Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ચેમ્બરની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપીત કરવી છેઃ વેપાર ઉદ્યોગનાં પ્રશ્નોને પ્રાધાન્ય આપવું છે : મહાજન પેનલ

ચેમ્બરની ચુંટણી લડતી સમીર શાહના નેતૃત્વ હેઠળની 'મહાજન પેનલ'નાં ૧૧ ઉમેદવારો 'અકિલા'ની મુલાકાતે :જ્ઞાતિવાદનું દુષણ આવવા નહિ દઇએઃ ચેમ્બરનો વિકાસ એ જ ધ્યેયઃ ટીમ વર્કથી કામ કરશું :વેપાર ઉદ્યોગમાં મંદી છે તે દુર કરવા સરકારે વધુ લીકવીડીટી લાવવી જોઇએઃ રૂરલ ઇકોનોમી જીવંત થાય તો મંદી દુર થઇ શકેઃ કૃષિ ક્ષેત્રમાં કરન્ટ આવી શકેઃ સમીર શાહ

સમીર શાહની આગેવાની હેઠળ 'મહાજન પેનલ'નાં ઉમેદવારો 'અકિલા' કાર્યાલયે આવ્યા હતા તે સમયની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૦: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ૧૬ મીએ યોજાઇ રહેલી ચુંટણી લડતી ૧૧ ઉમેદવારોની મહાજન પેનલ આજે અકિલા કાર્યાલયની મુલાકાતે આવી હતી. જે દરમ્યાન આ પેનલના સુત્રધાર સમીર શાહે જણાવ્યું હતું કે અમે ચેમ્બરની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપીત કરવા મેદાનમાં ઉતર્યા છીએ. અમે વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા માટે કામ કરવું અમે જ્ઞાતિવાદનું દુષણ આવવા નહિ દઇએ. અમારૂ ધ્યેય ચેમ્બરના વિકાસનું છે.

મહાજન પેનલના સમીર શાહે જણાવ્યું હતું કે, અમોએ મહાજન સંસ્થાની આબરૂ ફરીથી પ્રતિષ્ઠીત થાય તે માટે વેપારીઓના પ્રશ્નોને યોગ્ય રીતે રજૂ કરવા માટે તથા સંસ્થાના સંચાલનમાં પુર્ણ નૈતિકતા આવે તે માટે અમોએ ઉમેદવારી નોંધાવી છે. અમો  સગવડતાના નામની સમજૂતીમાં નથી માનતા, અમારૂ ધ્યેય સંસ્થા જ્ઞાતીવાદીય રાજકાણ તથા પૈસાના જોરે સત્તા મેળવવા પ્રયત્નો કરતા ઉમેદવારોને અટકાવવાનું છે.

આપે ર૦૧ર થી ર૦૧૭ સુધીનો ચેમ્બરનો કાર્ય કોઇ અનુભવ્યો હશે... વાઇબ્રન્ટ સૌરાષ્ટ્રનું ભવ્ય આયોજન, વેપારીઓના પ્રશ્નો તથા સામાન્ય નાગરીકોના પ્રશ્નોએ પુરી સજગતા તથા યોગ્ય અને વારંવાર સચોટ રજૂઆત, વગેરે બાબતોને પરીપુર્ણ કરી છે. તેમજ કન્ટેનર ડેપો, કન્વેકશન સેન્ટર, ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ જેવી મહત્વની સુવિધાઓની સરકારમાં રજૂઆતો કરેલ જેને પણ સફળતા મળેલ છે. અમો સંસ્થાની આ ગરીમાપુર્ણ પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા માંગીએ છીએ જેમાં વિશ્વાસ, શ્રધ્ધા અને સહકાર અત્યંત જરૂરી છે. જેથી  મતદાનના દિવસે ઉપરોકત બાબતોને ધ્યાને લઇ વિચારીને મહાજન પેનલનાં યોગ્ય ઉમેદવારને જ મત આપજો.

આગામી ૧૬ જાન્યુઆરી ર૦૧૯ ના રોજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કારોબારી માટેની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આપ સૌએ અનુભવ્યુ હશે કે છેલ્લા ર થી રાા વર્ષ દરમ્યાન આ અતિ જાજરમાન મહાજન સંસ્થાએ વેપારી તથા ઉદ્યોગના પ્રશ્નોના હલ કરવાને બદલે આંતરીક ખટપટ, ગંદુ રાજકારણ અને વ્યકિતગત હુંસાતુસીમાં જ સમય પસાર કર્યો છે. ત્રણ વર્ષની કારોબારી ટર્મ ર૦ર૦ ના પુરી થતી હતી પરંતુ વ્યકિતગત મહત્વાકાંક્ષાના કારણે મધ્યસ્થ ચૂંટણી કરવાના સંજોગો ઉભા કરવામાં આવ્યા. સંસ્થાની ગરીમા પુર્ણ વાર્ષિક સાધારણ સભામાં મહાજનોના આગેવાનો ન શોભે તેવા વાણી તથા વ્યવહારના નફટ પ્રદર્શનો દ્વારા મહાજન સંસ્થાની ગરીમાને તેમણે કહયું હતું કે હાલના સંજોગોમાં જયારે બજારમાં મંદીનું વાતાાવરણ છે., કાયદાકીય જટીલતાને હિસાબે વેપારીઓ તકલીફમાં છે. સરકારશ્રીના નવા નવા કાયદાઓ અને જોગવાઇઓની વ્યાજબી રજૂઆત કરવાને બદલે મહાજન રાજકારણમાં વેડફાઇ તે કેટલા અંશે વ્યાજબી જણાય ?

આ મુલાકાત વેળાએ પેનલના ૧૧ સભ્યો સમીરભાઇ મધુભાઇ શાહ, અરવિંદભાઇ રાયચંદ શાહ, અશ્વિનભાઇ છગનભાઇ ભાલોડીયા, રાજુભાઇ નોંધાભાઇ જુંજા,  શ્યામભાઇ મધુભાઇ શાહ, રાજેશભાઇ રામજીભાઇ ધામી, નરેશભાઇ જી. શેઠ, રાજેશભાઇ લાલજીભાઇ સવનીયા, પ્રણયભાઇ જે. શાહ, સુનિલભાઇ એમ. ધામેચા, ભાવીનભાઇ લલીતભાઇ ભાલોડીયા, ઉપરાંત ભરતભાઇ ખારેચા હાજર હતાં. (૪.૬)

(3:33 pm IST)