Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

૧૫૦ રીંગ રોડ પર રાધેક્રિષ્ના આર્કેડમાં આદિત્ય કોર્પોરેશન પેઢીમાં વહેલી પરોઢે ચોરના પગલા

સીસીટીવીમાં બે ચોર દેખાયાઃ શટર તોડી ઓફિસ અંદર અલગ અલગ ખાનાઓના ૯ તાળા તોડી ૧ાા લાખ રોકડા, એપલનું લેપટોપ, બે મોબાઇલની ચોરીઃ તાલુકા પોલીસે તપાસ આદરી

ચોરના પગલાઃ તસ્વીરમાં જ્યાં તસ્કરો ત્રાટકયા એ આદિત્ય કોર્પોરેશન ટ્રેડીંગ પેઢી તથા ઓફિસ અંદર બધુ વેરવિખેર તથા ઘટના સ્થળે પોલીસ અને ઓફિસ માલિક, કર્મચારીઓ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર પાસે રાધેક્રિષ્ના આર્કેડ નામના કોમ્પલેક્ષમાં આવેલી જાણીતી આદિત્ય કોર્પોરેશન ટ્રેડીંગ નામની પેઢીમાં વહેલી સવારે ચોર પગલા પાડી ગયા હતાં. શટર તોડી અંદર ઘુસી નવ જેટલા તાળા તોડી બધુ વેરવિખેર કરી નાંખ્યું હતું. તસ્કરોને ઓફિસમાંથી દોઢ લાખની રોકડ, લેપટોપ અને બે મોબાઇલ ફોનનો લાભ થયો હતો. બે તસ્કર સીસીટીવી કેમેરામાં દેખાયા હોઇ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ મવડી સરદારનગરમાં રહેતાં મોૈલિકભાઇ કરસનભાઇ રાઠોડ (આહિર) સવારે ૧૫૦ રીંગ રોડ પર ઇમ્પિરીયલ હાઇટ્સ સામે રાધેક્રિષ્ના આર્કેડમાં ત્રીજા માળે આવેલી પોતાની આદિત્ય કોર્પોરેશન ટ્રેડિંગ  નામની પેઢીની ઓફિસે આવ્યા ત્યારે શટર તૂટેલુ દેખાતા ચોરી થયાની જાણ થઇ હતી. અંદર જઇ તપાસ કરતાં અલગ અલગ ખાનાઓના નવ તાળા તોડી બધુ વેરવિખેર કરાયેલુ જોવા મળ્યું હતું. તેમજ રોકડા રૂ. ૧ાા લાખ તથા એપલનું લેપટોપ, એપલનો મોબાઇલ ફોન અને વીવોનો મોબાઇલ ફોન ગાયબ હોઇ તસ્કરો ચોરી ગયાની ખબર પડતાં તાલુકા પોલીસને જાણ કરી હતી.

બે તસ્કરો વહેલી સવારે ચારેક વાગ્યે આવ્યા હતાં. જેણે પેન્ટ અને જાકીટ તથા માસ્ક પહેરેલા હતાં. શટર તોડી અંદર આવેલા બંનેએ બધા તાળા તોડી નાંખ્યા હતાં. ઓફિસ અંદર પણ સીસીટીવી કેમેરો હોવાની ખબર પડતાં એક તસ્કર માથુ નીચે રાખી કેમેરા નજીક આવ્યો હતો અને કપડુ આડુ રાખી દીધુ હતું. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

(3:20 pm IST)