Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

'ડાયાબીટીસ - બચાવીએ પગ ઘૂમીએ જગ' પુસ્તકનું લોકાર્પણ

ડાયાબીટીસમાં પગને કપાતા બચાવવા માટેનું ડો.વિભાકર વછરાજાની દ્વારા પુસ્તક પ્રકાશિત : લોકોને જાગૃત કરવાનો પ્રયાસ

રાજકોટ : આમ તો રાજરોગ કહેવાતા ડાયાબિટીસ વિશે અનેક પુસ્તકો અને માહિતીઓ ઉપલબ્ધ છે. ડાયાબિટીસમાં થતા રોગો અને સારવાર વિશે પણ અનેક જાણકારીઓ મળે છે પણ ડાયાબિટીસમાં પગમાં થતા ગેંન્ગ્રીન વિશે અને પગને કપાતો બચાવવા માટેની સામગ્રી બહુ અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતના એકમાત્ર ડાયાબિટીક ફૂટ સર્જન રાજકોટના ડો. વિભાકર વછરાજાનીએ ડાયાબિટીસથી પીડાતા લોકો તથા સમાજને શિક્ષિત કરવા માટે પુસ્તક લખ્યું છે 'ડાયાબિટીસ- બચાવીએ પગ ઘૂમીએ જગ'. ડો. વછરાજાની ની સાથે આ પુસ્તક લખવામાં ડો. પાયલ ખખ્ખર નો પણ સહયોગ સાંપડ્યો છે. આ પુસ્તકનું વિમોચન ઇન્ડિયન મેડિકલ એશોસીએશન (આઇ.એમ.એ) રાજકોટના ડો. ચેતન લાલસેતા, નેશનલ આઇ.એમ.એ ના ઉપપ્રમુખ ડો. અતુલ પંડ્યા, ગુજરાત સ્ટેટ આઇ.એમ.એ ના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી તેમજ ઉપસ્થિત નામાંકિત તબીબોના હસ્તે કરાયું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ શુભેચ્છા આપી આ પુસ્તકને વખાણ્યું હતું.

ડો. વિભાકર વછરાજાની કહે છે, આપણાં શરીરનો પાયો એટલે કે પગ આપણને ધરતી સાથે જોડે છે. વિશ્વમાં દર ૨૦ સેકન્ડે ડાયાબિટીસથી એક પગ કપાય છે. જે કરૂણ વાસ્તવિકતા છે. આ પુસ્તક 'ડાયાબિટીસ- બચાવીએ પગ ઘૂમીએ જગ', ડાયાબિટીસના દરેક દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. જેમાં પગની શરીર રચનાથી માંડી રોગના નિદાન તથા સારવાર માટેની સમજણ ખુબજ સરળ ભાષામાં અપાઇ છે. વધુમાં સારવારના સિદ્ધાંતો, પગ બચાવવા માટે રાખવી પડતી કાળજી, પગ કપાયા પછીની સંભાળ વગેરેની વિસ્તૃત છણાવટ પણ કરાઇ છે. આ અલભ્ય પુસ્તકમાં પગની ઇજાઓ, હાડકાનો સડો, પગમાં રસી અને તેનો ફેલાવો, પગની શરીર રચના, ડાયાબિટીસમાં પગની ફરિયાદો, ઘારા, વેરીકોઝ વેઇન, ચારકોટ ફૂટ, ગેન્ગ્રીન, ડાયાબિટીસમાં પગરખાનું મહત્વ, ઓપરેશનની સમજણ વગેરે અનેક મુદ્દાઓ ને સ્પષ્ટરીતે સમજી શકાય તેમ કલર ફોટાઓ સાથે પ્રકાશીત કરાયા છે.

'ડાયાબિટીસ- બચાવીએ પગ ઘૂમીએ જગ' પુસ્તકને લખવામાં ૫૦ હજારથી પણ વધુ પગના દર્દીઓની સારવાર કરી ચૂકેલા ડો. વિભાકર વછરાજાની, શ્રીમતિ કલ્યાણીબેન વછરાજાની અને ડો. પાયલ ખખ્ખર એ મોટું યોગદાન આપ્યું છે. આ પુસ્તક દ્વારા લોકોને ડાયાબિટીસમાં પગ બચાવવા, જાગૃત કરવાનો એક પ્રયાસ થયો છે.

પુસ્તક મેળવવા નવભારત સાહિત્ય મંદિર ઉપરાંત ડો. વિભાકર વછરાજાની, ૧૩/૩ જાગનાથ પ્લોટ, ૦૨૮૧ ૨૪૬૦૭૩૩ રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.

(4:04 pm IST)