Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ચારણ સમાજ દ્વારા 'સીલ્વર જયુબેલી સોનલ બીજ મહોત્સવ' ઉજવાશે

૨૮ મીએ વિશાળ રથયાત્રા : પૂર્વ દિવસે ભવ્ય લોકડાયરો : સંતો મહંતો પધારશે : વિદ્યાર્થી સન્માનનું પણ આયોજન

રાજકોટ તા. ૯ : ચારણ ગઢવી સમાજ રાજકોટ દ્વારા આગામી તા. ૨૮ ના 'સીલ્વર જયુબેલી સોનલ બીજ મહોત્સવ' નું આયોજન થયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચારણ સમાજના આગેવાનોએ જણાવેલ કે રાજકોટમાં સોનલ બીજ ઉજવણી શરૂ કરાયાને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોય સીલ્વર જયુબેલી મહોત્સવ ઉજવાશે.

આ નિમિતે ૨૮ મીએ વિશાળ શોભાયાત્રા તેમજ પૂર્વ દિને એટલે કે તા. ૨૭ ના ભવ્ય લોકડાયરો યોજવામાં આવ્યો છે.

સોનલ માં ના મુખ્ય રથ સાથેની આ શોભાયાત્રા શાસ્ત્રી મેદાન, લીંબડા ચોકથી શરૂ થઇ ઢેબરરોડ, નાગરીક બેંક ચોક, મકકમ ચોક, ગુરૂકુળ, આનંદ બંગલા ચોક, સ્વામીનારાયણ મંદિર, ખોડીયારનગર, ગોંડલ રોડ ખાતે સમાપન પામશે.

સમગ્ર રાજકોટ તેમજ શાપર વેરાવળ, મેટોડા અને બહાર ગામના ચારણ સમાજના ૩ થી ૪ હજાર લોકો આ રથયાત્રામાં જોડાશે. મોટર સાયકલ પર ઝંડા લગાવી શોભા વધારાશે.

સંતો મહંતો પધરામણી કરી આશીર્વચનો આપશે. શ્રી રૂપલ આઇ - રામપરા, માયા મા - ગઢશીશા કચ્છ, મહંતશ્રી એકલધામ યોગી શ્રી દેવનાથ બાપુ - વાગડ કચ્છ ઉપસ્થિત રહેનાર છે.

રથયાત્રા પૂર્ણ થયે મહાઆરતી અને ત્યાર બાદ ચારણ ગઢવી સમાજના ધો.૧૦-૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું શીલ્ડ પ્રમાણપત્રો આપી સન્માન કરાશે.

આ મહોત્સવને લઇને વોર્ડ વાઇઝ મીટીંગોનો ધમધમાટ શરૂ કરાયો છે. ઠેરઠેર હોર્ડીંગ્સ લગાવી પ્રચાર પ્રસારને વેગ અપાશે.

રથયાત્રાના પૂર્વ દિવસે એટલે કે તા. ૨૭ ના ભવ્ય લોકડાયરો યોજેલ છે. જેમાં હમીર ગઢવી, બ્રીજરાજ ગઢવી, હકાભા ગઢવી, ખીમજી ભરવાડ, શકિતદાન ગઢવી, વિશાલ બારોટ, જનક ગઢવી, પ્રકાશભાઇ જેબલીયા, રાજભા ગઢવી નાગલનેસ સહીતના કલાકારો કલા પીરસશે.

આ લોકડાયરા દરમિયાન માતાજીને માનનારા વર્ગના ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, રાજપુતો, કરણી સેનાના આગેવાનોનું સન્માન કરાશે. સાથો સાથ સંસ્થાના ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ સંસ્થાના સંસ્થાપકનું પણ સન્માન કરાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચારણ સમાજના યુવાનો અને વડીલો દ્વારા રાત દિવસ મીટીંગોનો દોર શરૂ કરી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ચારણ ગઢવી સમાજને મહોત્સવમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ પ્રકાશભાઇ કવલ, ઉપપ્રમુખ મહીપત ગઢવી, મંત્રી પ્રવિણ ગઢવી, સહ મંત્રી ભરત નાગૈયા ગઢવી, હમીર ગઢવી, કનુભા ગઢવી, સોતીભા રતન, લાલાભા વડગામા, લાલાભા ઠાકરશી, મહેશભાઇ બાવડા, મનોજભા ગઢવી, અજીતભા ગઢવી, મનોજ પાલીયા, ગીરીશ લાંબા, મુન્નાભા અમોતીયા, શાંતીભા કુડના, દિલીપ બળદા, હેમુભા બાવડા, મેહુલભા જામંગ, કરણી સેનાના ભગવતભાઇ સોયા, ભરત ગઢવીએ અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ચારણ ગઢવી સમાજના આગેવાનો સર્વશ્રી પ્રકાશભાઇ કવલ, મહીપતભાઇ ગઢવી, પ્રવિણભાઇ ગઢવી, મુન્નાભા અમોતીયા, મહેશભાઇ ઇસરાણી, મહેશ બાવડા, કનુભા સાબા, મનોજ પાલીયા, સુખદેવભાઇ બાદાણી, સુભાષદાનભાઇ ઇસરાણી, દિલીપભાઇ બળદા, અમિત પાલીયા વગેરે નજરે પડે છે.

(3:40 pm IST)