન

રાજકોટ,તા.૧૦:ઈન્ડિયન એસોસિએશન ઓફ ઓકયુપેશનલ હેલ્થ (IAOH)ની ૬૯ મી વાર્ષિક નેશનલ કોન્ફરન્સ - ઓકયુકોન ૨૦૧૯નો રાજકોટ ખાતે આરોગ્ય અને સ્વચ્છતા, સલામતી અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રના જાણીતા તબીબો અને વ્યાવસાયિકોની હાજરી સાથે પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર, આપત્તિ વ્યવસ્થાપન અને યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી દિલીપ ઠાકોરે ગઈ સાંજે રેજન્સી લગૂન રિસોર્ટમાં આયોજીત કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. રાજય સભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલભાઈ નથવાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી ઠાકોરે  તમામ ક્ષેત્રોમાં કર્મચારીઓના આરોગ્યની જરૂરિયાત પર ભાર મુકતા જણાવ્યું હતું કે કોઇપણ વ્યવસાયમાં પ્રગતિ અને વિકાસ માટે કામ કરવા માટેની સલામત અને સ્વસ્થ પરિસ્થિતિઓ મૂળભૂત જરૂરિયાત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) દ્વારા પણ વ્યાવસાયિક સ્વાસ્થ્ય માટે હિમાયત કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.

આ પ્રસંગે, વ્યાવસાયિક આરોગ્ય ક્ષેત્રમાં સિદ્ઘિ હાસલ કરનાર વ્યકિતઓનું મંત્રીશ્રી અને શ્રી પરિમલભાઈ નથવાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બંને મહાનુભાવોએ પ્રખ્યાત ડોકટરો અને વ્યાવસાયિકોને એવોર્ડ્સ પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે એક સ્મરણિકાનું પણ વિમોચન કરાયું હતું.

પ્રારંભમાં IAOHમાં નેશનલ પ્રેસિડેન્ટ ડો. આર. રાજેશે જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રોમાં મૂળભૂત વ્યાવસાયિક આરોગ્ય સેવાઓનું અમલીકરણ આજના સમયની આવશ્યકતા છે. કોન્ફરન્સના ચેરપર્સન ડો. મિલી ડોડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને OCCUCON ૨૦૧૯ ના કોન્ફરન્સ સેક્રેટરી ડો. હિતેશ શિંગાળાએ ઉદઘાટન સત્રના અંતે આભાર દર્શન કર્યું હતું.

આ વર્ષે જામનગર શાખા દ્વારા રાજકોટ ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સન ૨૦૦૯માં  જામનગર શાખા દ્વારા જામનગર ખાતે નેશનલ કોન્ફરન્સ યોજાઇ હતી. કોન્ફરન્સની થીમ છે - મૂળભૂત વ્યવસાય આરોગ્ય સેવાઓ દ્વારા વિઝન ઝીરોની પ્રાપ્તી.

ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓકયુપેશનલ હેલ્થ (IAOH) સ્વૈચ્છિક સંસ્થા છે. તેની સ્થાપના ૧૯૪૮માં સ્ટીલ સિટી જમશેદપુરમાં સોસાયટી ફોર સ્ટડી ધી ઇન્ડસ્ટ્રીયલ મેડીસીન્સ તરીકે થઇ હતી. ૭૦ વર્ષથી IAOH એ વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના ક્ષેત્રમાં વૈજ્ઞાનિક જ્ઞાન અને માર્ગદર્શન પૂરૃં પાડતી અગ્રણી હિમાયતી અને વૈજ્ઞાનિક સંસ્થા રહી છે.

હાલમાં, IAOHની જામનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, તાપી, મુંબઇ વિગેરે સહિતની ૨૨ શાખાઓ છે. તે કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, ગોવા વિગેરે રાજયોમાં પણ કાર્યરત છે. તેમાં ૨૮૦૦થી વધુ સભ્યો છે, જેમાં દેશભરના ઔદ્યોગિક ચિકિત્સકો, વ્યાવસાયિક આરોગ્યકર્મીઓ અને સલામતી વ્યાવસાયિકો શામેલ છે. સંસ્થાના સભ્યો ઔપચારિક અથવા અનૌપચારિક રીતે કાર્યક્ષેત્ર પર આરોગ્ય અને સલામતી માટે પ્રતિબદ્ઘ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:54 pm IST)