Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઓમનગરના ઇમિટેશનના વેપારી હસમુખ પટેલનું કારમાં અપહરણ કરી સેલોટેપથી હાથ બાંધી ૯.૩૦ લાખની લૂંટ

મકાનના સોદાના નામે કાવત્રુ ઘડી પૈસા પડાવ્યાઃ અંકૂર સોસાયટીમાં પટેલ વેપારીએ જેમની પાસેથી મકાન ખરીદ કર્યુ તે હંસાબેનના જમાઇ કૃપાલસિંહે અન્ય શખ્સ જયદિપ સાથે મળી નાણા પડાવ્યાની રાવઃ તાલુકા પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૮: બે શખ્સોએ કાવત્રુ ઘડી મવડી ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે ઓમનગર પાર્ટ એ રાધી પેલેસ ૩૦૧ ખાતે રહેતાં અને અંકુર રોડ પર વિરાણી ઇમિટેશન નામે દૂકાન ધરાવતાં હસમુખ રામજીભાઇ વિરાણી (પટેલ) (ઉ.૪૨)ને   મકાન બતાવવાના બહાને લઇ જઇ બાદમાં કારમાં બેસાડી અપહરણ કરી સેલોટેપથી હાથ બાંધી દઇ અલગ અલગ જગ્યાએ લઇ જઇ મારકુટ કરી ધમકી દઇ પર્સમાંથી રૂ. ૧૨ હજાર પડાવી લઇ તેમજ ગૂગલ પેથી રૂ. ૧૫ હજાર મેળવી લઇ તેમજ અપહૃત હસમુખ પટેલ પાસે તેના મિત્રોને ફોન કરાવી કુલ રૂ. ૯,૩૦,૦૦૦ની લૂંટ કરી લેતાં મામલો પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધાયો છે. હસમુખ પટેલે જે મહિલા સાથે મકાનનો સોદો કર્યો હતો એ મહિલાનો કૃપાલસિંહ જમાઇ થતો હોવાનું પોલીસને જણાવાયું છે.

પોલીસે હસમુખ વિરાણીની ફરિયાદ પરથી કૃપાલસિંહ ગોહિલ અને જયદિપ તથા અજાણ્યા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૧૨૦-બી, ૩૬૫, ૩૯૨, ૫૦૬ (૨), ૫૦૪ મુજબ ગુનો નોંધ્યો છે. હસમુખ  પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે મેં મારી દૂકાન વાળા અંકુર રોડ પર શામુબેન હરદાસભાઇ માદરીયા પાસેથી ૬૦ વારનું મકાન ખરીદ કર્યુ છે. શામુબેન અને તેમના દિકરી હંસાબેન દિનેશભાઇ તથા તેણીના દિકરા ધ્રુવીન દિનેશભાઇ વીરડીયા સાથે રહે છે. હંસાબેનના કહેવાથી મેં તેના જમાઇ કૃપાલસિંહ ગોહિલને શામુબેનના મકાન ખરીદના પૈસા કટકે કટકે રૂ. ૩૦ લાખ ચુકવી દીધા હતાં. આ પેમેન્ટ ચુકવાયા બાદ તા. ૨૬/૧૦/૨૦ના રોજ હું, શામુબેન, ધ્રુવીન અને કૃપાલસિંહ એમ બધા ટાગોર રોડ પરની રજીસ્ટ્રાર કચેરીએ ગયા હતાં. ત્યાં મને દસ્તાવેજ કરી અપાયો હતો. એ વખતે રજીસ્ટ્રારશ્રીએ પણ મકાન વેંચ્યુ તેનું પેમેન્ટ મળી ગયું છે ને? તેવું પુછતાં શામુબેને હા પાડી હતી.

