Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

પ્રજાએ અમને કામ કરવાની તક આપી છે, અને અમે અપેક્ષા મુજબ કામગીરી કરીએ છીએઃ અરવિંદ રૈયાણી

વજુભાઇ, રામભાઇ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સરગમ કલબ દ્વારા મંત્રી અરવિંદ રૈયાણી અને લોકગાયક કિર્તીદાન ગઢવીનું સન્માન

રાજકોટ :  સરગમ કલબ દ્વારા રાજ્યના  મંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી તથા તાજેતરમાં અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતની-ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરનાર લોકગાયક કીર્તિદાન ગઢવીનું જાહેર અભિવાદન કરવામાં આવ્યુ હતું.  કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના પ્રમુખ સ્થાને યોજાયેલા એક સમારંભમાં અરવિંદભાઈ રૈયાણી અને કીર્તીદાન ગઢવીને મોમેન્ટો આપીને સરગમ પરિવારના હોદેદારોએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે, પ્રજાએ અમને કામ કરવાની તક આપી છે અને અમે અપેક્ષા મુજબ કામગીરી કરીએ છીએ પરંતુ સરગમ કલબ જેવી સંસ્થા આ કામગીરીના બદલામાં સન્માન કરે તે ગૌરવ અપાવે છે.  કીર્તીદાન ગઢવીએ પોતાના પ્રતિભાવમાં સરગમ કલબનો આભાર માન્યો હતો. તેમણે પોતાના અમેરિકાના પ્રવાસમાં થયેલા અનુભવો વર્ણવ્યા હતા અને કહ્યું હતું કે, લાડકી પ્રોજેકટનો વિસ્તાર કરવામાં આવશે.  આ પ્રસંગે વજુભાઈ વાળા ઉપરાંત રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, એડીશનલ કલેકટર કેતનભાઈ ઠક્કર, બાન લેબના એમ.ડી. મૌલેશભાઈ ઉકાણી, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા વગેરે મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.  પ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌને આવકાર્યા હતા. કાર્યક્રમની સફળતા માટે  મીતેનભાઈ મહેતા, ભરતભાઈ સોલંકી, સુનીલભાઈ દેત્રોજા, રમેશભાઈ અકબરી, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા  વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:36 pm IST)