Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

મયુરે કહ્યું-મારા કારણે છુટાછેડા થયા એવી ડોકટર શ્યામને શંકા હતીઃ એ દિવસે માંડ છટકીને ભાગ્યો'તો

શ્યામ રાજાણી, રાહુલ દરજી અને રાજુ કોળી જેલહવાલે થયાના થોડા જ સમય બાદ અપહૃત હાથ લાગી ગયો : રાહુલે ફોન કરી ગ્રીનલેન્ડ ચોકડીઅ બોલાવ્યા બાદ ત્યાંથી કારમાં નાંખી નવાગામ-કુવાડવા તરફ બે કલાક ફેરવી મારકુટ કરી'તીઃ છેલ્લે નવાગામમાં તક મળતાં ભાગીને સીધો વતન ગયો હતોઃ એ પછી અમદાવાદ-સોમનાથ થઇ છેલ્લે કચ્છ નોકરી કરવા માંડ્યો હતો

ડીગ્રી વગર ડોકટર બની બેઠેલા શ્યામ રાજાણી સહિત ત્રણ જણાએ જેનું કારમાં અપહરણ કરી ધોલધપાટ કરી હતી એ મયુર ઉર્ફ માનસિંહ મોરી ગત રાત્રે મળી આવ્યો હતો. ડીસીપી રવિકુમાર સૈની, પીઆઇ આર. એસ. ઠાકરે મયુરને મિડીયા સમક્ષ રજૂ કરી ઘટનાની વિગતો વર્ણવી હતી (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: કુવાડવા રોડ પરની શ્યામ રાજાણીની લાઇફ કેર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં  નોકરી કરતો  મુળ સુત્રાપાડાના પ્રાંસલીનો મયુર ઉર્ફ માનસિંગ રાજાભાઇ મોરી (ઉ.૨૩) નામનો કારડીયા રાજપૂત યુવાન બાવીસ દિવસથી લાપતા થઇ ગયાની ફરિયાદ સાથે ગયા રવિવારે પ્રાંસલી ગામના સરપંચે રાજકોટ બી-ડિવીઝનમાં નોંધાવી હતી. આ કેસમાં ડો. શ્યામ રાજાણી સહિત ત્રણ આરોપી ગત સાંજે જેલહવાલે થયા એ પછી મોબાઇલ લોકેશનને આધારે મયુરને પોલીસે મોરબી રોડ જુના જકાતનાકા પાસેથી શોધી કાઢ્યો છે. મયુરે કહ્યું હતું કે-શ્યામ રાજાણીના છૂટાછેડા મારા કારણે થયાની તેને શંકા હોઇ રાહુલ મારફત મને ગ્રીનલેન્ડ ચોકડીએ બોલાવ્યા બાદ કારમાં અપહરણ કરી બે કલાક ગોંધી રાખી મારકુટ કરી હતી. છેલ્લે નવાગામ ખાતે મને તક મળતાં જ હું માંડ છટકીને ભાગી ગયો હતો. વધુ મારની બીકથી અત્યાર સુધી છુપાતો ફરતો હતો.

મયુરનું અપહરણ કરી કારમાં ગોંધી રાખી ડો. શ્યામ રાજાણી, રાહુલ દરજી અને રાજુ મકવાણા મારકુટ કરતાં હોવાની વિડીયો કલીપ જોયા બાદ પ્રાંસલીના સરપંચ નરસીભાઇ જાદવ (કારડીયા રાજપૂત) રાજકોટ પહોંચ્યા હતાં. તેમની ફરિયાદ પરથી ડો. શ્યામ હેમતભાઇ રાજાણી (ઉ.૩૦), તેના મિત્ર લાલપરીમાં રહેતાં રાજૂ છગનભાઇ મકવાણા-કોળી તથા હોસ્પિટલમાં જ રહેતાં અને કામ કરતાં મુળ પ્રાંસલીના રાહુલ હરિભાઇ પઢીયાર (દરજી) (ઉ.૧૯) સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. આ ત્રણેયે મયુરની બે મહિના પહેલા મારકુટ કર્યાનું અને વિડીયો કલીપ પણ બે મહિના પહેલાની હોવાનું તો કબુલ્યું હતું પણ હજુ સુધી મયુરને ગોંધી રાખ્યો હોવા બાબતે નનૈયો ભણ્યો હતો. આ ગુનામાં રિમાન્ડ પુરા થતાં શ્યામ સહિત ત્રણને ગત સાંજે કોર્ટ હવાલે કરતાં ત્યાંથી ત્રણેય જેલહવાલે થયા હતાં. એના થોડા સમય બાદ  અપહૃત મનાતો મયુર મોરી મોરબી રોડ જુના જકાત નાકા પાસેથી મોબાઇલ લોકેશનને આધારે પોલીસને મળીગયો હતો.

શ્યામ રાજાણીના વિદેશી છોકરી સાથેના ફોટા તેની પત્નિ સુધી પહોંચાડવામાં મયુર મોરીનો હાથ હોવાની અને તેના કારણે પોતાના છૂટાછેડા થઇ ગયાની  શ્યામને શંકા હોઇ તેણે મયુરને પાઠ ભણાવવા બીજા કર્મચારી રાહુલ મારફત ફોન કરાવી મયુરને ઓકટોબર મહિનામાં ગ્રીનલેન્ડ ચોકડીએ બોલાવી કારમાં નાંખી બે કલાક સુધી ફેરવ્યો હતો અને મારકુટ કરી હતી. છેલ્લે મયુરને નવાગામમાં તક મળતાં તે કારમાંથી ઠેકડો મારી ભાગી ગયો હતો. ત્યારે શ્યામ રાજાણી સહિતનાએ પીછો કર્યો હતો પણ હાથમાં આવ્યો નહોતો.

એ પછી તે ભાગીને જુનાગઢ, પ્રાંસલી ગયો હતો. ત્યાંથી સોમનાથ, અમદાવાદ થોડા દિવસ રોકાઇને છેલ્લે રાજકોટ થઇ કચ્છ જતો રહ્યો હતો અને ત્યાં સિમેન્ટ ફેકટરીમાં નોકરીએ રહી ગયો હતો. પોતે સતત ભય અનુભવતો હોઇ સતત છુપાતો અને ભાગતો રહેતો હતો. મોબાઇલના કાર્ડ પણ બદલી નાંખતો હતો. ગયા રવિવારે કામ સબબ રાજકોટ આવ્યાનું તેણે કબુલ્યું હતું. 

ડીસીપી રવિકુમાર સૈની અને પી.આઇ. આર. એસ. ઠાકરે મયુરને મિડીયા સમક્ષ રજૂ કરી માહિતી આપી હતી. જે ફોટા-વિડીયો વાયરલ થયા એ કોણે કર્યા? ડોકટરના બીજા કોઇ કરતુતો મયુર જાણે છે કે કેમ? તે સહિતના મુદ્દે પણ તપાસ થશે.

(3:49 pm IST)