આ સોદો થઇ ગયા બાદ તા. ૨૦/૧૧/૨૧ના રોજ કૃપાલસિંહે મારી દૂકાને આવી કહેલું કે મારે એક મિત્રને મકાન વેંચવું છે, ભાવમાં ફેરફાર થઇ શકે છે તમે જોવા સાથે આવશો? જેથી હું તેની સાથે મકાન જોવા જવા તૈયાર થયો હતો. ૨૩મીએ બપોરે અઢી વાગ્યે બાલાજી હોલ પાસે જે. કે. પીયુસી ખાતે કૃપાલસિંહ મહારાષ્ટ્ર પાસીંગની કારનું પીયુસી કરાવ્યું હતું. મારુ એકટીવા ત્યાંજ રાખી તેની કારમાં અમે મકાન જોવા રવાના થયા હતાં. માધાપર ચોકડીથી આગળ અતિથિ દેવો ભવ હોટલ પાસે મને એક મકાન બતાવ્યું હતું. એ પછી મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટના ૧૨મા માળે મને લઇ જવાયો હતો. જ્યાં અગાઉથી એક વ્યકિત હાજર હતી. તેનું નામ જયદિપ હોવાનું કૃપાલસિંહે કહ્યું હતું.

એ પછી ૧૨ માળનો ૩ બીએચકે ફલેટ ખરીદવાની વાત મેં અને કૃપાલસિંહે જયદિપ સાથે કરી હતી. એ દરમિયાન એ બંને બીજા રૂમમાં ચાર પાંચ વાર અંગત વાત કરવા ગયા હતાં. ત્યારબાદ મારી સાથે ફલેટના ભાવતાલ નક્કી કરતાં મને શંકા જતાં મેં ઘરે જવાની વાત કરતાં આ બંને મને એપાર્ટમેન્ટની નીચે લાવ્યા હતાં અને હોન્ડા સિવિક કારમાં બેસાડી દીધો હતો. કાર કૃપાલસિંહ ચલાવતો હતો. એ પછી જયદિપ ઝડપથી પાછલી સીટમાં મારી સાથે બેસી ગયો હતો અને મારી ગરદન પાછળ કંઇક હથીયાર જેવું રાખી દીધું હતું. ત્યારબાદ મને ચુપચાપ બેસી રહેવા કહી મારા બંને હાથ કૃપાલે સેલોટેપથી બાંધી દીધા હતાં. આ કારણે મારી ઘડીયાળ તૂટીને કારમાં પડી ગઇ હતી.

મેં તેને આવું શા માટે કરો છો? પુછતાં કૃપાલસિંહે કહેલું અમારી ફેમિલી મેટર છે, તારે અત્યારે જ પૈસા આપવા પડશે નહિતર જીવતો નહિ જવા દઉં. કહી મારા પર્સમાંથી ૧૨ હજાર કાઢી લીધા હતાં. એ પછી ગૂગલ પેથી ૧૫ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતાં. આ ઉપરાંત મને કોઇને પણ ફોન કરી રૂ. ૭.૫૦ લાખની વ્યવસ્થા કરવા કહી ગાળો દેતાં હું ડરી ગયો હતો. મારો ફોન પણ તેણે લઇ લીધો હોઇ તે મને આપતાં મેં મિત્ર મનુભાઇને ફોન કરી તાત્કાલીક મકાન લેવાનું છે તેમ કહેતાં તે મને પૈસા આપવા રાજી થતાં કૃપાલસિંહે હવે તારી દૂકાનના માણસ સંજયને પૈસા લેવા મોકલ તેમ કહેતાં મેં સંજયને ફોન કરતાં કૃપાલસિહે પોતાના સાળા ધ્રુવીનને પણ સંજય સાથે મોકલ્યો હતો. બાદમાં મનુભાઇ પાસેથી આ બંને રૂ. ૭ાા લાખ લઇ આવ્યા હતાં. કૃપાલસિંહે સાળા ધ્રુવીનને ફોન કરી પૈસા મળી ગયાની ખાતરી કરી બીજા બે લાખ માંગતા અને ધમકી આપતાં મેં બીજા મિત્ર વિનુભાઇ ગઢીયાને ફોન કરતાં તેણે ૧ લાખ જ હોવાનું કહેતાં આ રકમ પણ કૃપાલસિંહે હસ્તગત કરી લીધી હતી. બાકીના ૮૦ હજાર ઘરે પડ્યા હોઇ તે મળી કુલ ૯,૩૦,૦૦૦ મારી પાસેથી લૂંટી લઇ બાદમાં મુકત કર્યો હતો. હું ખુબ ડરી ગયો હોવાથી ફરિયાદ મોડી કરી હતી. તાલુકા પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં ગુનો દાખલ થતાં પીએસઆઇ એન. ડી. ડામોરે તપાસ હાથ ધરી છે.

(11:54 am IST)