Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પુસ્તક પરિચય ધન્વી-માહી

લેન્ડ લોઝ જજમેન્ટસ્

કાયદાકીય જ્ઞાન, માહિતી અને જાણકારી પુરી પાડતું ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ થતું ગુજરાતનું અગ્રગણ્ય માસિક...

વર્ષ ૨૦૧૩થી શરૂ થનાર માસિક ''લેન્ડ લોઝ જજમેન્ટસ્'' ગુજરાતમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ દેશભરની તમામ નામદાર હાઈકોર્ટો દ્વારા નિર્ણિત મહત્વના ચુકાદાઓ, કેસની સમરી તથા ઉપયોગી મહત્વપૂર્ણ પરિપત્રો અને માહિતીસભર લેખો સહિતનું દળદાર મેગેઝિન છે. અનુભવી અને કાયદાકીય વિષયનાં નિષ્ણાંત એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાણીના માર્ગદર્શન હેઠળ આ માહિતીસભર માસિક ભવિષ્યમાં પણ લોકોપયોગી બની રહે તેવા હેતુથી રેઈન્બો પબ્લિકેશન દ્વારા દર મહિને પ્રસિધ્ધ કરવામાં આવે છે.

સ્થાવર મિલકતને સંબંધિત કાયમી મનાઈ હુકમ અને માલિકી હકકની જાહેરાતના દાવા માટેના આવષ્યક તત્વો પર આધારિત કેસો, સરકારી જમીનોની ફાળવણીમાં આચરવામાં આવેલ ગેરરીતિ, ઢીલાશ અને મેળાપીપણાના પરિણામો દર્શાવતા કેસ, આ ઉપરાંત અન્ય ખૂબ જ મહત્વના કાયદાકીય જ્ઞાન આપતા ચુકાદાઓ જેમ કે, હરાજીથી થયેલ વેચાણ રદ થાય અને તેના બદલામાં સફળ બોલી બોલનારા- ખરીદદારને અમુક રકમ મળે, તો તે આવકવેરા અધિનિયમ હેઠળ કરપાત્ર બને કે કેમ, 'પૂર્વનિર્ણય'નો સિધ્ધાંત, દેણદાર- લેણદારનો સંબંધ, ઓડિટ વાંધાના કારણસર દસ્તાવેજની નોંધણી અને મુકિત અંગેની માહિતી, વસિયત તથા વારસાઈ અંગેના ચુકાદાઓ, મિલકતોનાં વિભાજન અંગેની સ્પષ્ટતા, સગીરની કસ્ટડી, મિલકત તબદીલી નોંધણી સ્ટેમ્પ અધિનિયમ પર આધારિત ચુકાદાઓ, નવી શરતની જમીન અંગે કાયદાકીય જોગવાઈઓનો સમાવેશ કરેલ છે અને આ ઉપરાંત રોજ- બરોજના જીવનમાં વ્યવહારૂ રીતે ઉપયોગી બની રહે અને કાયદાની સાચી સમજ તથા માહિતી સરળ ગુજરાતી ભાષામાં આવરી લેવામાં આવ્યા છે.

આમ, આ માસિક કાયદાના સાગરમાં વ્યવસાયિક- બિન વ્યવસાયિક, ગ્રામીણ પ્રજાજનો, સામાન્ય જનતા, જમીનનાં લે- વેચ સાથે સંકળાયેલ વ્યકિતઓ માટે ખૂબ જ ઉપયોગી માસિક છે.

પ્રકાશઃ- રેઈન્બો પબ્લિકેશન, સુરત, લેખકઃ- ચીફ એડીટર શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ એન્ડ નોટરી), પ્રાપ્તિસ્થાનઃ- મોહનલાલ ડોસાભાઈ શાહ બુકસેલર, નાગરીક બેન્ક (મેઈન)ની સામે, જયુબેલી માર્કેટ રોડ, રાજકોટ મો.૯૩૭૪૧ ૦૩૬૯૬

(3:45 pm IST)