Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

કોઠારિયાના પીરવાડીમાં ૭૪ મકાનોનું ડિમોલીશન બંધઃ મુદત વધારાઇ

ટી.પી રસ્તાનાં નડતરૂપ બાંધકામો દબાણો દુર કરવા ઇસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ વિભાગે એક વર્ષ અગાઉ નોટીસો પાઠવેલ

રાજકોટ,તા.૮: શહેરનાં વોર્ડ નં.૧૮માં આવેલ કોઠારિયા રીંગ રોડ પાસે પીરવાડી વિસ્તારમાંથી ટી.પી રસ્તામાં ગેરકાયદે ખડકાયેલ ૭૪ મકાનોનાં દબાણો દુર કરવા ઇસ્ટઝોનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા એક વર્ષ અગાઉ નોટીસો આપવામાં આવી હતી. એક વર્ષ બાદ પણ દબાણો દુર ન થતા મનપા તંત્ર દ્વારા આજે ડીમોલીશન કરવામાં આવનાર હતુ. મનપા તંત્ર દ્વારા  વિસ્તાવાસીઓને બાંધકામો જાતે દુર કરવા મુદત વધારવામાં આવતા આજે ડિમોલીશન બંધ રહ્યુ હતુ અને કેટલાક લોકોએ બાંધકામો જાતે દુર કર્યા હતા.

આ અંગે મ.ન.પા. સતાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે મ.ન.પા.ની ઇસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંય શાખા દ્વારા આજરોજ વહેલી સવારે કોઠારીયા વિસ્તારમાં ડિમોલિશનની પ્રકિયા હાથ ધરવાની હતી. જો કે મુદ્દત વધારવામાં આવતા ડિમોલિશન બંધ રહ્યુ હતું. પરંતુ મ.ન.પા.ની નોટીસથી ફફડી ગયેલા સ્થાનિકોએ સ્વૈચ્છાએ પોતાના જ હાથે પોતાના ઘરને તોડી નાખ્યા હતા.

વિસ્તારવાસીઓના જણાવ્યા પ્રમાણે તેઓ ઘણા વર્ષોથી અહીં રહે છે. સરકાર દ્વારા એક તરફ ભિક્ષુકોને આશરો આપવામાં આવે છે. બીજી તરફ અમારો વર્ષો જુનો આશરો છીનવી લેવાતા બધા સહપરિવાર સહિત રસ્તા ઉપર આવી ગયા છીએ. ત્યારે તંત્રએ અમારા માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ. છેલ્લા બે વર્ષથી કોરોના અને લોકડાઉનના કારણે વેપાર-ધંધાઓ બંધ છે. તેવામાં મકાનનો આશરો છીનવાઇ જતા હવે જીવવું મુશ્કેલ બન્યુ હોવાની વ્યથા સ્થાનિકોએ કહી રહ્યા હતા.

(3:23 pm IST)