Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પંચાયતના આરોગ્‍ય કર્મચારીઓના ધરણા-રેલીઃ ગુરૂવારે સરકાર સાથે મંત્રણા

તમામ જિલ્લા મથકોએ દેખાવોઃ ગુરૂવારે કમિશનર સાથેની બેઠકમાં સમાધાન ન થાય તો ૧૭મીએ ગાંધીનગરમાં ‘સામુહિક' રજૂઆત

આરોગ્‍ય કર્મચારીઓની ‘તંદુરસ્‍ત' એકતા : ગુજરાત રાજય પંચાયત આરોગ્‍ય કર્મચારી મહાસંઘના એલાન મુજબ આજે રાજકોટ જિલ્લા પંચાયતના પ૦૦થી વધુ કર્મચારીઓએ એન. પી. ડઢાણિયા, આર. ડી. ગોહીલ, એ. બી. સેજાણી વગેરેના નેતૃત્‍વમાં પંચાયતમાં સભા યોજેલ અને પોતાની માગણીઓ સંદર્ભમાં  બોર્ડ સાથે પંચાયત કચેરી સદર, ચૌધરી હાઇસ્‍કુલ વગેરે માર્ગો પર રેલી યોજેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૯ :.. રાજયની જિલ્લા પંચાયતોમાં ફરજ બજાવતા આરોગ્‍ય કર્મચારીઓ પડતર પ્રશ્નો માટેનું આંદોલન આગળ ધપાવ્‍યું છે. આજે રાજકોટ સહિત તમામ ૩૩ જિલ્લા  મથકોએ સામુહિક રજા મુકી રેલી અને ધરણા યોજાયેલ છે. આરોગ્‍ય કમીશનરે તા. ૧ર મીએ સાંજે પ વાગ્‍યે રાજય કક્ષાની પગલા સમિતિના આગેવાનોને બોલાવ્‍યા છે. જો તે બેઠકમાં સમાધાન ન થાય તો તા. ૧૭ મીએ હજારો કર્મચારીઓ આરોગ્‍ય કમિશનરને  સામુહિક રજૂઆત કરવા જવા માંગે છે.

રાજય આરોગ્‍ય કર્મચારી મહાસંઘની  જામનગર ખાતે થયેલ કારોબારી સભામાં ચર્ચા વિચારણા બાદ અને તાપી-વ્‍યારા જીલ્લાનાં પદમડુંગરી ખાતે આરોગ્‍ય મહાસંઘની એકશન પ્‍લાન મીટીંગમાં લેવાયેલા નિર્ણય અનુસાર સરકારને ફરીથી જલદ આંદોલનના કાર્યક્રમો આપી આરપારની લડત આપવાનું ઠરાવવામાં આવતાં જયાં સુધી રજૂ થયેલ તમામ પડતર પ્રશ્નોનું સુખદ ઉકેલ ન લાવી હુકમો, પરિપત્રો, ઠરાવો બહાર પાડી મહાસંઘને ન મળે ત્‍યાં સુધી અવિરત આંદોલન ચાલુ રાખવાનો અભિગમ અપનાવી ‘કરેગે યા મરેંગે'ના ઘોષણા સાથે આંદોલનનાં કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે. જે મહાસંઘના આદેશનો અમલ રાજયભરના તમામ સંવર્ગના તમામ કર્મચારીઓ ચુસ્‍તપણે અમલ કરવામાં આવશે. સફળતા હાંસલ કરવાના ધ્‍યેય સાથે ઉગ્ર લડત આપી ચુસ્‍તપણે અમલ કરવામાં આવશે. તેમ મંડળની યાદીમાં જણાવાયું છે.

આજે રાજકોટ જિલ્લા પંચાયત ખાતેથી  મંડળના જિલ્લા પ્રમુખ એન. પી. ડઢાણીયાના માર્ગદર્શન હેઠળ રેલી નીકળેલ.  રેલી નજીકના મુખ્‍ય માર્ગો પર ફરી પંચાયત કચેરીએ પહોંચેલ. જયાં સંગઠનના નેતાઓએ સંબોધન કરી છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્‍યકત કર્યો હતો. રાજય કક્ષાએ મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા નેતૃત્‍વ પુરૂ પાડી રહ્યા છે.

(4:13 pm IST)