Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા યોજવા માટેનો માર્ગ ખુલી રહયો છે

અવિશ્વાસ દરખાસ્ત અંગેનો મામલો હાઇકોર્ટમાં પડતર : કારોબારી સમિતિના અધ્યક્ષ સામેની અવિશ્વાસ દરખાસ્તનો ૧૭મીએ ફેંસલો

રાજકોટ, તા., ૯: જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા બોલાવવા માટેનો રસ્તો ખુલી રહયો છે. અવિશ્વાસ દરખાસ્તનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. તેની સુનાવણી માટે ૭ જાન્યુઆરીની મુદત છે. તે પુર્વે બજેટ અને અન્ય મુદાઓ માટે સામાન્ય સભા યોજવા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયાએ ડીડીઓને પત્ર લખેલ તે પત્રના અનુસંધાને ડીડીઓએ વિકાસ કમિશનર અને કાનુની નિષ્ણાંતનું માર્ગદર્શન માંગ્યું છે. પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ અવિશ્વાસ દરખાસ્ત સિવાયની બાબતો માટે સામાન્ય સભા યોજવા માટે જાણકારોએ હકારાત્મક મત  દર્શાવ્યો છે જેથી સામાન્ય સભા યોજવા માટેનો માર્ગ ખુલી રહયો છે. ડીડીઓને પંચાયતના સતાવાર કાનુની નિષ્ણાંતો તરફથી લેખીત માર્ગદર્શન મળે ત્યાર પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કારોબારી સમીતીના અધ્યક્ષ રેખાબેન પટોળીયા સામે અવિશ્વાસ દરખાસ્ત સંદર્ભે તા.૧૭મીએ બપોરે ૧ર વાગ્યે સામાન્ય સભા યોજવા માટે વિકાસ કમિશનરે આદેશ કર્યો છે. કારોબારી અધ્યક્ષે બહુમતી ગુમાવી દીધી છે પરંતુ હજુ સુધી રાજીનામુ આપવા બાબતે નિર્ણય કર્યો નથી. અવિશ્વાસ દરખાસ્તના ફેંસલા  પુર્વે રાજીનામુ નહી આપે તો બેઠકમાં બળાબળના પારખા થઇ જશે.

(4:01 pm IST)