Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

૨ વર્ષનો માસુમ જય રમતો-રમતો પાણીની કૂંડીમાં પડી ગયોઃ મોત

નવા ૧૫૦ રીંગ રોડ પર વર્ધમાન એવન્યુમાં બનાવ : એકના એક દિકરાના મોતથી લુહાર પરિવારમાં અરેરાટી પાણીના નિકાલની કુંડીનું ઢાંકણું કોઇએ ખુલ્લુ રાખી દેતાં બનાવ

રાજકોટ તા. ૭: શહેરના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર વર્ધમાન એવન્યુમાં બે વર્ષના બાળકનું પાણીના નિકાલ માટેની કુંડીમાં ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં અને રહેવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જાણવા મળ્યા મુજબ વર્ધમાન એવન્યુમાં રહેતાં લુહાર જીતેન્દ્રભાઇ પરમાર અને હિરલબેન પરમારનો પુત્ર જય (ઉ.વ.૨) બપોરે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં રમવા ગયો હતો. એ પછી અચાનક તેની ચીસ સંભળાતાં બધા દોડી ગયા હતાં. જય કુંડીમાં પડ્યો હોઇ તુરત બહાર કાઢી અર્ધબેભાન જેવી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકી મારફત યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર જય માતા-પિતાનો એક જ પુત્ર હતો. પિતા જીતેન્દ્રભાઇ પરમારને ફેબ્રીકેશન કામનું કારખાનુ છે. તે કારખાને હતાં અને માતા ઘરકામમા વ્યસ્ત હતાં. ત્યારે જય રમવા ગયો હતો અને કોઇએ કુંડીનું ઢાંકણું ખુલ્લુ રાખી દીધું હોઇ તેના કારણે તે તેમાં પડી ગયાનું કહેવાય છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:00 pm IST)